Home /News /kutchh /Kutch: આઝાદી બાદ પહેલી વખત બની રહ્યો હતો રસ્તો, પરંતુ ખુશીને સરકારી પ્રક્રિયાનું ગ્રહણ લાગ્યું!

Kutch: આઝાદી બાદ પહેલી વખત બની રહ્યો હતો રસ્તો, પરંતુ ખુશીને સરકારી પ્રક્રિયાનું ગ્રહણ લાગ્યું!

X
19

19 કિલોમીટરમાંથી 3 કિલોમીટરનો રસ્તો જ બન્યો

આઝાદી બાદ પહેલી વખત બનતા રસ્તાનો અડધો કામ પૂરો થયા બાદ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વન વિભાગ પાસેથી પૂર્વ અનુમતિ ન મેળવી હોવાથી રસ્તાનું કામ થયું બંધ

    Dhairya Gajara, Kutch: ભુજ તાલુકાના ઢોરી ગામથી ભોજરડો અને છછી ગામ સુધીનો રસ્તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થતા માત્ર આ ગામોના લોકો જ નહીં પરંતુ બન્ની તેમજ પચ્છમ વિસ્તારના અનેક ગામો માટે પણ એ આશાની એક નવી કિરણ લઈને આવ્યું હતું.  તેનું કારણ હતું કે પહેલી વખત આ રસ્તાનું નિર્માણ કરવામાં આવવાનું હતું અને રસ્તો બનતા ઢોરીથી કાઢવાંઢ સુધીનો 80 કિલોમીટરનો રસ્તો ઘટીને 50 કિલોમીટરનો થવાનો હતો.

    પરંતુ લોકોની આ ખુશીને સરકારી પ્રક્રિયાનો ગ્રહણ લાગતા છેલ્લા લાંબા સમયથી આ અર્ધ-નિર્મિત રસ્તાનો કામ બંધ થઈ ગયો છે.



    ભુજ તાલુકાના ઢોરી ગામથી છછી વાયા ભોજરડો સુધીના 19 કિલોમીટરના રૂ. 18.32 કરોડના રસ્તાનું કામ વર્ષ 2021માં શરૂ કરવામાં આવ્યું હતું. આઝાદી બાદ પહેલી વખત બનતા આ રસ્તાનું કામ શરૂ થતાં આસપાસના ગ્રામજનોની ખુશીનો પાર રહ્યો ન હતો પરંતુ રસ્તા પર પથ્થર અને મોરમ પથરાઈ ગયા બાદ જ્યારે ડામરનું કામ શરૂ થયું ત્યારે આ કામ અટકાવી દેવામાં આવ્યું હતું. હકીકત મુજબ આ રસ્તો વન વિભાગના ક્ષેત્રમાંથી પસાર થતું હોવાથી કાયદેસર રીતે વન વિસ્તારમાંથી વપરાયેલી જમીન બદલ બીજી જગ્યાએ જમીન સોંપવી પડે છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અગાઉથી આ પ્રકારનું કોઈ આયોજન ન કરતા કામ અડધેથી જ રોકાયો હતો.

    માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ આ રસ્તા બદલ માર્ગ અને મકાન વિભાગને જંગલ વિભાગને 21.28 હેકટર જમીન આપવી પડશે જેની કિંમત રૂ. 31.49 કરોડ થાય છે તો સાથે જ વનીકરણ કરવા માટે રૂ. 2.48 લાખ પણ અલગથી ચૂકવવાના થાય છે. રૂ. 18.32 કરોડના રસ્તા બદલ રૂ. 34 કરોડ દેવાના મુદ્દે હવે આ રોડનું કામ અધ્ધરતાલ લટકે છે. જો કે આ રસ્તાના કામમાં હજુ 16 કિલોમીટર સુધી ડામર પાથરવાનું બાકી છે પરંતુ કોન્ટ્રાકટરને રૂ. 14.51 કરોડ ચૂકવાઈ ગયા છે.

    વન વિભાગના કાયદા વચ્ચે હાલ આ રસ્તો અટવાતા આ ગામના લોકો ફરી આ રસ્તાની રાહ જોવા બેસી ગયા છે. બન્ની પચ્છમ વિસ્તારના ગામોને મેડિકલ ઇમરજન્સી માટે આ રસ્તો જીવામૃત સમાન સાબિત થઈ શકે તેમ હતું પરંતુ સરકારી પ્રક્રિયાએ અનેક ગૂંચવણ ઊભી કરી મૂકી છે. જો કે, જિલ્લા કલેકટર દ્વારા પણ આ અધૂરા કામ માટે અંગત રસ દાખવ્યું હોતાં જલ્દી જ આ સમસ્યાનું સમાધાન આવશે તેવી બન્ને સરકારી વિભાગોને આશા છે.
    First published:

    Tags: Kutch, Local 18, Road

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો