Dhairya Gajara, Kutch: રાજ્યમાં અનેક વખત હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આગ લાગવાના બનાવ બનતા સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીને લઈને તંત્ર સતર્ક થયું છે. ભુજ નગરપાલિકા હસ્તકની ફાયર સેફટી વિભાગ પણ હાલ એક્શન મોડમાં આવ્યું છે અને વખતોવખત નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફટીના સાધનો ન વસાવેલ હાઈરાઈઝ બિલ્ડિંગોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં ફાયર વિભાગ દ્વારા ભુજ શહેરમાં 10 બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે.
ભુજ સુધરાઇના સર્વે મુજબ શહેરની અંદર 105 બિલ્ડિંગનો હાઈરાઈઝ કેટેગરીમાં સમાવેશ થાય છે. આ પ્રકારની બિલ્ડિંગમાં અનિવાર્યપણે ફાયર એક્સટિંગયુશર, ફાયર હોઝ રીલ જેવા સાધનો ઇન્સ્ટોલ કરવા પડે છે. આગના સમયે ત્યાં હાજર લોકો પોતે જ જરૂર પડ્યે આગ બુઝાવી શકે તે માટે આ સાધનો ખૂબ જરૂરી નીવડે છે પરંતુ મોટાભાગની બિલ્ડિંગો દ્વારા આ સૂચનાને ગણકરવામાં આવતી ન હતી.
ભુજ ફાયર વિભાગ દ્વારા પાંચથી છ વખત આ બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવ્યા છતાંય બિલ્ડિંગ સંચાલકો દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા ન હતા. આ કારણે હવે રાજકોટ રીજનલ ફાયર ઓફિસર તરફથી મળેલી સૂચના પ્રમાણે ભુજ ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર સેફટીના અભાવ વાળી બિલ્ડિંગો સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં ફાયર સેફટી વિનાની 10 બિલ્ડિંગોને સીલ કરી દેવામાં આવી છે અને વધુ 3 બિલ્ડીંગોને સીલ કરવામાં આવશે તેવું ભુજ સ્ટેશન ફાયર ઓફિસરે જણાવ્યું હતી. આ સંદર્ભે બિલ્ડીંગના સંચાલકોને પણ સુચના આપવામાં આવી છે અને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ભુજ શહેરમાં આવેલી 105 હાઈરાઈઝ બિલ્ડિંગોમાંથી ફક્ત 14 બિલ્ડિંગો જ ફાયરસેફ્ટીના સાધનોથી સજ્જ છે અને બાકીની 91 બિલ્ડિંગ ફાયર વિભાગ દ્વારા સીલ થઈ શકે છે.
રાજકોટ રીજનલ ફાયર ઓફિસ દ્વારા આવી બહુમાળી બિલ્ડીંગના સંચાલકોને વહેલામાં વહેલી તકે ફાયર સેફ્ટીના સાધનો વસાવા માટે અપીલ કરી હતી અન્યથા તેમની બિલ્ડિંગ પણ સીલ કરવામાં આવશે. બિલ્ડિંગ સીલ થયા બાદ ફાયર સેફટીના સાધનો વસાવ્યા બાદ જ સંચાલકોને પોતાની બિલ્ડિંગ પરત મળશે.