દોઢ વર્ષ પહેલાં નિર્માણ પામેલો વિશ્રામ ગૃહ હજુ પણ બંધ
કોરોના બાદ આ વર્ષે રણોત્સવ સમયે ફરી એકવખત પ્રવાસીઓનો અસલ ધસારો જોવા મળ્યો હતો પરંતુ રણોત્સવ સીઝનનો અંત આવ્યા સુધી હજુ આ વે સાઇડ એમેનિટીઝ કાર્યરત કરવાના કોઈ એંધાણ વર્તાઈ રહ્યાં નથી
Dhairya Gajara, Kutch: કચ્છમાં વિકસેલા પ્રવાસને આ જિલ્લાને એક નવી ઓળખ આપી છે. રણોત્સવ દરમિયાન જિલ્લામાં પ્રવાસીઓનો ધસારો એટલો વધી જાય છે કે જિલ્લાના મુખ્ય મથક ભુજની બધી જ હોટેલ અને ગેસ્ટ હાઉસ ફૂલ થઇ જાય છે. આ વચ્ચે પ્રવાસન વિભાગ દ્વારા ભુજ શહેરની ભાગોળે બનાવવામાં આવેલો વિશ્રામ ગૃહ પણ દોઢ વર્ષથી બનીને તૈયાર થઈ ગયો છે પરંતુ તે હજુ સુધી કાર્યરત કરવામાં ન આવતા હાલ આ વિશ્રામ ગૃહ ધૂળ ખાઈ રહ્યો છે.
કચ્છમાં સતત વિકસી રહેલા પ્રવાસનના કારણે અહીંની મુખ્ય પ્રવાસન સીઝન દરમિયાન લાખો લોકો કચ્છના સફેદ રણ ઉપરાંત જિલ્લાના અન્ય પર્યટક સ્થળોની મુલાકાતે આવતા હોય છે. પ્રવાસીઓને યોગ્ય માહિતી, આરામ, રોકાણ તેમજ જમવાની સુવિધા પૂરી પાડવા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વે-સાઈડ એમેનિટીઝ ઊભી કરવામાં આવી છે.
કચ્છમાં પણ સામખિયાળી, આડેસર અને મિરઝાપર ખાતે આવી વે-સાઈડ એમેનિટીઝ ઊભી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરની ભાગોળે આવેલા મિરઝાપર ગામે હાઇવે પર લગભગ ત્રણ વર્ષ પહેલાં આ વિશ્રામ ગૃહનું બાંધકામ શરૂ થયું હતું અને એક વર્ષમાં બાંધકામ પૂર્ણ થયા છતાં પણ છેલ્લા દોઢ વર્ષથી આ વિશ્રામ ગૃહ હજુ કાર્યરત થયું નથી.
પ્રવાસન નિગમ દ્વારા આ વે સાઈડ એમેનિટી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) ધોરણ પર ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હોતાં તેના માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતાં. 6 જૂન, 2022ના ટેન્ડર મંગવ્યાની તારીખ પૂર્ણ થયાના આઠ મહિના બાદ પણ હજુ આ વિશ્રામ ગૃહ બંધ હાલતમાં છે. કોરોના બાદ આ વર્ષે રણોત્સવ સમયે ફરી એકવખત પ્રવાસીઓનો અસલ ધસારો જોવા મળ્યો હતો પરંતુ રણોત્સવ સીઝનનો અંત આવ્યા સુધી હજુ તેને કાર્યરત કરવાના કોઈ એંધાણ વર્તાઈ રહ્યાં નથી.
ગુજરાત પ્રવાસન નિગમની પ્રોજેક્ટ ટીમના ઝોનલ ઇજનેરને આ મુદ્દે સંપર્ક કરાતા તેમને પ્રોજેક્ટ વિશે વધારે માહિતી ન હોવાનું જણાવ્યું હતું.