2019ની લોકસભા ચૂંટણી બાદ આવતા મહિને ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચુંટણીમાં પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ મતદારોને બ્રેઈલ સ્લીપ આપવામાં આવશે જેને કચ્છમાં પ્રિન્ટ કરવામાં આવી રહી છે
Dhairya Gajara, Kutch: લોકશાહીનો અવસર એટલે ચુંટણી અને આ અવસરને હરકોઈ સુગમી રીતે ઉજવી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલ એકસેસિબલ ઇલેક્શન થીમને પસંદ પસંદ કરવામાં આવી છે. આ વચ્ચે ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરનાર પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઈલ લિપિમાં મતદાન સ્લીપ પ્રિન્ટ કરવામાં આવી રહી છે. આ માટે સમગ્ર રાજ્યના મતદારોની બ્રેઈલ પ્રિન્ટ સ્લીપ કચ્છની નવચેતન સંસ્થા દ્વારા પ્રિન્ટ કરવામાં આવી રહી છે.
પોતાના મતનું દાન કરવું સૌ કોઈ માટે સરળ બની રહે તે દિશામાં ચુંટણી પાંચ સતત પ્રયત્ન કરતું રહે છે. આ માટે જ દિવ્યાંગ મતદારોને મતદાન લાઈનમાંથી છૂટ આપવી, હરેક મતદાન બુથ પર વ્હીલચેર ઉપલબ્ધ કરાવવી વગેરે ઉપરાંત આ વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોને ખાસ છૂટ આપી પોતાના ઘરે મતદાન કરી શકે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો તેની સાથે જ રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુ મતદારોને આ વર્ષે પહેલી વખત વિધાનસભા ચૂંટણી માટે ખાસ બ્રેઈલ લિપિમાં પ્રિન્ટ કરાયેલ મતદાન સ્લીપ આપવામાં આવશે.
સમગ્ર ગુજરાતમાં 86 હજાર જેટલા પ્રજ્ઞાચક્ષુ મતદારો રજીસ્ટર થયા છે. તેઓ પણ પોતાની મતદાન સ્લીપ વાંચી પોતાના મતદાન મથક, બુથ વગેરે વિશે જાણી શકે તે માટે સ્લીપને ખાસ બ્રેઈલ લિપિમાં પ્રિન્ટ કરવામાં આવી રહી છે. આ પ્રિન્ટિંગનું કામ કચ્છના ભુજ તાલુકાના માધાપર ગામે આવેલી નવચેતન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ ઓછા સમય, ઓછા લોકોની મહેનત અને ટેકનોલોજીની મદદથી આ કામ પાર પાડવામાં આવી રહ્યું છે.
2019ની લોકસભા ચૂંટણીમાં પણ નવચેતન દ્વારા જ ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઈલ સ્લીપ પ્રિન્ટ કરવામાં આવી હતી. તો આ વખતે પહેલી વખત વિધાનસભા ચૂંટણી માટે પણ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બ્રેઈલ લિપ વધારે જગ્યા રોકતી હોવાના કારણે સામાન્ય મતદાન સ્લીપથી આ ચાર ઘણી મોટી છે. પરંતુ પ્રજ્ઞાચક્ષુ મતદારને પોતાની બધી વિગતો પૂરી પાડવા ઉપરાંત બુથ લેવલ પરના કર્મચારી પણ સ્લીપને ઓળખી શકે તે માટે વિધાનસભા ક્રમાંક, ભાગ નંબર અને ભાગ ક્રમાંક લખેલું સ્ટીકર લગાવવામાં આવે છે. બ્રેઈલ સ્લીપની આ સંપૂર્ણ ડિઝાઇન પણ નવચેતન સંસ્થાના ટ્રસ્ટી અને સ્પેશ્યલ એજ્યુકેટર હિમાંશુ સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવી છે.