Dhairya Gajara, Kutch: સરહદી જિલ્લો ક્ચ્છ દેશની સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. આ સરહદી જિલ્લામાં દેશની દરેક સુરક્ષા એજન્સીઓ સતર્ક રહે છે. ત્યારે લોકોના મનમાં દેશપ્રેમની ભાવના પ્રબળ કરવા જિલ્લાના મુખ્યમથક ભુજ શહેરમાં વધુ એક નજરાણું ઉભુ થયું છે. ભુજના ભુજિયા ડુંગર પર બનાવાયેલ સ્મૃતિ વનમાં હવેથી 365 દિવસ 100 ફૂટ ઊંચો ત્રિરંગો લહેરાશે. આ સાથે જ ભુજ શહેરમાં બે સ્થળે લહેરાતા 100 ફૂટ ઊંચા ત્રિરંગા હવે આસપાસના દરેકમાં ચોવીસે કલાક દેશપ્રેમની લાગણી જગાડશે.
ભુજના રેલવે સ્ટેશન સામે સ્ટેશનના પ્રાંગણમાં થોડા સમય પહેલા જ એક 100 ફૂટનો રાષ્ટ્રઘ્વજ લગાડવામાં આવ્યો છે. રેલ માર્ગે ભુજ આવતા હરેક પ્રવાસી સ્ટેશનની બહાર નીકળે એટલે સૌપ્રથમ તેમની નજર આ રાષ્ટ્રઘ્વજ પર પડે છે. જાણે આકાશ ચીરીને ઉપર લહેરાઈ રહ્યો હોય તેવા આ રાષ્ટ્રઘ્વજને જોઈને સૌને અહેસાસ થઈ જાય છે કે તેઓ રાષ્ટ્ર સુરક્ષા માટેના એક મહત્વના જિલ્લામાં આવ્યા છે.
તો હવે આ નાનકડા શહેરમાં બીજો 100 ફૂટનો ત્રિરંગો પણ ઉભો કરવામાં આવ્યો છે. ગુજરાતના કોઈ મહાનગરોમાં પણ આટલા ઉંચા બે ત્રિરંગા નહીં લહેરાતા હોય ત્યારે કચ્છ જેવા છેવાડાના જિલ્લામાં આવેલા આ નાનકડા શહેર ભુજમાં લહેરાતા બે 100 ફૂટના ત્રિરંગા સૌની છાતી ગર્વથી પહોળી કરશે.
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જ ખુલ્લો મુકાયેલો સ્મૃતિ વાંત મેમોરિયલ કચ્છના એ કાળમુખા 2001ના ભૂકંપમાં જીવ ગુમાવેલ દિવંગત આત્માઓની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે. અદ્યતન ટેકનોલોજી સાથે ભુજિયા ડુંગર પર 470 એકરમાં બનાવાયેલ આ વિશાળ મેમોરિયલ હવે પ્રવાસીઓનો પ્રિય બન્યો છે. ફક્ત પાંચ મહિનામાં જ 2.80 લાખ લોકો આ મેમોરિયલની મુલાકાત લઈ ગયા છે ત્યારે ફક્ત ભુજવાસીઓ જ નહીં પરંતુ અહીં આવતા હરેક પ્રવાસીના મનમાં આ રાષ્ટ્રઘ્વજ જોઈ દેશપ્રેમ જાગશે તે નક્કી છે.