Home /News /lifestyle /

કસબ અને કલા? એ તે કઈ બલા?

કસબ અને કલા? એ તે કઈ બલા?

ચિત્ર સૌજન્ય : સામત બેલા

  સિસૃક્ષા અને કર્તૃત્વના આનંદથી વંચિત ‘સુધરેલા’ લોકોની સંખ્યા વધતી જાય છે. હજારો વર્ષથી પરંપરાગત રીતે સિદ્ધ થયેલ કસબ-કરામત કે હસ્તકલા સામૂહિક રીતે અદૃશ્ય થઈ રહ્યાં છે. હાથનાં હુન્નર એકાએક નાશ પામી રહ્યાં છે. માટીનાં રમકડાં, સંઘેડાથી ઉતારેલી લાકડાની ચીજવસ્તુઓ, કંસારાએ ટીપીટીપીને ઘડેલાં ઘાટઘાટનાં વાસણો, પ્રજાપતિએ ઉતારેલાં પાત્રો, મોચીએ ભરત ભરીને તૈયાર કરેલાં પગરખાં, સુતારે ઘડેલાં રાચરચીલાં, મણિયારાની ચૂડી, ધાતુકામની કલાત્મક ચીજવસ્તુઓ, વણકરોએ કુદરતી રેસા અને રંગથી બનાવેલાં વસ્ત્રો હવે ભાગ્યે જ જોવા મળે છે. ભાતીગળતા ભવ્યતાને બદલે ‘સિમ્પલ એન્ડ સોબર’ની ભૂતાવળ નાચી રહી છે.

  ઓકળી પાડીને ઘરેઘરમાં આલેખ કરતી, ભરત ભરતી, કામણ ગૂંથતી પેલી ગ્રામનારી ક્યાં ગઈ? રેશમ, ઊન, મોતી, આભલાં અને કોડીનાં ભરત ક્યાં ગયાં? રંગોની પરખ અને આકૃતિની સંયોજના સમયના કયા સ્તરમાં ધરબાઈ ગયાં? ટોડલેથી મોરલા ઊડી ગયા છે, તોરણના લીલા પોપટ સૂકાઈ ગયા છે, હાથીની સૂંઢ તૂટીને તારતાર થઈ ગઈ છે, સિંહની ડણક કોઈક વેચાતી લઈ ગયું છે. ગણેશસ્થાપનાના ગણપતિ કોઈ પેટીપટારામાં ઘડી વળીને સૂઈ ગયા છે.

  હાથમાંથી હુન્નર ગયાં, પગમાંથી ઠેક ગઈ, ગળામાંથી ગીતો ગયાં. આ બધું ગયું એટલે જીવવાનો આનંદ ગયો. સાથે મળીને વારંવાર ઉજવાતા ઉત્સવો ગયા. પ્રેમ અને પરસ્પર સંવાદ રચતા નાનાંનાનાં વ્રતઉત્સવ ગયાં. ‘રાસમાં ઝૂમવું’ અને ‘મેળામાં મ્હાલવું’ એ કેવળ ‘રોમેન્ટિક’ શબ્દપ્રયોગ બની રહ્યા. ખૂબ દુઃખ દે એવો સમય છે આ. ભારતીય લોકો પોતાની ઉચ્ચતમ સંપદાને સહજતાથી ભૂલી કેમ જાય છે? પહેલાં જીવનરીતિ ખોઈ, પછી સમૃદ્ધ સાહિત્ય ખોયું, પછી સંવાદિતા ખોઈ અને હવે કલાકસબ ખોવા બેઠું છે. યાદ રહે, આ સાંસ્કૃતિક વિનાશનો કાળ ચાલે છે. કઈ નબળાઈ છે આપણી કે આપણને આપણી હજારો વર્ષની ઉપલબ્ધિઓને સાચવી રાખવાનું જરાયે મન નથી થતું? સદીઓ જૂની પૂર્વજોની સિદ્ધિને એક જ ક્ષણમાં વીસરી જવાનું જરાય દુઃખ કેમ નથી? પોતાનાં જ મૂળ પર પ્રહાર કરીએ છીએ એનું ભાન કેમ નથી? આપણે આપણા વારસા અને વૈભવ પ્રત્યે સાવ સંવેદનહીન કેમ છીએ? ઘણું બધું અત્યંત સમૃદ્ધ ગુમાવી રહ્યા છીએ એનો કોઈને અહેસાસ થાય છે ખરો? ‘વિવિધતામાં એકતા’ એમ પુસ્તકમાં ભણનારા ‘વિવિધતા’ અને ‘એકતા’નો અર્થ જાણે છે ખરા? આ બેમાંથી એકેય શબ્દનું સાર્થક્ય રહ્યુ છે ખરું?

