Dhairya Gajara, Kutch: ભૂકંપના ઝોન 5માં આવતા કચ્છ જિલ્લાએ છેલ્લી બે સદીમાં ચાર ભૂકંપ જોયા છે. ખાસ તો 2001ના એ વિનાશક ભૂકંપે કચ્છને હચમચાવી મૂકયો હતો. જો કે, તે ભૂકંપ બાદ જિલ્લામાં બાંધકામ ક્ષેત્રે અનેક ફેરફારો થયા છે અને તેની સાથે જ આ પ્રદેશે અનેકગણી પ્રગતિ પણ કરી છે. જો હાલના ભૂકંપ બાદ તુર્કી પણ કચ્છ મોડેલનું અનુકરણ કરે તો કચ્છની જેમ અમુક વર્ષોમાં જ પરત બેઠો થઈ શકે છે અને સાથે જ આવનારા સમયમાં આવી કુદરતી આપદાઓથી બચવા પણ સજ્જ થઈ શકે છે.
2001ના ભૂકંપે કચ્છની દિશા અને દશા હંમેશા માટે બદલી નાખી હતી. જ્યારે સમગ્ર વિશ્વએ કચ્છને ફરી પોતાના પગ પર ઉભો થવાની શક્યતા મૂકી દીધી હતી ત્યારે આ પ્રદેશે એક દાયકાથી ઓછા સમયમાં એવી ઉડાન ભરી કે સમગ્ર વિશ્વ જોતું જ રહી ગયું. તે સમયે વહીવટી તંત્ર દ્વારા આ પ્રદેશને વિકાસની કેડી પર આગળ ધપાવવા અનેક મહેનત કરી હતી અને ભૂકંપે મચાવેલી તબાહીને જોઈ ખાસ તો બાંધકામ ક્ષેત્રમાં ઘરખમ ફેરફારો કર્યા હતા.
આમ તો 1956ના અંજાર ભૂકંપ બાદ જ કચ્છમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળ સુધીનું બાંધકામ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો પરંતુ 2001 સુધી તેનો ચુસ્ત અમલ થયો ન હતો. 2001ના ભૂકંપે આ બહુમંજીલા ઇમારતોમાં કરેલા નુકસાનને જોઈ તંત્રે આ નિયમની સખત અમલવારી શરૂ કરી હતી. તો 1956 અને 2001 વચ્ચે અનેક બહુમંજીલા બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે બની હતી જે આજે પણ એક ખતરાની તલવાર તરીકેઊભી છે. જો કે, 2001 બાદ કોઈ નવી બિલ્ડિંગ બે માળથી ઊંચી બની નથી જે એક રાહતરૂપ મુદ્દો છે
તો આ ભૂકંપ બાદ કેન્દ્ર સરકારે પણ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓથી સાવચેત રહેવા દેશનો પ્રથમ ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર ગુજરાતના ગાંધીનગરમાં સ્થાપ્યો હતો. ભૂકંપ પર સંશોધન કરતું આ કેન્દ્ર માત્ર કચ્છ અથવા ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના ભૂકંપ પર સંશોધન કરે છે.
જો કે, હજુ પણ કચ્છમાં અનેક એક્ટિવ ફોલ્ટલાઈન થકી અહીં ભૂકંપનો ભય શમ્યો નથી. કચ્છના મુખ્ય શહેરોની આસપાસ આવેલી ફોલ્ટલાઈન્સ ઉપર થઈ રહેલું બાંધકામ ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે. ભુજ, અંજાર અને ભચાઉ શહેરની આસપાસ આવેલી અનેક ફોલ્ટલાઈન્સ પર આજે અનેક રેસીડેન્શિયલ કોલોનીઝ પણ ઊભી થઈ ગઈ છે અને સતત નિર્માણ પામી રહી છે. 2001ના ભૂકંપ બાદ કચ્છમાં વિકાસ તો થયું છે પણ યોગ્ય પ્લાનિંગનું અભાવ વર્તાય છે. જો આ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય ભૂસ્તશાસ્ત્રીઓ અને સિસમોલોજીસ્ટની સલાહ લઈ આ દિશામાં કામ કરવામાં આવે તો ભવિષ્યમાં સર્જનારી આપદાઓના વિનાશને સીમિત કરી શકાય.