Home /News /kutchh /Kutch: દેવી-દેવતાના આવા ચિત્રો તમે ક્યારેય નહીં જોયા હોય! જુઓ VIDEO

Kutch: દેવી-દેવતાના આવા ચિત્રો તમે ક્યારેય નહીં જોયા હોય! જુઓ VIDEO

X
પાટણથી

પાટણથી રોગાન કળાનું જ્ઞાન મેળવ્યું

કચ્છની રોગાન છાપ કળાના કારીગરો ધીમે ધીમે વધી રહ્યા છે ત્યારે માધાપરનો આ યુવક બ્લાઉસ, ઘાઘરા, સાડી ઉપરાંત દેવી દેવતાઓના ચિત્રો પણ રોગાન વડે કાપડ પર ઉતારે છે

Dhairya Gajara, Kutch: કચ્છ કળા અને કારીગરીનો પ્રદેશ છે. આ પ્રદેશે અનેક લુપ્ત થતી કળાઓને જીવંત રાખી છે તો અનેક કળાઓને વિશ્વ ફલક પર ચમકાવી છે. કચ્છની જાણીતી અને લુપ્ત થતી રોગાન કળાના કારીગરો પણ હવે વધી રહ્યા છે તેવું કહી શકાય છે. સામાન્યપણે રોગાન છાપ કળાની વાત આવે તો બધાને નિરોણા ગામ યાદ આવે પણ આ યુવાન કારીગર ભુજની ભાગોળે આવેલા માધાપર ગામે છેલ્લા પાંચ વર્ષથી રોગાન કારીગરી કરે છે અને દેશ વિદેશથી લોકો અહીં તેની કારીગરી જોવા આવી રહ્યા છે.

પાકિસ્તાનના સિંધની સદીઓ જૂની રોગાન કળા આજે કચ્છની સૌથી પ્રસિદ્ધ હસ્તકળા બની છે. ત્રણ વર્ષ પુર્વે નિરોણાના કારીગરને આ હસ્તકળા માટે પદ્મશ્રી જેવો ઉચ્ચ કક્ષાનો સન્માન મેળવ્યા બાદ દેશભરની નજર કચ્છની આ અનોખી કળા તરફ ખેંચાઇ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ વખતે ને વખતે આંતરાષ્ટ્રીય સ્ટેજ પર લોકોને આ રોગાન આર્ટની કળાકૃતિ ભેટ આપવામાં આવતા આ કળા આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ છે.



માધાપરના આશિષ કંસારા એ પોતાના બાળપણમાં પાટણથી આ કળાનું જ્ઞાન મેળવ્યું હતું. કચ્છ આવ્યા બાદ તેમણે રોગાન કળા મૂકી ફોટોગ્રાફી પ્રત્યેના પોતાના શોખને ઉજાગર કર્યું પરંતુ છતાંય ઓર્ડર મુજબ રોગાનના થોડા ઘણા કપડાં બનાવી લેતા હતા. છેલ્લા પાંચ વર્ષથી આશિષભાઈએ ફરી રોગાન તરફ પોતાનું સર્વસ્વ આપી મોટે પાયે રોગાન કામ કરવાનું શરૂ કર્યું છે. આશિષભાઈ દ્વારા રોગાન કળા વડે બનાવાયેલા બ્લાઉસ, ઘાઘરા, સાડી અને દુપટ્ટા આજે પાટણ વિસનગર વગેરે જગ્યાએ ખૂબ પ્રચલિત છે.

રોગાન છાપ કળાની મુખ્ય કૃતિ એટલે કે ટ્રી ઓફ લાઇફ તો બધા જાણે છે, પરંતુ આશિષ ભાઈની કારીગરોની ખાસિયત એ છે કે તેઓ આ રોગાન કળા વડે દેવી દેવતાઓની તસવીરો કાપડ પર ઉતરે છે. ખૂબ મેહનત માગતી આ રોગાન કળામાં પણ આ પ્રકારની તસવીરો બનાવવી ખૂબ જ મુશ્કેલ છે અને તેના માટે બારીક કારીગરીની જરૂર પડે છે જેમાં હવે આશિષભાઈએ શ્રેષ્ઠતા મેળવી છે.

તો હાલમાં જ આશિષભાઈ દ્વારા રામ દરબારની તસવીર રોગાન કળા વડે કાપડ પર ઉતારી હતી જે તેમના પત્નીના હસ્તે ભુજ પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોડ શો દરમિયાન ભેટ આપી હતી. ઉલ્લેખનીય છે કે આવી પ્રાચીન, અનન્ય અને સુંદર હસ્તકળાને આજે આશિષભાઈ જેવા અનેક કારીગરો પસંદ કરી રહ્યા છે. તેઓ જાતે અનેક લોકોને નિશુલ્કપણે આ કળા માટે ટ્રેનિંગ આપે છે અને વધારેમાં વધારે લોકો આ કળા સાથે જોડાય તેવા પ્રયાસો કરે છે.
First published: