Breast Feeding Week 2021: નવજાત બાળકની તંદુરસ્તી માટે બ્રેસ્ટ ફિડિંગ (Breast Feeding) કરાવવું જરૂરી છે. પરંતુ ઘણી વખત કેટલીક મહિલાઓ ઈચ્છા હોવા છતાં પણ બ્રેસ્ટ ફિડિંગ કરાવી શકતી નથી. જેની પાછળ મોટાભાગે માતાના સ્તન (Breast)માં દૂધ બનતું ન હોવાનું કારણ જવાબદાર છે.
સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના ડેટા પરથી ખ્યાલ આવે છે કે, 75 ટકા નવી માતાઓ બાળકને સ્તનપાન કરાવવાનું શરૂ કરી થોડા સમયમાં આંશિક કે સંપૂર્ણ રીતે બંધ કરી દે છે. જેની પાછળ સ્તનમાં પૂરતું દૂધ બનતું ન હોવાનું કારણ જવાબદાર હોય છે. જેથી healthline.comમાં પ્રકાશિત અહેવાલ પરથી અહીં સ્તનમાં દૂધ ઉત્પાદન વધારવા ઘરગથ્થુ ઉપચારની જાણકારી અપાઈ છે.
સ્તનમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે તમારે દિવસમાં 8થી 12 વખત સ્તનપાન કરાવવું જોઈએ. આ પદ્ધતિ દૂધ વધુ બનાવવામાં મદદરૂપ થશે. બાળક સ્તનપાન કરે, ત્યારે સ્તનમાં દૂધ બનાવવા ટ્રિગર કરનાર હાર્મોન ઉત્પન્ન થાય છે. જેને લેટ ડાઉન રીફલેક્સ કહેવામાં આવે છે. સ્તનના સ્નાયુઓ સંકોચાય છે અને નળીના માધ્યમથી દુધને ટ્રાન્સફર કરે ત્યારે લેટ ડાઉન રીફલેક્સ થાય છે. બાળક સ્તનપાન કરે એટલે તરત આવું થવા લાગે છે. જેથી દૂધ બનવાની પ્રક્રિયા જેમ સ્તનપાન કરાવશો તેમ સારી થશે.
ફિડિંગમાં બ્રેસ્ટ પમ્પની મદદ લો- બાળકને સ્તનપાન કરાવતી વખતે બ્રેસ્ટ પંપની મદદ લેવાથી સ્તનમાં દૂધ બનાવનું પ્રમાણ વધે છે. પહેલા તમારા બાળકને સ્તનપાન કરાવો અને જ્યારે તે વચ્ચે ફિડિંગ બંધ કરે ત્યારે બ્રેસ્ટ પંપની મદદથી દૂધ એકત્રિત કરો. તમે બાળકને સ્તનપાન કરાવ્યા પછી વધેલા દૂધને પંમ્પિંગ દ્વારા કાઢી શકો છો. જેનાથી દૂધનું ઉત્પાદન વધશે.
બંને બાજુએ કરો બ્રેસ્ટફીડિંગ- બાળકને હંમેશા બને તરફથી બ્રેસ્ટ ફિડિંગ કરાવવું જોઈએ. આવું કરવાથી પણ દૂધ બનાવની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે. પહેલા બાળકને એક સાઈડથી દૂધ પીવડાવો અને બાળક દૂધ પીવાનું ધીમું કરી દે, ત્યારે બીજી સાઈડથી દૂધ પીવડાવવાનું શરૂ કરો. આવું કરવાથી દૂધનું ઉત્પાદન વધારવામાં મદદ મળે છે અને દૂધમાં ચરબીનું પ્રમાણ પણ વધે છે.
ઘરગથ્થુ ઉપચાર- કેનેડિયન બ્રેસ્ટફીડિંગ ફાઉન્ડેશનના મત મુજબ સ્તનમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનું સેવન કરી શકાય છે. જેમાં સૌપ્રથમ મેથીનું નામ આવે છે. મેથીની અસર એક જ અઠવાડિયામાં દેખાવા લાગશે. આ ઉપરાંત લસણ, આદુ, વરિયાળી, આલ્ફાલ્ફા અને ડ્રાય થિસ્લ જેવી વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકાય છે.
આ મિશ્રણ પણ થશે મદદરૂપ- બ્રેસ્ટ મિલ્કનું ઉત્પાદન વધારવા માટે નવભારત ટાઈમ્સમાં જણાવાયેલી પદ્ધતિનો ઉપયોગ પણ કરી શકો છો. આ પદ્ધતિમાં તમારે 10 બદામ, 1 ખજૂર, 1 ચપટી કેસર, 1 ચપટી હળદર પાવડર અને એક ચમચી ઈલાયચી પાવડરની જરૂર પડશે. સૌપ્રથમ બદામ અને ખજૂરને ધોઈને આખી રાત પલાળી રાખો. ત્યારબાદ બદામની છાલ ઉતારી લો અને ખજૂરનો ઠળિયો કાઢી નાંખો. હવે બંને વસ્તુને મિક્સરમાં પીસી પેસ્ટ બનાવો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર, હળદર પાવડર અને કેસર મિક્સ કરો અને એક ગ્લાસ નવશેકા દૂધમાં તે ભેળવીને દરરોજ રાત્રે સૂતા પહેલા સેવન કરો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર