Dhairya Gajara, Kutch: કચ્છની જેમ જ રાજસ્થાન પણ અવનવી કરિગરીનું ઘર છે. હાલમાં રાજસ્થાનની આવી જ એક અનન્ય કારીગરી કચ્છમાં ધૂમ મચાવી રહી છે. રાજસ્થાનના અજમેરના એક કારીગર માઇક્રો મિનીએચર પેઇન્ટિંગ થકી ભુજના એક હસ્તકળા પ્રદર્શનમાં ખૂબ પ્રખ્યાત થયા છે. કાગળ ઉપરાંત ચોખા અને વાળ પર કરવામાં આવતી આ પેન્ટિંગ એટલી નાની હોય છે કે નરી આંખે તેને જોવું પણ અશક્ય છે.
રાજસ્થાનના અજમેરના કિશનગઢના કારીગર સુદર્શન પારીખ છેલ્લા 25 વર્ષથી આ માઇક્રો મિનીએચર પેઇન્ટિંગ કરી રહ્યા છે. તેમના પિતા એલ. કે. પારીખ પણ આ મિનીએચર પેઇન્ટિંગના ખૂબ જાણીતા કારીગર હતા અને તેમની પ્રેરણાથી જ બીએસસી મેથેમેટિક્સનો અભ્યાસ કર્યા બાદ પણ સુદર્શન પારીખ આ કળાના પંથે આગળ વધ્યા.
કાગળ પર મિનીએચર પેઇન્ટિંગ કર્યા બાદ તેમણે માઇક્રો મિનીએચર પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું, જે બાદ તેમણે ચોખાના દાણા અને વાળ પર પણ પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું.
હાલ ભુજ શહેરમાં આવેલા ભુજ હાટ ખાતે ચાલી થયેલો ગાંધી શિલ્પ બજાર હસ્તકળા પ્રદર્શનમાં સુદર્શન પારીખે ભાગ લીધો છે અને પોતાની આ અવનવી કળા વડે લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. ચોખાના દાણા અને વાળ પર લોકો પોતાનું અથવા પોતાના કોઈ સ્વજન અથવા તો સમગ્ર પરિવારનું નામ લખાવવા તેમની પાસે પહોંચી રહ્યા છે. માત્ર 20 મિનિટમાં જ આ માઇક્રો મિનીએચર પેઇન્ટિંગ તૈયાર થઈ જતાં લોકોમાં આ ધૂમ મચાવી રહી છે.
ચોખાના દાણા અથવા વાળ પર કરેલી આ પેઇન્ટિંગ એટલી નાની હોય છે કે તેને જોવા માટે ખાસ મેગ્નીફાયિંગ ગ્લાસની જરૂર પડે છે. સુદર્શન પારીખે જણાવ્યું હતું કે તેમણે ગત વર્ષે આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ ચોખાના દાણા અને વાળ પર કરેલા લખાણ ભેટ સ્વરૂપે મોકલ્યા હતા જેની બદલે વડાપ્રધાને તેમની ખૂબ પ્રશંસા કરી હતી..