Dhairya Gajara, Kutch: ચારણ સમાજે પોતાનું એક વિશેષ સાહિત્ય બનાવી એક આગવી ઓળખ મેળવી છે. માનવામાં આવે છે કે આ ચારણી સાહિત્યના દુહા, છંદ, છપાકરું અને ચરજને ચારણો સિવાય કોઈ ન્યાય આપી ન શકે. માટે જ કહેવાય છે કે ચારણોના કંઠે સાક્ષાત મા સરસ્વતીનો વાસ છે અને ચારણ સમાજના અનેક લોકો તેને પુરવાર કરે છે. ચારણી સાહિત્યના આ જ વારસાને હવે નાની પેઢી પણ આગળ વધારી રહી છે. કચ્છની આ 10 વર્ષની બાળકી જ્યારે છંદ અને છપાકરું ગાય છે ત્યારે લાગે છે કે ખરેખર તેના કંઠે મા સરસ્વતીનો વાસ છે.
આપણી પરંપરા અને આપણા સાહિત્યથી નવી પેઢી દૂર થઈ રહી છે. પરંતુ ચારણ સમાજમાં આજે પણ અનેક યુવાનો તેમજ બાળકોએ પણ પોતાના અમૂલ્ય વારસાને જીવંત રાખ્યું છે. ભુજ શહેરની ભાગોળે મિરઝાપરમાં રહેતી નિધિ શ્યામદાન ગઢવી માત્ર 10 વર્ષની વયે એટલા કડકડાટ છંદ અને દુહા ગાય છે કે સૌ કોઈ તેને સાંભળતા જ રહી જાય. ધોરણ 5માં અભ્યાસ કરતી આ બાળકીને પોતાના પરિવારના સભ્યોથી મળેલી પ્રેરણા થકી ચારણી સાહિત્યમાં અમૂલ્ય એવા છંદ, દુહા અને છપાકરું શીખવાનું શરૂ કર્યું હતું.
માત્ર ચાર થી પાંચ મહિના પોતાની માતા અને દાદા પાસે શીખી હવે નિધિ કડકડાટ છંદ અને દુહા ગાય છે. પોતાની આ કળા વડે નિધિએ માત્ર ચારથી પાંચ મહિનાઓમાં જ અનેક પુરસ્કારો પણ મેળવ્યા છે. કળા મહાકુંભમાં જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા બાદ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં પણ જિલ્લા અને ઝોનલ કક્ષાએ વિજેતા બન્યા બાદ નિધિએ નવસારી ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દેવીના ઉપાસકો આ ચારણ સમાજે પેઢીઓથી ભક્તિ અને વીરતાના આ સાહિત્યને જીવંત રાખ્યું છે અને આજે પણ નવી પેઢી આ સાહિત્યને આગળ વધારવામાં જરાય ખચકાતી નથી. નિધિ જેવા બાળકોને જોઈને એવું ચોક્કસથી કહી શકાય કે ચારણી સાહિત્યનું ભવિષ્ય ઊજળું છે.