Dhairya Gajara, Kutch: આજે 28 મે ભારતના ઇતિહાસ (Indian history) માટે એક યાદગાર દિવસ છે. આ દિવસે ભારતના સ્વતંત્રતા સંગ્રામ (India's freedom struggle) ના એક મહાન ક્રાંતિકારી વીર સાવરકર (Veer Savarkar) નો જન્મ થયો હતો. સાવરકરની સ્મૃતિમાં કચ્છમાં પ્રથમ વખત અહીંના મુખ્યમથક ભુજ (Kutch-Bhuj)ખાતે તેમની પ્રતિમા (Statue in memory of Savarkar) મૂકવામાં આવી હતી. આવતી પેઢીઓ સાવરકર જેવા મહાન ક્રાંતિકારી (Revolutionary) ઓના જીવનથી શીખી તેમના વિચારોને પોતાના જીવનમાં ઉતારે તે ઉદ્દેશ્યથી સામાજિક સંસ્થા અને નગરપાલિકાના સહયોગથી આ પ્રતિમાનું અનાવરણ તેમની જન્મજયંતીના દિવસે કરવામાં આવ્યું હતું.
કચ્છના સાંસદ વિનોદ ચાવડા (Member of Parliament Kachchh, Vinod Chavda) ની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ભુજ શહેર નગરપાલિકાના સહયોગથી ભુજના હમીરસર તળાવના વચ્ચે આવેલા રાજેન્દ્ર બાગ બહાર વિનાયક દામોદર સાવરકરની પ્રતિમા મુકવામાં આવી હતી. વીર સાવરકરની 139મી જન્મજયંતિ નિમિતે જ મૂર્તિનું અનાવરણ કરવાની ઈચ્છા સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના સહયોગથી કામ શરૂ કરવામાં આવ્યું હતું.
તો આવનારા દિવસોમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સહયોગથી જ ભુજ શહેરમાં કચ્છના એક શૂરવીર ઓસિયા મેઘવાળની પ્રતિમા પણ મૂકવામાં આવશે. તો સાથે જ ભુજના મંગલમ ચાર રસ્તા પાસે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા ધરાવતા બગીચામાં પણ તેમના જીવનને દર્શાવતા બેનર મૂકી બગીચાનું રીડેવલપમેન્ટ કરવાની જાહેરાત પણ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી.
વીર સાવરકરના જીવનની ઝલક
વિનાયક દામોદર સાવરકરનું જન્મ 28 મે 1883ના નાશિક પાસેના ભાગુર ગામ ખાતે મરાઠી ચિતપાવન બ્રાહ્મણ પરિવારમાં થયું હતું. 20 વર્ષની ઉંમરે જ સાવરકર અને તેમના મોટા ભાઈ ગણેશે સાથે મળીને ખુફિયા ક્રાંતિકારી સંગઠન મિત્ર મેળા સ્થાપ્યું હતું જે આગળ જઈને અભિનવ ભારત સોસાયટી તરીકે ઓળખવામાં આવી હતી. અભિનવ ભારતનું ઉદ્દેશ્ય અંગ્રેજ રાજને ઉખેડી ફેંકવા અને હિન્દુ ગૌરવને પુનર્જીવિત કરવાનું હતું.
1909માં મોર્લી મિંટો સુધારાના વિરોધમાં આંદોલન કરવાના ગુનામાં પોલીસ દ્વારા તેમને મુખ્ય સૂત્રધાર જાહેર કરતા સાવરકર પેરિસમાં ભીખાજી કામાના ઘરે ચાલ્યા ગયા હતા. જો કે ફ્રાન્સ ખાતે તેમની ધરપકડ બાદ ફ્રાન્સની સરકારે અંગ્રેજો વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. જો કે કોર્ટમાં આ મુદ્દે કેસ ચાલ્યા બાદ આખરે અંગ્રેજ સરકારને સાવરકરની ધરપકડ કરવાની પરવાનગી મળી હતી જે બાદ તેમને ભારત લઈ આવી યેરવડા જેલ ખાતે મોકલાયા હતા. કોર્ટની સુનાવણી પૂરી થતા સાવરકરને 50 વર્ષની કેદ સંભળાવવામાં આવી હતી જેના માટે તેમને આંદામાનની જેલમાં કાળાપાણીની સજા મળી હતી.
1921માં સાવરકર અને તેમના મોટા ભાઈને રત્નાગીરી જેલમાં મોકલાયા હતા જ્યાં તેમણે હિંદુત્વની આવશ્યકતાઓ નામની પુસ્તક લખી હતી. 1924માં તેમને જેલમાંથી મુક્ત કરી રત્નાગીરીમાં રહેવાની સૂચના અપાઇ હતી. જેલમાંથી છૂટયા બાદ તે અનેક હિન્દુ સંગઠનો સાથે જોડાયા હતા અને હિન્દુ મહાસભાના અધ્યક્ષ પણ બન્યા હતા. 1966માં તેમના દેહાંત સુધી તેઓ હિંદુત્વના પ્રચાર કરતાં રહ્યા હતા અને તે માટે અનેક વખત તેમની ધરપકડ પણ થઈ હતી.