કચ્છ યુનિવર્સિટીના જીયોલોજી વિભાગમાં આવેલું જીયોલોજી મ્યુઝિયમ અનેક પ્રકારના ભૌગોલિક મહત્વ ધરાવતા નમૂના સંગ્રહી બેઠો છે જેમાંથી એક છે કરોડો વર્ષ જૂના ઇચ્થ્યોસોરનું હાડપિંજર
Dhairya Gajara, Kutch: આમ તો કચ્છમાં અનેક પ્રકારના મ્યુઝિયમ છે જે કચ્છની સંસ્કૃતિ અને ઇતિહાસને ઉત્તમ રીતે દર્શાવે છે. પરંતુ અહીં આવેલું આ એક મ્યુઝિયમ સૌથી વિશેષ છે જે આ વિશાળ પ્રદેશના ભૂગોળની માહિતી આપે છે. કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ સાયન્સ વિભાગમાં આવેલો આ જીયોલોજી મ્યુઝિયમ કચ્છની ભૌગોલિક વૈવિધ્યતાનો એક ઉત્કૃષ્ટ ખજાનો સંગ્રહી બેઠો છે જેમાં 10 હજારથી વધારે નમૂનાઓ હાજર છે. તો આ જ મ્યુઝિયમમાં ડાયનાસોર યુગના એક પ્રાણીનો કરોડો વર્ષ જૂનો ફોસિલ પણ રાખવામાં આવ્યો છે.
2003માં કચ્છ યુનિવર્સિટીની સ્થાપના બાદ વર્ષ 2008માં ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ સાયન્સ શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયે પ્રોફેસર મહેશ ઠક્કર પાસે રહેલા 10 થી 15 નમૂનાઓ અહીં મૂકી એક નાની ગેલેરી શરૂ કરી હતી. છેલ્લા બે દાયકામાં વિભાગના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ આ મ્યુઝિયમમાં આ ભૌગોલિક મહત્વ ધરાવતા વિવિધ નમૂનાઓ જોડી આજે આ મ્યુઝિયમમાં 10 હજારથી વધારે નમૂનાઓ આવેલા છે.
આ મ્યુઝિયમમાં કચ્છના જૂનામાં જૂના પથ્થરોથી લઈને આજ સુધીના પથ્થર જોવા મળે છે. તો તે સિવાય અરવલ્લી, લેહ, લદાખ, સ્પિતી વેલી વગેરે સ્થળો પરથી સંશોધન બાદ 2900 મિલિયન વર્ષ જૂના નમૂનાઓ પણ લઈ આવી અહીં મૂકવામાં આવેલા છે. તો વિશ્વના વિવિધ ખૂણેથી કચ્છ યુનિવર્સિટીના જીયોલોજી વિભાગની મુલાકાત લેતા લોકો પણ અહીં નમૂનાઓ આપી જાય છે જે કારણે આજે આ મ્યુઝિયમમાં દેશ વિદેશના ભૌગોલિક નમૂનાઓ જોવા મળે છે.
આ મ્યુઝિયમનો સૌથી આકર્ષક નમૂનો છે કરોડો વર્ષ જૂનો ઇચ્થીયોસોરનું ફોસિલ. 2016માં કચ્છ યુનિવર્સિટીને કચ્છમાંથી જ એક સંશોધન દરમિયાન ઇચ્થીયોસોર નામના મરીન રેપ્ટાઇલના સમગ્ર હાડપિંજરનું ફોસિલ મળી આવ્યું હતું. જ્યુરાસિક કાળમાં આ ઇચ્થીયોસોર પાણીની અંદર રહેતો એક રેપ્ટાઇલ હતો અને તે કારણે જ જ્યુરાસિક કાળ વિશે અભ્યાસ કરવા આ એક મહત્વનો પાસો છે. આકર્ષક વાત તો એ છે કે આ પ્રકારનું ફોસિલ સમગ્ર એશિયામાં અન્ય ક્યાંય જોવા મળ્યો નથી અને ફક્ત કચ્છ યુનિવર્સિટીમાં હોતાં અનેક દેશના જીયોલોજિસ્ટ્સ તેને જોવા અને તેના પર અભ્યાસ કરવા કચ્છ આવે છે.
આ પ્રકારનું અનન્ય મ્યુઝિયમ કચ્છમાં છે તેના વિશે આજે પણ મોટાભાગના લોકો અજાણ છે, જ્યારે કે આ મ્યુઝિયમની મુલાકાત લેવા પર કોઈ પ્રકારનું પ્રતિબંધ નથી અને કોઈ એન્ટ્રી ફી પણ લેવામાં આવતી નથી.