Home /News /kutchh /Kutch: સફેદ રણ જોવા જવાના હોય તો જાણી લો આ માહિતી, હેરાન નહીં થાવ!

Kutch: સફેદ રણ જોવા જવાના હોય તો જાણી લો આ માહિતી, હેરાન નહીં થાવ!

ન્યુ યર બાદ ફૂલ મૂન પણ હોતાં ભીડ વધશે

રણોત્સવ દરમિયાન આવતા તહેવારો નિમિતે ટેન્ટ સિટીમાં વિશેષ ભીડ રહેતી હોય છે તો ટેન્ટ સિટી દ્વારા પણ તહેવારો નિમિતે આવતા લોકો માટે વિશેષ આયોજન કરવામાં આવે છે

Dhairya Gajara, Kutch: નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણમાં રણોત્સવની શરૂઆત થઈ જાય છે. તો હજારો લોકો આ સફેદ રણમાં ઊભી કરવામાં આવતી ટેન્ટ સિટીમાં પણ રોકવા ખાસ કચ્છની મુલાકાત લેતા હોય છે. તેમાં પણ નાતાલ અને ન્યુ યર વચ્ચે તો ટેન્ટ મેળવવામાં પણ ભારે પડાપડી થતી હોય છે. આ વર્ષે ફરી નાતાલથી ન્યુ યર સુધી ટેન્ટ સિટીમાં બધા જ ટેન્ટ બુક થઇ ગયા છે.

રણોત્સવ કચ્છની મુખ્ય પ્રવાસન સીઝન છે અને આ સફેદ રણને નિહાળવા હર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ આવતા હોય છે. ધરતી પર ચંદ્રની સપાટી સમું આ સફેદ રણ સૌને તેના પ્રેમમાં પાડી દે છે. તો આ રણની વચ્ચે નિરાંતની પળો માણવા લોકો અહીંની ટેન્ટ સિટીમાં પણ ખાસ રોકાણ કરે છે. નિર્જન રણ વચ્ચે પણ મોંઘો ભાડો ભરી લોકો આ ટેન્ટ સિટીમાં રોકાવવા અગાઉથી જ બુકિંગ કરાવી લેતા હોય છે.



તેમાં પણ તહેવારો સમયે ટેન્ટ સિટીમાં પણ બુકિંગની ભરમાર જોવા મળતી હોય છે. અહી આવતા લોકોના મનોરંજન માટે ટેન્ટ સિટીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આ મહિનાના છેલ્લા સપ્તાહમાં આવતા નાતાલ અને તે બાદ અંગ્રેજી નવા વર્ષ સમયે ટેન્ટ સિટીમાં સૌથી વધારે ભીડ જોવા મળશે. હજુ તો તહેવારોને અડધો મહિનો બાકી છે અને અત્યારથી જ ટેન્ટ સિટી સંપૂર્ણપણે બુક થઈ ગઈ છે.

News18 સાથે વાત કરતા રણોત્સવની ટેન્ટ સિટીના પબ્લિક રિચિંગ ઓફિસર અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ વર્ષે શરૂઆતથી જ ટેન્ટ સિટીમાં બુકિંગ ખૂબ સારી રહી છે. તો નાતળથી લઈને નવા વર્ષના પ્રથમ દિવસ સુધી ટેન્ટ સિટી મોટેભાગે ફૂલ થઇ ગઇ છે તેવું તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે રણોત્સવમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. તો આ વર્ષે ચૂંટણી અને લગ્નગાળા વચ્ચે રણોત્સવના પ્રથમ મહિનામાં જ 32 હજાર પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી. તો તેની સાથે જ હજારો પ્રવાસીઓએ ટેન્ટ સિટીની પણ મુલાકાત લીધી હતી.

\"આ વર્ષના રણોત્સવની શરૂઆત જોતા જ અંદાજો આવી ગયો હતો કે આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સફેદ રણ જોવા આવવાના છે. આ થકી પ્રવાસીઓને કચ્છની સંસ્કૃતિ જોવાનો મોકો મળે છે અને સ્થાનિક લોકોને પણ રોજગાર મળી રહે છે,\" તેવું અમિત ગુપ્તાએ જણાવ્યું હતું.
First published: