કચ્છની બન્ની ભેંસના દૂધથી બનેલા માવાનો સ્વાદ દુનિયાભરમાં અન્ય ક્યાંય મળતું નથી. મોટી કઢાઈમાં દૂધને ગરમ કરી તેમાં થોડા થોડા સમયે ખાંડ ઉમેરી જ્યાં સુધી દૂધ ઉકળીને એકદમ ઘાટો માવો ન બની જાય ત્યાં સુધી તેને સતત હલાવી ગરમ કરવામાં આવે છે.
Dhairya Gajara, Kutch: કચ્છના પ્રવાસે આવનાર દરેક પ્રવાસી કચ્છી દાબેલીનો સ્વાદ તો અચૂકપણે માણે છે. પરંતુ કચ્છનો સ્પેશ્યલ મીઠો માવો પણ હવે દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ રહ્યું છે. કચ્છના પ્રસિદ્ધ બન્ની વિસ્તારના ભીરંડિયારા ગામ ખાતે આ મીઠા માવાનો વ્યવસાય એટલો વિકસ્યો છે કે માત્ર રણોત્સવના ચાર મહિનામાં જ અહીંના વેપારીઓ કરોડોની કિંમતનો મીઠો માવો વહેંચે છે. કચ્છ આવતું હરકોઈ આજે કચ્છી પેડા અને ગુલાબ પાક લેવા ખાસ ભુજની બજારોમાં ખરીદી કરવા પહોંચે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં કચ્છના મીઠા માવાનો સ્વાદ પણ લોકોની જીભે ચઢ્યું છે. ભુજથી સફેદ રણ જતા માર્ગ પર આવતા ભીરંડિયારા ગામમાં માલધારીઓ મોટી સંખ્યામાં મીઠા માવાનો વેપાર કરે છે. માત્ર ભીરંડિયારા જ નહીં પરંતુ ભુજ તાલુકાના લોરિયાથી લઈને હોડકો, ધોરડો સુધી અનેક ગામોમાં મીઠો માવો બનાવવામાં આવે છે.
કચ્છમાં મીઠા માવાની ખાસિયત પાછળનો મુખ્ય કારણ છે અહીંની બન્ની ભેંસોનું દૂધ. માત્ર દૂધ અને ખાંડનો ઉપયોગ કરી બનાવવામાં આવતો આ મીઠો માવો આમ તો ખૂબ જ સામાન્ય મીઠાઈ છે પરંતુ અહીંના બન્ની ભેંસના દૂધથી બનેલા માવાનો સ્વાદ દુનિયાભરમાં અન્ય ક્યાંય મળતું નથી. મોટી કઢાઈમાં દૂધને ગરમ કરી તેમાં થોડા થોડા સમયે ખાંડ ઉમેરી જ્યાં સુધી દૂધ ઉકળીને એકદમ ઘાટો માવો ન બની જાય ત્યાં સુધી તેને સતત હલાવી ગરમ કરવામાં આવે છે. સામાન્યપણે પાંચ લિટર દૂધમાંથી એક કિલો માવો બનતું હોય છે. માટે જ માત્ર કચ્છથી બહારના પ્રવાસીઓ નહીં પરંતુ કચ્છના લોકો પણ આ ગામોમાંથી પસાર થાય તો આ મીઠો માવો ચોક્કસ ખાય છે.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે રણોત્સવ ફરવા આવતા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. અને તે જ કારણે આ મીઠા માવાના વ્યવસાયમાં પણ મંદી આવી હતી. જો કે, આ વર્ષે રણોત્સવની શરૂઆત સાથે જ પ્રવાસીઓનો ધસારો સારો હોતાં આ વર્ષે ફરી મીઠા માવાની સુગંધ ફેલાશે તેવું લાગે છે. સામાન્યપણે અહીં રોજનો 300 થી 400 કિલોગ્રામ મીઠો માવો લોકો આરોગી જાય છે.
ભીરંડીયારા ગામમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર આ માવાના 20 જેટલા વેપારીઓની દુકાનો આવેલી છે. અહીં રૂ. 300 થી 350 સુધીનો માવો વેંચાય છે તો ડ્રાયફ્રૂટ માવો પણ રૂ. 400 થી 450 પ્રતિ કિલોના ભાવે વહેંચાય છે. અહીંના વેપારીઓ રણોત્સવની સીઝનમાં દરરોજ સરેરાશ 300 થી 400 કિલો માવાનું વેંચાણ કરે છે અને આ થકી જ ચાર મહિનામાં જ કરોડો રૂપિયાનો વેપાર કરી લેતા હોય છે.