કચ્છ રાજપરિવારના તેરા ઠાકોરના પુત્રે પોતે ડિઝાઇન કરેલા પ્રાગ મહેલના ચિત્રોને વિવિધ ઉત્પાદનો પર પ્રિન્ટ કરી ધ પેલેસ બૂટિક થકી પહેલી વખત કચ્છી સૌવેનિયર્સ શોપ શરૂ કરી
Dhairya Gajara, Kutch: પ્રાગ મહેલ માત્ર ભુજ જ નહીં પરંતુ સમગ્ર કચ્છના પ્રવાસનનું એક ચિહ્નરૂપ બન્યું છે. એક સમયે જે સ્થળ પરથી સમગ્ર કચ્છનું રાજપાઠ ચાલતું તે સ્થળ જોવા આજે દેશ દુનિયાથી પ્રવાસીઓ આવે છે. ત્યારે આ મહેલ જોઈને પરત જનારા પ્રવાસીઓ પોતાની સાથે આ મહેલની તેમજ કચ્છની કંઇક યાદ સાથે લઈ જઈ શકે તે માટે કચ્છમાં પ્રથમવખત એક સૌવેનિયર શોપ શરૂ થઈ છે. કચ્છ રાજવી પરિવારના કુમાર દ્વારા પ્રાગ મહેલ મધ્યે ધ પેલેસ બૂટિક થકી કચ્છી સંસ્કૃતિ, હસ્તકળા અને ધરોહરને એક નવી ઊંચાઈએ લઈ જવા આ પ્રયત્ન શરૂ કર્યું છે.
કર્નલ હેનરી સેન્ટ ક્લેર વિલ્કિન્સની ડિઝાઇન પર ઇટાલિયન ગોથિક સ્ટાઈલમાં આ મહેલ બનાવવામાં આવ્યું છે. તેના બાંધકામમાં ઇટાલિયન કારીગરો ઉપરાંત કચ્છી કારીગરો પણ શામેલ હતા અને તે સમયે રૂ. 3.1 મિલિયનના ખર્ચે બનેલા આ મહેલ માટે કારીગરોને વેતન રૂપે સોનાના સિક્કા આપવામાં આવ્યા હતા. જ્યારે કચ્છના અન્ય સ્થળો પ્રવાસન નકશા પર સ્થપાયા ન હતા તે પહેલાંથી આ મહેલ લોકોને આકર્ષે છે.
કચ્છની આ સાંસ્કૃતિક ધરોહરને ફરી પ્રવાસીઓ અને વિશ્વભરના લોકોમાં ઉજાગર કરવા અહીંના રાજવી પરિવારે પ્રાગ મહેલમાં જ એક બૂટિક શરૂ કર્યું છે. દેશ વિદેશથી આવતા લોકો પ્રાગ મહેલની સુંદરતા અને ભવ્યતા નિહાળ્યા બાદ જ્યારે તેની વિદાય લે ત્યારે અંતિમ રૂમમાં આવેલા આ બૂટિકમાંથી પ્રાગ મહેલની ડીઝાઈન વાળા ટી-શર્ટ, કોફી મગ, ટોટ બેગ જેવા સૌવેનિયર્સ ખરીદી, આ મહેલની યાદોને પોતાની સાથે લઈ જઈ શકશે.
કચ્છના તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજાના પુત્ર કુમાર હર્ષાદિત્યસિંહ પોતે એક ગ્રાફિક ડિઝાઇનર છે અને પોતાના વ્યવસાય વડે તેમના પૂર્વજોએ ઊભી કરેલી આ ઐતિહાસિક ધરોહરને પ્રવાસીઓમાં એક નવી ઓળખ ઊભી કરવા આ બૂટિક શરૂ કરવામાં આવી છે. હાલ આ બૂટિકમાં લોકોને પ્રાગ મહેલની વિવિધ ડિઝાઇનના ટી-શર્ટ, કોફી મગ, ટોટ બેગ તેમજ મહારાણી પ્રીતિ દેવીની બાયોગ્રાફી મળી શકશે. તો ભવિષ્યમાં પ્રાગ મહેલ ઉપરાંત કચ્છની અન્ય ઐતિહાસિક ધરોહર તેમજ હસ્તકળાને પણ આમાં સાંકળી લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આઇ લવ ન્યુયોર્ક, રાજસ્થાનના પધારો મ્હારે દેશના મર્ચેન્ડાઇઝ જેમ હવે આ કચ્છી મર્ચેન્ડાઇઝ થકી પ્રાગ મહેલ પોતામાં જ એક બ્રાન્ડ બનશે.