  સરકાર, ચિંતકો, લેખકો, સંગઠનો સાંસ્કૃતિક વિનાશના આ કપરા પ્રભાવથી અવગત છે ખરાં? અને જો અવગત છે તો એના પરત્વે ચિંતિત છે ખરાં? સરેરાશ ભારતીયની જે જીવનશૈલી હતી, જીવનનો જ ભાગ હતી એવી પરંપરાની જાળવણી માટે કોઈ પ્રયાસ કેમ થતા નથી? ભારતીય જીવનધારામાં કલા કે કસબ કોઈ આંગુતક, બહારની ચીજ નહોતી. એ તો જીવન સાથે વણાઈને સમયાંતરે પુષ્ટ થતી જીવંત પ્રક્રિયા હતી. એનું સમૃદ્ધ હસ્તાંતર થતું રહેતું. હવે બધું માત્ર મ્યૂઝિયમમાં જોવાનું? અરે, એવાં સમૃદ્ધ મ્યૂઝિયમ પણ ક્યાં છે? બીજું કશું ન થઈ શકે તો એનું દસ્તાવેજીકરણ તો કરી શકાયને? આપણી સિદ્ધિ અને સંપદા પરત્વે આટલી હદ સુધીની અવગણના?

  કોઈક કસબ અને પરંપરાગત કલા હજી બચ્યાં છે એનું કારણ ‘સુધરેલા’ લોકોનો ‘શોખ’ છે અને ગરીબોની મજબૂરી છે. સાધનસંપન્ન લોકો પોતે કલારસિક છે એમ દેખાડવા માટે હસ્તકલાની ચીજવસ્તુ વસાવે છે. એમની ભાષામાં કહીએ તો એ ‘રસ્ટિક લૂક’ છે, ‘ટ્રેડિશનલ થીમ’ છે, ‘ડૅકોરેટિવ પીસ’ છે. એટલે, હસ્તકલાનાં પ્રદર્શન યોજાય તેમાંથી, અથવા તો પ્રવાસનસ્થળે સ્થાનિક બજારમાં ચીજવસ્તુઓ મળે તેમાંથી ‘કશુંક’ લઈ આવીને ઘરમાં ગોઠવી દેવામાં આવે છે. એને જે રીતે ગોઠવવામાં આવે તે રીતે તો તદ્દન યાંત્રિક બની જાય છે, જીવંત રહેતું નથી. ક્વચિત્‌ ઇન્ટીરિયર ડિઝાઈનર પરંપરિત સજાવટ કરી આપે. પણ, યાદ રહે કે આ તો બધું આગંતુક છે, અંતરંગ નથી જ નથી. આપણો પરંપરિત કલાકસબથી સંબંધ છૂટી જ ગયો છે એ કડવું સત્ય સ્વીકારવું રહ્યું.

  ‘આધુનિક’, ‘સુધરેલા’, ‘વિકસિત’, ‘પ્રગતિશીલ’ જેવાં વિશેષણો પહેરવાના શોખીન માણસોએ પરંપરિત કલાકસબ અને મૂલ્યોને સાગમટે દેશવટો આપ્યો છે. આ આંધળા ‘વિકાસ’ના રોલરે આપણી જનચેતના અને જીવનઊર્જાને જે હદ સુધી છીનવી લીધાં છે એના વિશે વિચારીએ તો ખૂબ ખૂબ ખૂબ દુઃખી થવાય એમ છે. ઊંચાં મકાનો, વાહનોની ભરમાર, ભરચક્ક શહેરો, મોબાઈલ ફોનના વપરાશ, ઝાકઝમાળે શું આપ્યું અને શું છીનવી લીધું એ વિશે દરેકે વિચારવા જેવું છે. પછી ખબર પડશે કે વિકાસ નહિ, ભયંકર રકાસ છે આ. ન તો આપણે ‘ભારતીય’ રહ્યા, ન તો કદી પશ્ચિમના લોકો જેવા થઈ શકવાના. અધવચ્ચે અધકચરા ઝૂલતા કરી દીધા આપણને કોણે? સરેરાશ ભારતીય પોતાની ઓળખ ખોઈ બેઠેલો માણસ છે. આટલી મોટી અધોગતિમાં ધકેલાઈ જતા આ દેશ વિશે કોઈ ચિંતિત કેમ નથી? જો અત્યારે નહિ વિચારવામાં આવે તો આવનારો કાળ તો અસહ્ય બની જશે.

