પોલીસ જાપ્તામાંથી આરોપીઓ ફરાર થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આવી જ એક ઘટના કચ્છ જિલ્લાના ભચાઉમાં બની છે. જેમાં ભચાઉ કોર્ટમાં હાજરી આપવા લવાયેલા ચોરીનો આરોપી રસ્તામાં જ વાહનમાંથી કૂદીને ભાગી ગયો હતો. પોલીસને ચકમો આપીને ફરાર થનાર આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે કચ્છના ભચાઉ કોર્ટમાં આજે બુધવારે ચોરીના આરોપીને હાજરી આપવા માટે લવાયો હતો. ગળપાદર જેલથી પોલીસ બંદોબસ્ત હેઠળ આરોપીને ભચાઉ કોર્ટમાં લવાયો હતો. કોર્ટમાં હાજર કર્યા પછી પોલીસ આરોપીને પાછો ગળપાદર જેલમાં લઇ જઇ રહી હતી. પોલીસનું વાહન ભચાઉના જૂના બસ સ્ટેશન નજીક પહોંચ્યું હતું.
ત્યારે શબ્બીર ભટ્ટી નામના ચોરીના આરોપીએ પોલીસને ચકમો આપીને વાહનમાંથી કૂદી ફરાર થયો હતો. પોતાના જાપ્તામાંથી આરોપી ફરાર થઇ જતા સમસમી ઉઠેલી પોલીસે શબ્બીરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતમાં હિતેશ જાડેજા નામના આરોપીને સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધર્યા બાદ નામદાર કોર્ટ દ્વારા અરજી રદ્દ કરીને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે જજ સાહેબનો હુકમ સાંભળીને ગભરાયેલો હિતેશ જાડેજા કોર્ટના કઠેડામાંથી ભાગી છૂટ્યો હતો. જેના પગલે કોર્ટે હિતેશ વિરુદ્ધ વોરન્ટ ઇસ્યૂ કર્યો હતો. સાથે સાથે ઉમરા પોલીસે હિતેશ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તેને પકડવાની તજવીજ હાથધરી છે.