Home /News /kutchh /કચ્છ: રવિવારે કચ્છમાં જામશે રાજકીય ગરમાવો, ઓવૈસીની મહાસભા તો કરણી સેનાની મહારેલી યોજાશે

કચ્છ: રવિવારે કચ્છમાં જામશે રાજકીય ગરમાવો, ઓવૈસીની મહાસભા તો કરણી સેનાની મહારેલી યોજાશે

ઓવૈસીની જનસભા

ઓલ ઇન્ડિયા ઇત્તેહાદુલ મજલીસ-એ-મુસ્લીમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિવારે ભુજ ખાતે વિશાળ જાહેરસભાને સંબોધશે તો રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા મહારેલી યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવશે.

Dhairya Gajara, Kutch: ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચુંટણી (Gujarat Elections) યોજવાની છે ત્યારે જેમ જેમ ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવોવધી રહ્યો છે. ચુંટણી વહેલી યોજવાની અટકળો વચ્ચે રાજકીય પક્ષો દ્વારા ચુંટણીની (Gujarat Assembly Elections) તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તો કચ્છની પ્રજાના મતો પર પ્રભુત્વ જમાવવા આ અઠવાડિયાના અંતમાં કચ્છમાં વિભિન્ન રાજકીય રંગો એક સાથે જામશે જે કારણે રાજકીય ગરમાવો પણ સ્વાભાવિક રીતે વધશે. રવિવારે ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના (AIMIM) અધ્યક્ષ અસદ્દુદ્દીન ઓવૈસી (Asasuddin Owaisi) ભુજ ખાતે જાહેરસભાને સંબોધશે તો સાથે જ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના (Rashtriya Rajput Karni Sena) દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ કરતા એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ચુંટણીની રાહ જોતા ગુજરાત રાજ્યમાં હવે દરેક પાર્ટી દ્વારા જાહેરમાં નહીં તો અંદરખાને તૈયારીઓ શરૂ કરાઇ છે. ભારતીય જનતા પાર્ટીના હોમ ગ્રાઉન્ડ રાજ્યમાં પોતાનો શાસન બરકરાર રાખવા ખુદ વડાપ્રધાન અને ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસ પણ શરૂ થઈ ગયા છે. તો મુસ્લિમ વર્ગને આકર્ષવા. ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (એ.આઇ.એમ.આઇ.એમ.) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદ્દુદ્દીન ઓવૈસી શનિવારે કચ્છ ખાતે પધારવાના છે. અને રવિવારે જિલ્લામથક ભુજના ખારસરા મેદાન ખાતે વિશાળ જનસભાને સંબોધશે. પાર્ટીના કચ્છ જિલ્લા કાર્યકરો દ્વારા આ અનુસંધાને તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. તો પાર્ટીના પ્રદેશ હોદ્દેદારો પણ આ મહાસભા ખાતે જોડાશે.

બીજી તરફ હિન્દુ યુવા સંગઠનના ભુજ વિભાગ દ્વારા ચાલુ અઠવાડિયામાં જ અસદુદ્દીન ઓવૈસીના કચ્છ પ્રવાસનો વિરોધ કરતા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. હિન્દુ સંગઠને વિરોધ દર્શાવતા કહ્યું હતું કે ઓવૈસી દ્વારા હિન્દુ દેવી દેવતા વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો વપરાશ કર્યું હોવાથી તેમને કચ્છમાં પ્રવેશ અપાય નહીં.

આ પણ વાંચો- ઓલરાઉન્ડર યાસ્તિકા ભાટીયાની વન-ડે અને T-20 મહિલા ટીમમાં પસંદગી

ઉલ્લેખનીય છે કે ગત અબડાસા પેટા ચુંટણી વખતે એ.આઇ.એમ.આઇ.એમ દ્વારા ઉમેદવાર ઊભો રાખવાની અટકળો વહેતી થયા બાદ ખુદ ઓવૈસી દ્વારા આ મુદ્દે ખુલાસો આપી આ વાતને ખોટી અફવા હોવાનું જણાવાયું હતું. તો આ વર્ષે જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી તરફ ધપી રહ્યું છે તે પહેલાં જ રાષ્ટ્રીય અધ્યક્ષની મહાસભા યોજવાના કારણે લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.

તો રવિવારે જ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા પણ ચૂંટણીલક્ષી ધ્યેય સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા 25 ટકા જેટલી બેઠકો પર ચૂંટણી લડવા ટિકિટ મેળવવાના લક્ષ્ય સાથે કરણી સેના શક્તિ પ્રદર્શન કરવા ક્ષત્રિય એકતા મહારેલી અને મહાસભાનો આયોજન કરશે. સંગઠનના રાષ્ટ્રીય સ્તરના હોદ્દેદારો પણ ભુજ ખાતેની આ મહારેલીમાં જોડાશે ત્યારે કચ્છમાંથી ચાર સીટ પર ક્ષત્રિય સમાજના ઉમેદવારોને ટિકિટ મળે તેવી માંગ મૂકવામાં આવી છે.

આ પણ વાંચો- ચહુંમુખીને નવી જિંદગી આપનાર સુરતની કિરણ હોસ્પિટલની જાહેરાત

લાંબા સમયથી રાજકીય હલચલ ન થયા બાદ રવિવારે અચાનક એક જ દિવસમાં બે મોટા સમાજો દ્વારા ચુંટણીલક્ષી રેલી યોજાતા રાજકીય ગરમી ધીમી ધારે પ્રસરી રહી છે. ચુંટણી નજીક આવતા હજુ દરેક પક્ષો મતદારોને રીઝવવા રેલીઓ અને સભાઓ યોજશે ત્યારે આ વર્ષે કચ્છમાં અનેક નવાજૂની થવાના એંધાણ આ બે રેલી થકી વર્તાઈ રહ્યા છે.
First published:

Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, કચ્છ સમાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો