Dhairya Gajara, Kutch: નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભુજ નજીક બદ્રિકાશ્રમ ધામ મધ્યે વિશાળ આયોજન હાથ ધરાઇ રહ્યું છે. આ મહોત્સવ થકી લોકોને ગાયનું મહત્વ સમજાવવા એક ખાસ ગૌ મહિમા દર્શનની પ્રદર્શની પણ ઊભી કરવામાં આવી રહી છે. ગૌ આધારિત ખેતી સાથે પ્રાચીન અને અર્વાચીન સમયમાં ગાયનું મહત્વ સમજાવવા 2.5 એકરમાં આ પ્રદર્શનીમાં ઉભી કરવામાં આવી રહી છે. આ પ્રદર્શન સ્થળને સંપૂર્ણપણે ગાયના ગોબરથી શણગારવામાં આવશે અને તે માટે પ્રદર્શની ડોમનું 10 હજાર કિલો ગોબરથી લીંપણ કરવામાં આવશે.
ભુજ મંદિરના મહંત સ્વામી દ્વારા એક વર્ષ પહેલા લોકોને ગાયનો મહત્વ સમજાવવા અને કચ્છમાં ગૌ આધારિત ખેતી અભિયાનની શરૂઆત કરી હતી જેમાં કચ્છના અનેક ખેડૂતો જોડાયા હતા. ગૌ મહિમા દર્શનમાં પણ આ ખેડૂતો ભાગ લઈ અન્ય લોકોને પણ ગાય આધારિત ખેતીના ફાયદા જણાવશે. તો સાથે જ ગાય આધારિત ખેતીના જીવંત પ્રદર્શન સાથે ખેતી કરવાની પધ્ધતિ સમજાવતા વિવિધ પ્રકારના મોડેલ પણ મૂકવામાં આવશે.
આ પ્રદર્શનીની સૌથી રસપ્રદ વાત એ છે કે આ સમગ્ર પ્રદર્શની કાર્યકરો દ્વારા પોતાના હાથે ઊભી કરવામાં આવી રહી છે. સવારથી બપોર સુધી મહિલાઓ વિવિધ ગામ અને ગૌશાળામાં જઈ ગોબર એકત્રિત કરે છે અને મોડી રાત સુધી પ્રદર્શની ડોમની દીવાલો પર તેના વડે લીંપણ કરે છે. 2.5 એકરમાં ફેલાયેલી પ્રદર્શનીના ડોમમાં 1.5 લાખ ચો.મી. કંતાન લપેટી તેના પર 10 હજાર કિલોગ્રામ જેટલા ગોબર વડે લીંપણ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રદર્શની માટે છેલ્લા ત્રણ મહિનાથી નરનારાયણ નગરની બહેનો ગોબર ક્રાફ્ટ વડે શણગાર સામગ્રી તૈયાર કરી રહ્યા છે. સાંખ્યયોગી બહેનોના માર્ગદર્શન હેઠળ નાની દીકરીઓથી લઈને વૃદ્ધ માતાઓ દ્વારા ગોબરમાંથી 1.5 લાખ મોતી બનાવી તેના વડે બે ફૂટથી લઈને આઠ ફૂટ સુધીના ત્રણ હજારથી વધારે તોરણ બનાવ્યા છે. જે લોકો આજે પોતાના ઘરમાં ગાયને નથી પાળી શકતા તેમને ગોબર ક્રાફટ વડે ઘર શણગાર કરવાની પ્રેરણા આ પ્રદર્શની થકી અપાશે.