Home /News /kutchh /Kutch: આ ગામ 40 વર્ષથી પાણી માટે તરસે છે, ઉનાળો શરૂ થતાં પાણી માટે ઊંટ પર નિર્ભર બન્યું!

Kutch: આ ગામ 40 વર્ષથી પાણી માટે તરસે છે, ઉનાળો શરૂ થતાં પાણી માટે ઊંટ પર નિર્ભર બન્યું!

X
ઉનાળો

ઉનાળો શરૂ થતા જ આ ગામના લોકો પાણી માટે તરસી રહ્યાં છે.

કચ્છના પચ્છમ વિસ્તારમાં આવેલી ધુનારા વાંઢમાં લોકોને આજ સુધી પાણી નથી મળ્યું ત્યારે ઉનાળો શરૂ થતાં જ લોકો ગામની વિરડીમાંથી પાણી ભરી ઊંટ પર નિર્ભર બન્યા

Dhairya Gajara, Kutch: કહેવાય છે કે રણનો રાજા ઊંટ એક વખત પાણી પી સાત દિવસ કાઢી શકે છે, પણ આ રણનો રાજા રણના લોકોને પાણી પૂરો પાડવા સમગ્ર દિવસ પાણી ઊંચકી રહ્યો છે. ઉનાળો શરૂ થતાં જ દર વર્ષની જેમ કચ્છના બન્ની પચ્છમ વિસ્તારમાં પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે. પચ્છમ વિસ્તારની ધુનારા વાંઢમાં રહેતા લોકોને છેલ્લા 40 વર્ષથી પીવાનું પાણી મળ્યું નથી. ઉનાળામાં તળાવનો પાણી પૂરો થઈ જતાં ગામલોકો વિરડી પર નિર્ભર બની જાય છે. મહિલાઓ અને બાળકીઓ હેલ ગાગર લઈને વિરડીમાંથી પાણી ભરી જાય તો ગામના પુરુષો પાણીના કેરબા ભરી ઊંટ પર ઉંચકીને લઈ જાય છે.

ઉનાળો શરૂ થાય એટલે બન્ની અને પચ્છમ વિસ્તારમાં પાણીની ભયંકર અછત ઊભી થાય છે. લોકો ગામના સીમાડા અને ખેતરોમાં ખાડા ખોદી તેમાંથી જમીન અંદર ઊતરેલો પાણી કાઢવા મજબૂર બને છે. બન્નીમાં આ કૂવા જેવા ખાડાને નેસડો કહે છે તો પચ્છમ વિસ્તારમાં ઊંડા ખાડા ખોદાય છે જેને લોકો વિરડી કહે છે. ધ્રોબાણા ગ્રામ પંચાયત હેઠળ આવતી ધુનારા વાંઢમાં છેલ્લા 20 વર્ષથી કાયમી ધોરણે 22 પરિવારો વસવાટ કરે છે પરંતુ આજ દિન સુધી તેમને પીવાનું પાણી મળ્યું નથી.



ઉનાળામાં પાણી માટે વાંઢના લોકો ગામથી એક કિલોમીટર દૂર આવેલી વિરડીમાં પાણી ભરવા જાય છે. એક ફેરામાં થાય એટલું વધારે પાણી ભરી જવા પુરુષો ઊંટ પર પાણીના ખાલી કેરબા લઈ તો મહિલાઓ તેમજ બાળકીઓ ઘરના ખાલી વાસણ લઈ ગામના ધૂળિયા રસ્તા પરથી પસાર થઈ વિરડી સુધી પહોંચે છે. લગભગ 20 ફૂટ ઉંડી વિરડીમાં જો ત્રણ ફૂટથી વધારે પાણી હોય તો રસ્સી વડે એક એક ડબ્બો પાણી ઉલેચી ઘરના બધા જ ખાલી વાસણો અને કેરબા ભરવામાં આવે છે.



આ ઊંટ દિવસમાં બે થી ત્રણ વખત પોતાના માલિક માટે પાણી ભરે છે. પાણી જેવી સામાન્ય વસ્તુ માટે વાંઢથી વિરડી સુધી ધક્કા ખાતા આ ગ્રામજનો અને ઊંટને જોઈ પાણી પુરવઠા વિભાગના પેટનું પાણી પણ હાલતું નથી. પાંચ વર્ષ પહેલાં વાંઢ સુધી પાણીની લાઈન નાખવામાં આવી હતી. પહેલી વખત ગામમાં પાણીની લાઇન આવતા વાંઢના લોકોમાં આશાની એક નવી કિરણ જાગી હતી અને લોકોએ પોતાના ઘરના આંગણામાં પાણીના ટાંકા પણ બંધાવ્યા પરંતુ આજ સુધી એ ટાંકામાં પાણીનું એક ટીપું પણ ટપક્યું નથી.



ટાંકા ક્યારેય બન્યા જ નથી તેવું માની આ લોકો અને ઊંટ બસ ઘર અને વિરડી વચ્ચે જ પોતાનો સમગ્ર દિવસ પસાર કરે છે. ખેતરો વચ્ચે ખોદાયેલી આ ખુલ્લી વિરડીમાં અનેક પ્રકારના જીવજંતુ પણ પડી જતા હોય છે પરંતુ આ લોકો પાસે આ પાણી પી પોતાની તરસ છુપાવ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.
First published:

Tags: Kutch, Local 18, કેમલ, પાણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો