Dhairya Gajara, Kutch: કચ્છના યુવાનોએ દરેક શેત્રમાં કાંઠું કાઢ્યું છે પણ હવે કચ્છના બાળકો પણ દેશ વિદેશમાં પોતાનો નામ રોશન કરે છે. રમત ગમત, કળા તેમજ અન્ય પ્રવૃત્તિઓ ઉપરાંત હવે કચ્છી યુવાનો અને બાળકો દરેક ક્ષેત્રમાં પોતાનો તેમજ કચ્છનો નામ રોશન કરી રહ્યા છે. હાલમાં જ કચ્છમાં આ બે ભાઇઓએ મુંબઈ ખાતે મેન્ટલ મેથ્સ ક્ષેત્રમાં એક સાથે 100થી વધારે રેકોર્ડ બનાવી સૌ કોઈને આશ્ચર્યચકિત કર્યા હતા.
મૂળ કચ્છના મુન્દ્રા તાલુકાના પત્રી ગામના અને મુંબઈ વસેલા વિમેશ દેઢિયાના બે પુત્રો જીનાંશ અને શનાયે માનસિક ગણતરી વડે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવા ગણિતના વિવિધ રેકોર્ડ બનાવ્યા હતા. 11 વર્ષીય જીનાંશે ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ્સમાં 54 અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં 54 એમ કુલ 108 રેકોર્ડ બનાવ્યા હતા. તો માટે 8 વર્ષીય શનાયે ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ્સમાં 15 અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં 15 એમ કુલ 30 રેકોર્ડ બનાવ્યા હતા. આ રીતે આ બન્ને ભાઈઓ કુલ 138 રેકોર્ડ બનાવ્યા હતા.
તારીખ 3 અને 4 ડિસેમ્બરના મુંબઈમાં શ્રી હીરજી ભોજરાજ એન્ડ સન્સ ક.વિ.ઓ. જૈન છાત્રાલય મધ્યે જીનાંશ અને શનાય દ્વારા આ રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા. આ માટે ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સના પ્રતિનિધિઓ હજાર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જીનાંશના વાલીઓ વ્યવસાયે અન્ય લોકોને માનસિક ગણતરી કરતાં શીખવાડે છે. જીનાંશ ચાર વર્ષનો થયો તે પહેલાંથી જ મગજમાં જ ગણતરી કરતા શીખ્યો હતો અને આ છ વર્ષમાં 10 જેટલા આંતરાષ્ટ્રીય મેન્ટલ મેથ સ્પર્ધાઓમાં પણ ભારત તરફથી ભાગ લીધો છે.
News18 સાથે ખાસ વાત કરતા જીનાંશના પિતા વિમેશ દેઢિયાએ જણાવ્યું હતું કે જીનાંશને ખૂબ નાની ઉંમરથી જ માનસિક ગણતરી શીખવાડવામાં આવી હતી. ચાર વર્ષની ઉંમરે જીનાંશ દરેક પ્રકારના રૂબિક્સ ક્યૂબ પણ સોલ્વ કરતો હતો. જો કે, જીનાંશ બાદ તેના નાના ભાઈ શનાય દ્વારા માત્ર 3.6 વર્ષની ઉંમરે આ સિદ્ધિ પ્રાપ્ત કરાઈ હતી.
આ સિવાય જીનાંશના નામે બે વિશ્વ રેકોર્ડ પણ સ્થાપેલા છે. જીનાંશે પાંચ આંકડાનો પાંચ આંકડા સાથે ગુણાકાર ફક્ત સાત સેકંડમાં કર્યું હતું અને વિશ્વભરમાં આટલું ઝડપી ગુણાકાર કરનાર પ્રથમ ક્રમે પહોંચ્યો હતો. તો સાથે જ જીનાંશ એક સેકન્ડની અંદર કોઈ પણ તારીખ પરથી તે દિવસે ક્યું વાર લાગુ પડે તે કહી દે છે. જીનાંશના નામે એક મિનિટમાં 125 તારીખના વાર કહી આપવા માટે પણ એક વર્લ્ડ રેકોર્ડ આવેલું છે.