કચ્છ: કચ્છમાં સોમવારે કોરોનાના નવા કેસોએ લાંબા સમય બાદ ફરી સદી પાર કરી છે. જિલ્લામાં સોમવારે ઓમિક્રોનના બે કેસ સહિત કોરોનાના કુલ 109 કેસ નોંધાયા હતા. દુનિયાભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે ફરી એક વખત કોરોના વાયરસની દહેશત ફેલાવી છે. ઓમિક્રોન વેરિયન્ટ બાદ કેસોમાં આવેલા ઉછાળાના કારણે ત્રીજી લહેરની ભીતી વર્તાઈ રહી છે. ત્યારે ભારતમાં પણ દિવસા દિવસ કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. કેસોમાં ઘરખમ વધારાના કારણે અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન લાગી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ પ્રાથમિક શાળાઓ બંધ કરાઈ છે અને મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે.
કચ્છમાં પણ સોમવારે કોરોનાના 109 નવા કેસ નોંધાયા હતા જેમાંથી 47 કેસ ભુજ તાલુકામાં, 37 ગાંધીધામ તાલુકામાં, મુન્દ્રા તાલુકામાં 10, અંજાર તાલુકામાં 7, માંડવીમાં 5, ભચાઉમાં 2 તેમજ રાપર તાલુકામાં 1 કેસ નોંધાયો હતો. આ નવા કેસોમાં બે કેસ ઓમિક્રોન વેરિયન્ટના પણ નોંધાયા હોવાનું માહિતી જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી મળી હતી. ઉલ્લેખનીય છે કે નવા કેસની સાથે જિલ્લામાં આજે 76 લોકો કોરોનાથી સાજા થયા હતા.
જિલ્લામાં નોંધાયેલા 109 નવા કેસમાંથી 2 કેસ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના પણ નોંધાયા છે. સોમવારે નોંધાયેલ બે કેસ સાથે જિલ્લામાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસનો આંકડો 7 પહોંચ્યો હતો.
કોરોનાના કેસો હવે શહેરોની જેમ ગામડાઓમાં પણ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. સોમવારે નોંધાયેલ કુલ કેસોમાંથી 36 કેસ ગ્રામીણ વિસ્તારમાં નોંધાયા હતા.36 કેસો પૈકી માધાપર, માનકુવા અને વર્ષામેડીમાં 4 કેસ, મેઘપર, મેઘપર બોરિચિમાં અને મિરઝાપરમાં 3 કેસ, અંતરજાળમાં 2, તેમજ શિણાય, સિરાચા, નાના કપાયા, કાનમેર, ધોરડો, મનફરા, આમરડી અને રામપર વેકરા માં 1-1 કેસ નોંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે કોરોનાથી બચવા કોરોના વિરોધી રસી આપવા પણ આરોગ્ય તંત્ર સતત મહેનત કરી રહ્યું છે. જિલ્લામાં સોમવારે કોરોના વિરોધી રસીના કુલ 12,565 ડોઝ આપવામાં આવ્યા હતા. આજથી આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઈન વર્કર તેમજ 60 વર્ષથી ઉપરના લોકો માટે શરૂ થયેલા પ્રિકોશન ડોઝ પણ 4144 લોકોને આપવામાં આવ્યા હતા.