Home /News /lifestyle /

બદલાતી ઋતુ લઈને આવે છે અનેક બિમારીઓ, આ રીતે Immunity વધારવાથી શરીરમાં નહિં આવે રોગ

બદલાતી ઋતુ લઈને આવે છે અનેક બિમારીઓ, આ રીતે Immunity વધારવાથી શરીરમાં નહિં આવે રોગ

બદલાતી ઋતુ લઈને આવે છે અનેક બિમારીઓ (તસવીર-shutterstock.com)

આપણે સૌ જાણીએ જ છીએ કે સારો ખોરાક ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યૂનિટી (immunity) વધે છે, જેથી આપણને રોગો સામે રક્ષણ મળે છે.

Make Strong Immunity in Changing Weather: અત્યારે ઋતુ બદલાઈ રહી છે. ચોમાસુ વિદાય લઈ રહ્યું છે અને થોડા જ દિવસોમાં શિયાળા(Winter)ની શરૂઆત થઈ જશે. આમ તો બદલાતી ઋતુઓ આનંદદાયક લાગતી હોય છે પણ આ બદલાતી ઋતુ સ્વાસ્થ(Health)ને ઘણી અસર કરતી હોય છે અને અનેક નાની મોટી બિમારીઓ પણ આપણને ઘેરી લેતી હોય છે. આવામાં આપણા આહાર-વિહારનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની રહેતું હોય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે સારો ખોરાક ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યૂનિટી (immunity) વધે છે, જેથી આપણને રોગો સામે રક્ષણ મળે છે. એક વાત આપણે સૌએ અનુભવ કરી છે કે જ્યારે પણ શિયાળાની ઋતુ હોય છે ત્યારે ભૂખ વધુ લાગતી હોય છે. શિયાળાની ઋતુમાં જઠરાગ્નિ (gastritis) વધુ તીવ્ર હોય છે, જેને કારણે ભૂખનો વધુ અનુભવ થાય છે.

ભૂખ વધુ લાગવાનો સ્પષ્ટ અર્થ છે વધારે ખાવું, આવામાં એ વાતનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે કે વધુ ખાવાને કારણે ક્યાંક વજન ન વધી જાય. જ્યારે પણ સિઝન બદલાતી હોય છે, ત્યારે બિમાર થવાનો ભય પણ રહે છે. જ્યારે પણ શિયાળાની ઋતુનો પ્રારંભ થાય છે ત્યારે શરદી, ખાંસી, તાવ, ગળા સંબંધીત તકલીફો જોવા મળતી હોય છે. સાથે જ સાંધાના દુખાવા જેવી ફરિયાદોમાં પણ વધારો થતો હોય છે. બિમાર પડવાની શક્યતાઓને લઈને હાલની બદલાતી ઋતુમાં બાળકો અને વૃદ્ધોએ પોતાની સેહતનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે.

દૈનિક જાગરણના આર્ટિકલ અનુસાર આયુર્વેદ ચિકિત્સક ડૉ. અર્પિતા સી. રાજ (Dr Arpita C.Raj) દ્વારા આ બદલાતી ઋતુમાં પોતાની ઈમ્યૂનિટી વધારવા માટે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, આ ટિપ્સની મદદથી બદલાતા હવામાનમાં આપણે સેહતનું ધ્યાન રાખી શકીએ છીએ.

શું ખાવું છે લાભદાયક

આપણા વડિલો પહેલેથી આપણને કહેતા આવ્યા છે કે આપણો ખોરાક હંમેશા ઋતુને આધારે હોવો જોઈએ. બદલાતી ઋતુ પ્રમાણે કેટલીક વસ્તુઓને ખોરાકમાં શામેલ કરવી જોઈએ તો કેટલીકને બાદ કરી દેવી જોઈએ. જેમ કે શિયાળાની શરૂઆતની સાથે ડુંગળીનું સેવન ઓછું કરી લસણ અને આદુંના સેવનમાં વધારો કરવો, રસોઈમાં વધુ પડતા તેલનો ઉપયોગ ટાળવો અને સાદુ ભોજન લેવું, ભોજનમાં તેજાના જેવાં કે મરી, તજ, લવિંગ, તમાલપત્રનો ઉપયોગ વધારવો સાથે જ હળદરનો ઉપયોગ પણ વધારે કરવો. આયુર્વેદ પ્રમાણે આ બધા મસાલા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. ખારેક, ટોપરુ, બદામ, મગફળી અને અખરોટનું સેવન શિયાળાની ઋતુમાં ફાયદાકારક હોય છે. શુદ્ધ મધનું સેવન શિયાળાની ઋતુમાં સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે

