Home /News /lifestyle /

Skin Care: શરીરની ચામડી પર આવતી ખંજવાળ હોઈ શકે છે AD, ન કરશો નજરઅંદાજ

Skin Care: શરીરની ચામડી પર આવતી ખંજવાળ હોઈ શકે છે AD, ન કરશો નજરઅંદાજ

ચામડી પર આવતી ખંજવાળ હોઈ શકે છે AD (પ્રતીકાત્મક તસવીર)

Atopic dermatitis: જો આપને વારંવાર ખંજવાળ કે શરીર પર ચકામા જેવી કોઈ પણ સમસ્યા અથવા તેના લક્ષણ દેખાય તો તેને ભૂલથી પણ અવગણશો નહીં. કેમ કે આપની આ અવગણના આગળ જતા ગંભીર ચર્મરોગનું સ્વરુપ ધારણ કરી શકે છે.

મુંબઈ: સામાન્ય રીતે જોઈએ તો ચોમાસામાં ત્વચા સંબંધી રોગ (Skin disease) અને સમસ્યાઓમાં વધારો થતો જોવા મળે છે. આવી જ એક ત્વચા સંબંધી સમસ્યા એટલે એક્ઝિમા (Eczema ). જેને સામાન્ય ભાષામાં ખરજવું અને આયુર્વેદમાં વિચર્ચિકા કહેવામાં આવે છે. એક્ઝિમાને કારણે (Reasons for Eczema) ત્વચા પર બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે, સાથે જ ત્વચા પર ફોલ્લા, રેશિઝ અને ચામડીની પરત ઉતરવા જેવી ફરિયાદો પણ સામે આવતી હોય છે. આમ તો એક્ઝિમાના અલગ-અલગ પ્રકારો જોવા મળતા હોય છે પણ એટોપિક ડર્મેટાઈટિસ (Atopic dermatitis) એક્ઝિમાનું સૌથી સામાન્ય સ્વરુપ છે. આ એક એવા પ્રકારનો રોગ છે, જેનો સામનો નાના અને મોટા કોઈને પણ કરવો પડી શકે છે. એક્સપર્ટ્સના મત મુજબ સામાન્ય રીતે લગભગ 2થી 3 ટકા વયસ્કો અને 25 ટકા બાળકોમાં આ રોગ જોવા મળતો હોય છે. AD એટલે એટોપિક ડર્મેટાઈટિસને સામાન્ય ભાષામાં સમજીએ તો આ લાંબા સમય સુધી રહેનારો એક ક્રોનિક સ્કિન ડિસીઝ (Skin disease) છે.

શું છે રોગના મુખ્ય લક્ષણો-

સામાન્ય રીતે જો વાત કરીએ તો માટાભાગના ચર્મરોગના લક્ષણો પ્રથમ દ્રષ્ટીએ એકસમાન જ લાગતા હોય છે પણ તેવું હોતુ નથી. અહીં આપને એટોપિક ડર્મેટાઈટિસના કેટલાક પ્રારંભિક લક્ષણોથી માહિતગાર કરીશું, જેના પરથી અંદાજ લગાવી શકાય કે વ્યક્તિ એટોપિક ડર્મેટાઈટિસ કે એક્ઝિમાથી પીડિત છે.

- શુષ્ક અને ખરબચડી ચામડી
- શરીરની ચામડી પર વિવિધ જગ્યોએ ચકામા
- કોઈ કારણ વિના જ ચામડી પર દુખાવો થવો
- ચામડી ફાટી જવી અથવા તો લાલ થઈ જવી
- ચામડીના પોપડીઓ ઉખડવી અને તેમાંથી પ્રવાહી નીકળવું

જે ભાગ પર આ રોગ થયેલો હોય તે ત્વચાના ભાગની ત્વચા લાલાશયુક્ત, ઉભારયુક્ત તથા નાની-નાની ફોડલીઓવાળી થઇ જાય છે અને જેમ જેમ આ રોગ જૂનો થતો જાય છે, તેમ-તેમ જે તે સ્થાનની ત્વચા ખરબચડી અને રુક્ષ થઇ જાય છે. આ રોગમાં પણ ત્વચા માછલીની ચામડીનાં ભીંગડા જેવી ખરબચડી થઈ જતી હોય છે.

આયુર્વેદ પ્રમાણે આહાર-વિહાર, દિનચર્યા અને વિશેષ કરીને પિત્ત અને કફપ્રકોપ કારણોથી આ રોગ થાય છે. આ રોગ વારસાગત પણ હોઈ શકે છે. પરિવારમાં માતા અથવા પિતા તરફથી કોઈને એક્ઝિમા કે પછી શ્વાસ સંબંધીત સમસ્યા હોય તો પણ બાળકને આ રોગ થવાની સંભાવના હોય છે. કેટલીક વાર રોગ ધરાવતા વ્યક્તિને ખુબ વધુ પ્રમાણમાં ખંજવાળ આવતી હોય છે.

એટોપિક ડર્મેટાઈટિસ થવાનાં કારણો-

- વિરુધ્ધ આહારનું સેવન
- પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફુડનું વધુ પડતું સેવન
- ગર્ભાવસ્થામાં માતા દ્વારા અત્યંત તીખા અને મસાલાવાળા ખોરાકનું સેવન
- સાબુ અથવા એસિડ કે ક્ષારનો ત્વચા સાથે સંપર્ક થવાથી પણ એક્ઝિમા થઇ શકે છે.

મુંબઈના ડી.વાય પાટિલ હોસ્પિટલના ડૉ. કિરણ ગોડસે અનુસાર લગભગ 10 થી 15 ટકા ભારતીયોમાં જન્મ પહેલાથી જ AD થવાની સંભાવના હોય છે. બાળપણથી જ આ રોગનો ઉપચાર શક્ય છે અને તે કરવામાં પણ આવે છે. જણાવી દઈએ કે લગભગ 4માંથી એક પુખ્ત વ્યક્તિને ADના લક્ષણો વિશે 18 વર્ષની ઉંમર બાદ ખબર પડે છે. નોંધનીય બાબત એ છે કે આ રોગથી પીડાતા લોકોમાં એક તૃતિયાંશ બાળકો અને 40 ટકા વયસ્કોના જીવનની ગુણવત્તા પર આ રોગની નકારાત્મક અસર થાય છે. કેટલાક કેસમાં ડિપ્રેશન, એંકઝાઈટી અને સુસાઈડનું જોખમ પણ વધી જાય છે.

આ પણ વાંચો: World Heart Day 2021: વધુ પ્રમાણમાં પરસેવો થાય કે પગમાં સોજો આવે તો સાવધાન! આ હ્રદય રોગના લક્ષણો હોઈ શકે

ડૉક્ટર્સ અનુસાર AD ભલે કોઈ પણ પ્રકારનો હોય પણ તેમાં થતી ખંજવાળને કારણે તે ખુબ હેરાનગતી ઉત્પન્ન કરે છે. એક્સપર્ટ અનુસાર જો ખંજવાળ કે શરીર પર ચકામા જેવી કોઈ પણ સમસ્યા વારમવાર થાય તો તેની અવગણના ના કરી અને ત્વરીત ધોરણે ડૉક્ટરનો સંપર્ક સાધવો જરૂરી છે.
First published:

Tags: Lifestyle, Skin care, આરોગ્ય

આગામી સમાચાર