Home /News /kutchh /Kutch News: આવું ચમત્કારિક શિવ મંદિર બીજે ક્યાંય નથી, એક જ જગ્યાએ બે સ્વયંભૂ શિવલિંગ!
Kutch News: આવું ચમત્કારિક શિવ મંદિર બીજે ક્યાંય નથી, એક જ જગ્યાએ બે સ્વયંભૂ શિવલિંગ!
એક જ મંદિરમાં બે શિવલિંગ
સામાન્યપણે દરેક મંદિરના એક ઘુમ્મટ નીચે એક શિવલિંગ હોય છે પરંતુ અહીં એક જ ઘુમ્મટ નીચે બે શિવલિંગ જોઈ ભાવિકો પણ ચકિત રહી જાય છે. તો આ બંને શિવલિંગના સ્વયંભૂ ઉત્પન્ન થવા વચ્ચે માત્ર આઠ દિવસનો જ ફરક હતો.
Dhairya Gajara, Kutch: સમગ્ર દેશમાં ભગવાન શિવના વિવિધ પ્રકારના અને વિવિધ મહત્વ ધરાવતા મંદિરોમાં સ્વયંભૂ શિવલિંગ જોવા મળે છે. પરંતુ ભુજ શહેરમાં આવેલું દ્વીધામેશ્વર મહાદેવ મંદિર એટલા માટે ખાસ છે કારણ કે આ એક મંદિરની અંદર બે સ્વયંભૂ શિવલિંગ આવેલા છે. સામાન્યપણે દરેક મંદિરના એક ઘુમ્મટ નીચે એક શિવલિંગ હોય છે પરંતુ અહીં એક જ ઘુમ્મટ નીચે બે શિવલિંગ જોઈ ભાવિકો પણ ચકિત રહી જાય છે. તો આ બંને શિવલિંગના સ્વયંભૂ ઉત્પન્ન થવા વચ્ચે માત્ર આઠ દિવસનો જ ફરક હતો.
કેહવાય છે કે અંદાજે આજથી 400 વર્ષ પહેલાં રાજાશાહી સમયમાં જ્યારે આ વિસ્તાર ગામની સીમ કહેવતો ત્યારે અહીં ગાયો ચરવા આવતી હતી. એક વખત ગાયે આપમેળે દૂધ આપવાનું શરૂ કર્યું તે જોઈને ત્યાં ખોદકામ કરતાં ત્યાં શિવલિંગ મળી આવ્યો હતો. તો તેના આઠ દિવસ બાદ જ લક્ષ્મીદાસ કામદારને સ્વપ્ન આવ્યું કે તેની પાસે જ બીજું એક શિવલિંગ છે. બીજા દિવસે તે જ ગાયને પરત છુટ્ટી મૂકતા તે પહેલાં શિવલિંગની નજીક ગઈ અને તેની આગળ દૂધ આપવાનું શરૂ કર્યું. તે સ્થળ પર ખોદકામ કરાતા ત્યાંથી બીજો શિવલિંગ મળી આવ્યો હતો.
એક સાથે બે શિવલિંગ મળી આવતા અહીં લક્ષ્મીદાસ કામદારે મંદિરનું નિર્માણ કર્યું અને તેને દ્વીધામેશ્વર મહાદેવ નામ આપ્યું હતું. મહાદેવના આ અનોખા મંદિરની પૂજા કરવા એક નાગા સાધુ પણ અહીં રહ્યા હતા અને તેમણે પોતાનો સમગ્ર જીવન અહીં મહાદેવની ઉપાસના કરી હતી. તો મંદિર પાસે જ તેમણે જીવતે સમાધિ લીધી હતી અને આજે પણ મહાદેવના બે શિવલિંગ સાથે તેમની સમાધિ પર પણ પૂજા કરવામાં આવે છે.