Kutch News: ડ્રાઈવિંગ લાઈસન્સ પ્રિન્ટ કરવા માટે સ્માર્ટ કાર્ડ આપતી કંપની તરફથી જથ્થો ન મળતાં સમગ્ર ગુજરાતની આરટીઓ કચેરીઓમાં ડ્રાઈવિંગ લાઇસન્સ અટક્યા છે.
કચ્છ: હાલ સમગ્ર રાજ્યમાં ડ્રાઈવિંગ લાઈસન્સ (Gujarat Driving license) મેળવવા માટે ખૂબ રસાકસી જામી છે. રાજ્યમાં ડ્રાઈવિંગ લાઈસન્સની પરીક્ષા (RTO Driving test) આપી ચૂકેલા હોય અને હજુ લાઈસન્સ ન મળ્યું હોય તેવા લોકોની સંખ્યા લાખોમાં પહોંચી છે. ત્યારે કચ્છના પાટનગર ભુજની આરટીઓ કચેરીમાં (Bhuj RTO Office) પણ હજારો લોકોના લાઈસન્સ અટક્યા છે (Driving license backlog) જેના કારણે લોકો હાલાકી ભોગવી થયા છે. પણ જો કે, આ સમસ્યાનો ઉકેલ પણ આરટીઓ દ્વારા જણાવાયું છે.
સમગ્ર રાજ્યની 36 પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે આરટીઓ કચેરીઓ ખાતે છેલ્લા એક થી દોઢ મહિનામાં વાહન ચાલકનું લાઈસન્સ કઢાવવા આવેલા લોકોને હજુ તેમના લાઈસન્સ મળ્યા નથી. કચ્છમાં આવેલી ભુજ અને ગાંધીધામ આરટીઓ કચેરીમાં પણ આવા હજારો લાઈસન્સ હાલ અટકાયેલા છે.
ભુજ આરટીઓ કચેરીની વાત કરીએ તો અહીં ડિસેમ્બર મહિનાના અંતથી જ લાઈસન્સ અટકાયેલા છે. લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા મુજબ ભુજના આરટીઓ ડ્રાઈવિંગ ટ્રેક પર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા લગભગ 8,500 જેટલા લોકોને હજુ તેમના લાઈસન્સ મળ્યા નથી.
ભુજની વાહન વ્યવહાર અધિકારીની કચેરીમાંથી મળતી માહિતી મુજબ કુલ 8,500 લોકોના ડ્રાઈવિંગ લાઈસન્સ હજુ પ્રિન્ટ થવાના બાકી છે. ડ્રાઈવિંગ લાઈસન્સ સ્માર્ટ કાર્ડ પ્રિન્ટ કરવા માટે જે કંપનીને કોન્ટ્રાક્ટ અપાયેલું છે તે કંપની તરફથી સ્માર્ટ કાર્ડનો જથ્થો રાજ્યની આરટીઓ કચેરીઓમાં પહોંચ્યા નથી જે કારણે બધી જ કચેરીમાં સ્માર્ટ કાર્ડની અછત સર્જાઈ છે. સ્માર્ટ કાર્ડ ન હોતાં કચેરીઓમાં લાઈસન્સ પ્રિન્ટ થઈ શકતા નથી.
મળતી માહિતી મુજબ ભુજ આરટીઓ કચેરી ખાતે 8,500 લાઈસન્સના બેકલોગ સામે 7 ફેબ્રુઆરીના ફક્ત 250 સ્માર્ટ કાર્ડ મળ્યા હતા અને શુક્રવારે નવા 1,000 સ્માર્ટ કાર્ડ પહોંચ્યા હતા. ડ્રાઈવિંગ લાઈસન્સ સ્માર્ટ કાર્ડ ન મળ્યા હોવાના કારણે અનેક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. એસ.ટી. કંડકટર અને ફાયર બ્રિગેડ જેવી ભરતીઓમાં અરજી કરેલા યુવાનોને ફરજિયાત પોતાનું ડ્રાઈવિંગ લાઈસન્સ જમાં કરાવવું પડે છે, તેવામાં ઘણા લોકોને લાઈસન્સ ન મળ્યો હોતાં, નોકરી ખોઈ બેસવાનો પણ ડર છે.
જો કે, વાહન વ્યવહાર કચેરી તરફથી આ સમસ્યાનો ઉકેલ પણ આપવામાં આવ્યો છે. સરકારની m-parivahan વેબસાઈટ પર પોતાનું ડ્રાઈવિંગ લાઈસન્સ નંબર આપી લોકો પોતાના લાઈસન્સની સોફ્ટ કોપી મેળવી શકે છે. સરકારનું ડીજીલોકર એપ્લિકેશનમાં પણ ડ્રાઈવિંગ લાઇસન્સ નંબર વડે એપ્લિકેશનમાં લાઈસન્સ સ્ટોર કરી શકાય છે. અથવા તો હંગામી ધોરણે ચલાવવા વાહન વ્યવહાર કચેરીમાંથી સહી સિક્કા સાથે લાઈસન્સ મળી શકે. ઉલ્લેખનીય છે કે, ભુજ આરટીઓ કચેરી ખાતે રોજના અંદાજે 250 થી 300 લાઈસન્સ અપ્રૂવ થાય છે. સાથે જ અગાઉ રોજના 300 જેટલા લાઈસન્સ પણ પ્રિન્ટ થતાં હતાં.