દિવસની ઉંધને કહો અલવિદા

ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં જ્યારે ઋતુ બદલાઈ રહી હોય ત્યારે શક્ય હોય તો બપોરના સમયે ઉંઘવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે આ સમય દરમ્યાન બપોરે સુવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. જ્યારે ઋતુ બદલાવાની શરૂઆત થાય છે ત્યારે દિવસ અને રાતના તાપમાનમાં તફાવત આવી જતો હોય છે, તેથી જો તમે દિવસ દરમ્યાન બહાર જાઓ છો તો રાત્રિના સમયે ઠંડીથી બચવા માટે ગરમ કપડા ચોક્કસથી સાથે રાખવા. શિયાળાની ઋતુમાં તાવની ફરિયાદ વધુ જોવા મળે છે, જો તાવ 2 દિવસથી વધુનો હોય તો ઘરેલુ ઉપચાર કરવાને બદલે ત્વરિત ધોરણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ભરપૂર પ્રમાણમાં કરો વિટામિન C નું સેવન

ડૉ. અર્પિતા જણાવે છે કે વિટામિન C વધુ પ્રમાણમાં ધરાવતા ફળો અને શાકભાજીનું સેવન કરવું. આવા ફળો અને શાકભાજી શરીરના રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. જો શરીરમાં વિટામિન C પૂરતા પ્રમાણમાં હોય તો તે કફ, શરદી અને ખાંસી જેવી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે. જે પણ લોકોની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેમણે શિયાળા દરમ્યાન વિટામિન C ધરાવતા ફળઓનું સેવન ચોક્કસથી કરવું જોઈએ.

અસ્થમાના દર્દીઓએ રાખવું ખાસ ધ્યાન

સામાન્ય લોકોની સરખામણીએ અસ્થમાના દર્દીઓએ શિયાળાની બદલાતી ઋતુમાં પોતાના સ્વાસ્થનુ વધુ ધ્યાન રાખવાની જરૂર હોય છે. આવા દર્દીઓએ શિયાળામાં ઠંડા પદાર્થો અને પીણાંઓનો ત્યાગ કરી અને ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. નાસ લેવું પણ અસ્થમા દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. કોઈ સામાન્ય માણસને પણ જો શરદીના લક્ષણો દેખાય તો તે પણ નાસ લઈ શકે છે, આનાથી શરદીની અસરમાં ત્વરિત ધોરણે ઘટાડો જોવા મળશે. જણાવી દઈએ કે નાસ લેવાથી શ્વસનતંત્રને લગતી તમામ તકલીફોમાં રહાત મળે છે.

હળદર વાળું દૂધ (ગોલ્ડન મિલ્ક)

નાનપણથી જ આપણે હળદરવાળા દૂધના ફાયદાઓ વિશે સાંભળતા આવ્યા છીએ. શિયાળામાં પણ ઈમ્યૂનિટી વધારવા માટે રોજ રાત્રે સૂતા પહેલા હળદરવાળા દૂધનુ સેવન કરવું જોઈએ. ગોલ્ડન મિલ્ક એટલે હળદરવાળું દૂધ બનાવવા માટે એક ગ્લાસ દૂધમાં પા ચમચી હળદર મિક્સ કરવું, ધ્યાન રાખવું કે જો તમે વધુ પ્રમાણમાં હળદર નાખશો તો ફાયદાને બદલે નુક્શાન પણ થઈ શકે છે.

આ પણ વાંચો: Moti Pak Recipe: તહેવારોની સિઝનમાં આ છે ગુજરાતીઓની ફેમસ સ્વિટ ડીશ, વાંચો રેસિપી

નિયમિત વ્યાયામ છે જરૂરી

એક સારા સ્વાસ્થ અને શરીર માટે આહાર જેટલો જરૂરી છે, તેટલો જ જરૂરી છે વ્યાયામ. તમે શિયાળા દરમ્યાન વધુ પ્રમાણમાં ખાઓ છો જેને પચાવવા માટે ફિઝિકલ એક્ટિવીટી કરવી ખૂબ જરૂરી છે. વ્યાયામ માટે જીમમાં જવું જરૂરી નથી પણ તમે યોગ અને પ્રાણાયામ પણ કરી શકો છો. યોગ કરવાના અનેક ફાયદાઓ છે. નિયમિત યોગ કરવાથી રક્ત સંચારમાં સિધારો થાય છે, તણાવમાં ઘટાડો થાય છે સાથે જ શરીર અને મન વચ્ચે સંતુલન રહે છે. નિયમિત યોગ તમારી ઈમ્યૂનિટી પણ મજબૂત બનાવશે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Cold weather, Digestive System, Herd immunity, Vitamin c

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन