લોરિયા ગામના બે મંદિરોમાં નવ મહિના અગાઉ થયેલી ચોરી મુદ્દે હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા હિન્દુ મુસ્લિમ સહિત સમગ્ર ગામે ચૂંટણીનું બહિષ્કાર કરવાનુ નક્કી કર્યું
Dhairya Gajara, Kutch: ચુંટણી આવતા જ દરેક પક્ષો મતદારોને રીઝવવા તેમની બધી જ માંગો પૂરો કરવાના વાયદા કરતા હોય છે. પરંતુ કચ્છના આ એક ગામની માંગ કોઈ ઉમેદવાર ફરી કરી શકે તેવી નથી. ભુજ તાલુકમાં આવેલા લોરિયા ગામની એક જ માંગ છે કે ગામના બે મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાય. જો કે, નવ મહિના પહેલા થયેલી ચોરી બાબતમાં પોલીસને કોઈ ખાસ પુરાવા મળ્યા ન હોવાથી સમગ્ર ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.
નવ મહિના અગાઉ લોરિયા ગામના જાલપા માંના મંદિરમાં અને પરમેશ્વર દાદાના મંદિરમાં રાત્રીના સમયે ચોર ત્રિપુટી ત્રાટકી હતી અને લાખોની મત્તા ચોરાઈ કરી ગઈ હતી. એક ચોર બહાર દરવાજા પર નજર રાખી ઊભી હતો ત્યાં સુધીમાં અન્ય બે ચોર ઈસમો મંદિરની અંદર માતાજીની મૂર્તિ પર ચડાવેલ આભૂષણો કપડાંની પોટલી બનાવી તેમાં જમાં કરવાનું શરૂ કર્યું હતું. મુગટ, છત્તર, નથડી, સહિત રૂ. 8.50 લાખના સોના-ચાંદીના આભૂષણો થોડી જ મિનિટોમાં તસ્કરો સાફ કરી ગયા હતા.
આ વાતની જાણ થતાં જ ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને આ અંગેની ફરિયાદ કરવા મોટી સંખ્યામાં ગ્રામજનો માધાપર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. મંદીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોલીસે હસ્તગત કર્યા હતા. એક મહિના સુધી આ કેસમાં પોલીસને કોઈ ફોડ ન મળતાં ગ્રામજનો તેમજ કચ્છી ભાનુશાલી મહાજને વિશાળ રેલી યોજી કલેકટર અને પોલીસ અધિક્ષકને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું જે બાદ તસ્કરો મુદ્દે કોઈ પણ માહિતી આપનારને ભાનુશાલી સમાજ તરફથી રૂ. 51 હજારનું ઇનામ પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
જો કે આ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સતત નિષ્ક્રિય રહી હોતાં હવે અંતે લોરિયા ભાનુશાલી મહાજન તેમજ લોરિયા ગ્રામજનોએ આવનારી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. લોરિયા ગામમાં વિધાનસભા ચુંટણી માટે બે બુથ આવેલા છે જેની અંદર આવતા 1526 લોકોએ મતદાન ન કરવાનું નક્કી કર્યું છે.
ચુંટણી બહિષ્કારમાં પણ કચ્છની કોમી એકતા
ગામના મંદિરોમાં ચોરી મુદ્દે જ્યારે ભાનુશાલી મહાજને ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું ત્યારે તેમાં અન્ય સમજો સાથે મુસ્લિમ ગ્રામજનોએ પણ સાથ આપ્યો હતો. ભાનુશાલી સમાજના લોકોની વસતી ધરાવતા હનુમાન નગર ઉપરાંત ડૂબરાવાસ, ઠાકર વાસ, અનુસૂચિત વાસ, કોલીવાસ અને મસ્જિદ વિસ્તારના લોકોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. તો અન્ય શહેરોમાં વસતા આ ગામના વતનીઓ દ્વારા પણ આ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરાયું છે.
આ મુદ્દે માધાપર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.જી. પરમારનો સંપર્ક કરાતા તેમણે News18ને જણાવ્યું હતું કે પશ્ચિમ કચ્છ પોલીસે આ કેસમાં સઘન તપાસ હાથ ધરી છે. ચોરીના સીસીટીવી ફૂટેજ દરેક વિભાગને સોંપ્યા છે અને કોઈ જિલ્લો બાકી નથી રાખ્યો પરંતુ હજુ સુધી કોઈ પુરાવા હાથ લાગ્યા નથી.