Dhairya Gajara, Kutch: હાલમાં જ તુર્કી પર ત્રાટકેલા ભૂકંપે સમગ્ર દુનિયાને હચમચાવી મૂકયું છે. તુર્કીના ભૂકંપથી દુનિયાના સૌથી ભયાનક ભૂકંપમાંનો એક કચ્છના રણના ભૂકંપની યાદ તાજી થઇ છે. બે સદી પહેલાં ત્રાટકેલા આ ભૂકંપની ચોક્કસ તીવ્રતા તો માપી શકાઈ ન હતી પરંતુ વૈજ્ઞાનિકોની ગણતરી મુજબ તે ભૂકંપ લગભગ 9.5ની તીવ્રતાનો હતો. આ ભૂકંપ એટલો ભયાનક હતો કે આ ભૂકંપે ભારત અને પાકિસ્તાન વચ્ચે કચ્છના રણમાં હંમેશા માટે એક 90 કિલોમીટર લાંબી દિવાલ ઉભી કરી નાખી હતી.
16 જૂન 1819ની સાંજે 6:45 વાગ્યે લગભગ 7.9ની તીવ્રતાના અતિવિનાશક ભૂકંપથી કચ્છ તહસનહસ થયું હતું. આ ભૂકંપની અસર એવી હતી કે ભૂકંપના સ્થળથી લગભગ 150 કિલોમીટર દૂર ભુજમાં 700થી વધુ મકાનો જમીનદોસ્ત થયા હતા અને તે સમયે લગભગ 2000 જેટલા લોકોનું મોત થયું હતું. બે સદી પહેલાં પાકિસ્તાનથી સિંધુ નદી કચ્છ સુધી વહેતી હતી અને તેના પાણી વડે કચ્છના લખપત તાલુકામાં ખેતી પણ થતી હતી.
આ ભૂકંપ એટલો ભયંકર હતો કે થોડી જ ક્ષણોમાં 90 કિલોમીટર લાંબો અને 10 થી 12 કિલોમીટર પહોળો જમીનનો એક પટ્ટો એકસાથે 6 મીટર ઊંચો ઉઠી ગયો હતો. આ કારણે જ સિંધુ નદીના પાણી કચ્છની ઉપરની બાજુ સિંધમાં જ રોકાઈ ગયો હતો. આ કારણે જ સિંધના લોકોએ તેને અલાહ દ્વારા બંધાયેલું બંધ એટલે કે અલ્લાહ બંધ નામ આપ્યું હતું. આ કારણે નદીના પાણી એક જગ્યા પર જમા થઈ જતાં ત્યાં તળાવ બની ગયું હતું જેને શકુર લેક કહેવામાં આવે છે. તો અલ્લાહ બંધથી કચ્છ તરફની જમીન નીચે બેસી જતા ક્રીક વિસ્તારમાં પાણી અંદર ઘૂસી આવ્યા હતા અને ત્યાં બની ગયેલું તળાવ આજે સિંધરી તળાવના નામે ઓળખાય છે.
સિંધુ નદીના પાણી બંધ થઇ જતા એ સમયે વેપાર માટે સતત ધમધમતું જળ માર્ગ બંધ થયું હતું અને વેપારીઓને મોટા નુકસાન વેઠવા પડ્યા હતા. અહીંથી પસાર થતા જહાજો પાસેથી ટેકસ વસૂલવા કસ્ટમ સેન્ટર પણ કાર્યરત હતા. તેમાંથી સિંધરી કિલ્લામાં ચાલતું કસ્ટમ સેન્ટરનું હંમેશા માટે જમીનમાં ગરકાવ થઈ ગયો હતો. આજે પણ આ કિલ્લાની માત્ર ટોચ જ જમીન ઉપર દેખાય છે. જો કે ત્યાં બારે માસ ભરેલા પાણીના કારણે કોઈ આ કિલ્લા સુધી પહોંચી શકતું નથી.
રણ ઓફ કચ્છના આ ભૂકંપ બાદ આવેલા અનેક નાનામોટા ભૂકંપે અલ્લાહ બંધ માં પણ ભૌગોલિક ફેરફારો સર્જ્યા છે. આજે આ અલ્લાહ બંધની ઊંચાઈ 6 મીટરથી ઘટીને 2.5 થી 1.5 મીટર જેટલી રહી ગઈ છે.