  હસ્તકલાના સૌંદર્યથી અજ્ઞ માણસ કલા પરત્વે તો ક્યાંથી સભાન હોય? સરેરાશ લોકો અત્યારે એક જ કલા સિદ્ધ કરી રહ્યા છે, અને તે કલા એટલે ટૂંક સમયમાં વધારેમાં વધારે પૈસા કમાવાની કલા. સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, નાટક, નૃત્ય પણ હવે ‘ધંધાદારી’ થતાં જાય છે અને ‘પૈસા’ના સહારે જીવે છે. એ જીવનનો હિસ્સો નથી જ. લોકો એમ માનતા થયા છે કે આપણી પાસે પૈસા હશે તો બધું જ થઈ શકશે. આર્કિટૅક્ટને મકાન બનાવવાનું સોંપી શકાય. પછી તો ઇન્ટીરિયર ડિઝાઈનર છે, લૅન્ડ સ્કૅપ ડિઝાઈનર છે, ગાર્ડન ડિઝાઈનર છે એ બધું જ તૈયાર કરી આપશે. કોઈ જ માથાકૂટ નહિ. ઇન્ટીરિયર ડિઝાઈનર ઘરને ચિત્રો (પૈસાદાર માટે ઓરિજિનલ પૅઈન્ટિંગ્સ, અને જો ઓછા પૈસા હશે તો પ્રિન્ટ્‌સ)થી સજાવી આપશે, કેમ કે એ ‘સ્ટેટસ’ ગણાય છે. એ જ રીતે કોઈ મોંઘા વક્તાના વ્યાખ્યાનમાં પૈસા ખર્ચીને જવાનું, સંગીતજલસામાં ટિકિટ લઈને જવાનું. પછી એવાં ‘પિક્સ’ને સોશિયલ મીડિયા પર ‘શૅર’ કરવાનાં. ‘ટૅસ્ટ’ હાઈ હોવાનું ‘સ્ટેટસ’ આ રીતે ખરીદી શકાય છે.

  માણસ હોવું એટલે અંદરથી સમૃદ્ધ થવું. પાંચ જ્ઞાનેન્દ્રિયથી જગતનું આકલન કરી એનું જે કંઈ ઉત્તમ છે તેને અંકે કરવું, પછી અભિવ્યક્ત કરવું. વૃત્તિઓને શુદ્ધ કરવી, ભાવને વિસ્તારવા, ઊર્મિઓને માંજવી, આનંદને રસરુચિથી ઊર્ધ્વગામી કરવો, મૂલ્યોનું જતન કરવું અને પછી સંપૂર્ણતાથી જીવી જવું. એ જ છે અસ્તિત્વની સાર્થકતા. એટલે, ભીતરની ભવ્યતા માણસને મૂલવવાનો માપદંડ હોવો જાઈએ. અત્યારે વિપરીત સ્થિતિ છે. માણસ એના મોભા, પૈસા, પદ અને પ્રતિષ્ઠાથી મપાય છે. સાધનશુદ્ધિનો કોઈ આગ્રહ નથી, સંપૂર્ણતાની કોઈને પડી નથી. આવા દેશમાં કસબ, કલા, મૂલ્યો, વારસો, પરંપરા, સાંસ્કૃતિક ઉપલબ્ધિ પરત્વે અજ્ઞાન લોકોનો ફાલ ઊતરે તો એમાં નવાઈ શી? આપણે ભારતમાતાને પ્રાર્થના કરવા સિવાય બીજું શું કરી શકીએ? યાચીએ કે હે ભારતમાતા, મારો દેશ મહાન હતો. એ મહાનતા શી હતી એનું અમને ભાન કરાવ. અમને અમારા સાંસ્કૃતિક વારસાનું ગૌરવ દે અને એને પુનઃ સ્થાપિત કરી શકીએ એવી શક્તિ દે...

  (‘શબ્દસર’ સંપાદકીય : નિસર્ગ આહીર, ચિત્ર સૌજન્ય : સામત બેલા)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Painting, ગામડા

  આગામી સમાચાર