Home /News /kutchh /Women's Special: આ મહિલા પ્લાસ્ટિકના ઝબલામાંથી બનાવે એવી વસ્તુ કે અક્કલ કામ નહીં કરે, જુઓ વીડિયો

Women's Special: આ મહિલા પ્લાસ્ટિકના ઝબલામાંથી બનાવે એવી વસ્તુ કે અક્કલ કામ નહીં કરે, જુઓ વીડિયો

X
આજે

આજે 30 અન્ય મહિલાઓને રોજગાર આપે છે

પોતાના પતિના અવસાન બાદ વણાટકામ શરૂ કર્યા બાદ રાજીબેન વણકર દ્વારા પ્લાસ્ટિકના ઝબલાઓમાંથી અવનવી વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું હતું

Dhairya Gajara, Kutch: કચ્છી હસ્તકળાને આજે આ ઊંચાઈ પર લઈ જવામાં મહિલાઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે. કચ્છમાં એવા જ એક મહિલા કારીગર રાજીબેન વણકર પોતાની હસ્તકળા વડે ન માત્ર કચ્છને એક આગવી ઓળખ આપે છે પરંતુ તેનાથી પર્યાવરણ મુદ્દે લોકોમાં જાગૃતિ પણ લાવે છે. પ્લાસ્ટિકના ઝબલામાંથી અવનવી વસ્તુઓ બનાવી પર્યાવરણ જાગૃતિ અને હસ્તકળા બન્ને ક્ષેત્રે એક નવી રાહ ચિંધનારા રાજીબેનને તેમની આ અનોખી કારીગરી થકી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

ભુજ તાલુકાના કુકમા ગામ પાસે આવેલા અવધ નગરમાં રહેતા રાજીબેન વણકર પ્લાસ્ટિકના વેસ્ટમાંથી વણાટ કામ કરે છે. રાજીબેન પ્લાસ્ટિકના કચરામાંથી વણાટ કરીને ચટાઈ, બેગ ઉપરાંત ઘણા બધા ઉત્પાદનો બનાવી રહ્યા છે. બાળપણથી ઘરના પુરુષોને વણાટકામ કરતા જોઈ રાજીબેને પણ પોતાના પિતાથી છુપાઈ વણાટકામ કરવાનું શીખ્યું હતું પરંતુ 18 વર્ષની ઉંમરે જ લગ્ન થઈ જતાં આ ક્ષેત્રમાં વધારે કામ કરી શક્યા ન હતા.



તેમના પતિના અવસાન બાદ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા રાજીબેને એક કંપનીમાં નોકરી કર્યા બાદ હસ્તકળા સાથે જોડાયેલી ખમીર સંસ્થા સાથે જોડાયા હતા અને સાલ બનાવવાનું શીખ્યા હતા. 2012માં રાજીબેનની મુલાકાત જાણીતા ડિઝાઇનર કેટેલ ગિલ્બર્ટ સાથે થઈ અને તેમનાથી પ્રભાવિત થઈ તેમણે રાજીબેનને વેસ્ટ પ્લાસ્ટિક વણાટ શીખવ્યું હતું. બસ તે સમયથી રાજીબેને અન્ય કોઈ કારીગરી તરફ વળીને નથી જોયું અને પ્લાસ્ટિકના ઝબલાઓનું વણાટકામ આગળ વધાર્યું હતું.

આજે રાજીબેન પોતાનો બિઝનેસ ચલાવે છે અને અન્ય 30 મહિલાઓને પણ રોજગાર પૂરું પાડે છે. પ્લાસ્ટિકની થેલીઓ એકત્રિત કરવાથી લઈ, તેને રિસાયકલ કરી, તેમાંથી અવનવા ઉત્પાદન બનાવવાનું બધું જ કામ મહિલાઓ કરે છે. રાજીબેનની આ સુંદર કામગીરી જોઈ ભારત સરકારના સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023માં તેમની પસંદ બાયોડિગ્રેડેબલ વેસ્ટ તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં થઈ છે અને આવનારી 4 માર્ચના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
First published:

Tags: Kutch, Local 18