Dhairya Gajara, Kutch: ભારતની સૌથી મોટી દૂધ ડેરી અમૂલના હોદ્દેદારોની ચૂંટણીમાં ચેરમેન શામળા પટેલ અને વાઈસ ચેરમેન વલમજી હુંબલની બીજી વખત નિયુક્તિ થઈ હતી. ભારતમાં શ્વેત ક્રાંતિમાં અગત્યનું ભાગ ભજવનાર અમૂલ ડેરીમાં વાઈસ ચેરમેન જેવા મહત્વના પદ પર એક કચ્છીની સતત બીજી વખત વરણી થતાં કચ્છ માટે એક ગૌરવપૂર્ણ બાબત કહી શકાય છે. કચ્છમાં શ્વેત ક્રાંતિ લાવનાર વલમજી હુંબલને કચ્છી કુરિયન કહેવામાં આવે છે.
કોણ છે આ કચ્છી કુરિયન?
વલમજી હુંબલનું જન્મ કચ્છના અંજાર તાલુકાના ચાંદરાણી ગામ ખાતે થયું હતું. મેકેનીકલ એન્જિનિયરીંગના અભ્યાસ સાથે રમત ગમત અને વકતૃત્વ તેમજ નિબંધ લેખન જેવી સ્પર્ધાઓમાં હંમેશા રસ ધરાવતા વલમજીભાઈએ 1980માં ચાંદરાણી ગામના સરપંચ તરીકે ચુંટાઈ પોતાના જાહેર જીવનની શરૂઆત કરી હતી. તો તેની સાથે જ કચ્છ જિલ્લા ખેત વિકાસ પરિષદના મંત્રી તરીકે પણ જવાબદારી સાંભળી હતી. કોઓપરેટિવ સંસ્થાઓમાં લાંબુ અનુભવ ધરાવતા વલમજી ગુજરાત રાજ્ય મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, અમરેલી જિલ્લા મધ્યસ્થ સરકારી બેંક લિમિટેડ, કચ્છ જિલ્લા મધ્યસ્થ સરકારી બેંક લિમિટેડ, કચ્છ જિલ્લા સહકારી સંઘ લિમિટેડ, ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘ જેવી સંસ્થાઓમાં ડાયરેક્ટર અને ચેરમેન જેવા મહત્વના પદો પર જવાબદારી સંભાળી હતી. તો અંજાર એ.પી.એમ.સી.ના વર્ષ 2002થી ચેરમેન પદે પણ જવાબદારી સંભાળી રહ્યા છે. તો વર્ષ 2020માં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ ના વાઈસ ચેરમેન તરીકે પણ નિયુક્તિ પામ્યા હતા.
કચ્છમાં દૂધ ઉત્પાદનની ક્ષમતા જોઈ વર્ષ 2009માં વલમજીએ કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સરહદ ડેરીની સ્થાપના કરી હતી. તેના ચેરમેન પદે રહી છેલ્લા 14 વર્ષમાં કચ્છની અંદર દૂધ ઉત્પાદન ક્ષેત્રે એક બાદ એક ક્રાંતિ લાવ્યા છે. દૂધ સંપાદન માટે 14 મંડળીઓથી દૈનિક 1400 લિટર દૂધના કલેક્શનથી શરૂઆત કરીને આજે 740 કરતા પણ વધારે મંડળીઓ પાસેથી 5.35 લાખ લીટર દૂધનું કલેક્શન પ્રતિ દિન પહોંચાડ્યું છે. આ થકી જ કચ્છના દૂધ ઉત્પાદકોને દર મહિને રૂ. 75 કરોડનું ચૂકવણું પણ કરવામાં આવે છે.,
જે સમયે ઊંટડીના દૂધની ઓળખ ન હતી તે સમયે બજારમાં ઊંટડીનું દૂધ રૂ. 20 પ્રતિ લીટર વહેંચાતું હતું. કચ્છમાં ઊંટ ઉછેરકોની સંખ્યા જોઈ કચ્છમાં ઊંટડીના દૂધના ઉત્પાદનની ક્ષમતા જોઈ દૂધનું દૈનિક કલેક્શન 4500 લિટર સુધી પહોંચાડી 2017થી દૂધના પ્રતિ લિટર રૂ. 50 ઊંટ ઊછેરકોને અપાવ્યા હતા. ભારતમાં સૌપ્રથમ વખત ઊંટડીના દૂધનું પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપી દેશમાં પ્રથમ વખત ડેરી ઉદ્યોગમાં ડી-ઓડોરાઇઝરના ઉપયોગ થકી ઊંટડીના દૂધને દુર્ગંધ રહિત બનાવી ઊંટડીના દૂધનું માર્કેટ ઊભું કર્યું છે. તો ઊંટડીના દૂધમાંથી અમુલ બ્રાન્ડ તળે પેસચ્યુરાઇઝ્ડ દૂધ, એસેપ્ટિક દૂધ, આઇસ્ક્રીમ, ચોકલેટ, તથા દૂધ પાવડરની બનાવટો ભારતભરના અમુલ રિટેલ આઉટલેટ પર વેચાણ શરૂ કરાવ્યું હતું.
માત્ર દૂધ જ નહીં પરંતુ દૂધ આપતા પશુઓ અને પશુ ઉછેરકોની પણ ચિતા કરી વલમજીએ કચ્છના તમામ પશુપાલકો માટે આકસ્મિક વીમા સુરક્ષા કવચ શરૂ કર્યું હતું અને પશુઓની સરાર માટે ખાસ વેટરનરી ડોક્ટરોનો સુવિધા પણ ઊભી કરાવી. આ સાથે જ તેમના સતત પ્રયાસો બાદ 2021માં ગુજરાત સરકાર દ્વારા કચ્છમાં વેટરનરી કોલેજની સ્થાપના માટે પણ મંજૂરી અપાઈ હતી. દૂધ ઉત્પાદન ક્ષેત્રે તેમના આવા જ અઘનિત કામો થકી તેમને શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનના નામ પરથી કચ્છી કુરિયન તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું છે.