બાળકોને પોતાના જીવનમાં દાદા દાદીની અહેમિયત સમજાય અને દાદા દાદીને પણ પોતાનો બાળપણ યાદ આવે તે હેતુથી ભુજની કેન્દ્રીય વિદ્યાલય 2 માં બાળકોએ દાદા દાદી દિવસની અનોખી ઉજવણી કરી
Dhairya Gajara, Kutch: બાળકોના જીવનના ઘડતરમાં જેટલો ભાગ માતા પિતા ભજવે છે એટલો જ ભાગ તેમના દાદા દાદી પણ ભજવતા હોય છે. દાદા દાદીના પોતાના પૌત્રો સાથેના સંબંધને ઉજવવા ભુજની કેન્દ્રીય વિદ્યાલય દ્વારા દાદા દાદી દિવસ ઉજવવામાં આવ્યો હતો. બાળકોએ પોતાના દાદા દાદીને શાળામાં બોલાવી તેમના માટે વિવિધ કાર્યક્રમો ભજવી, તેમને રમતો રમાડી તેમને પોતાના બાળપણની યાદ અપાવી હતી. ભુજ મીલીટરી સ્ટેશન મધ્યે આવેલી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 2માં આજે પ્રાથમિક ધોરણના બાળકોએ દાદા દાદી દિવસની અનોખી ઉજવણી કરી હતી.
કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા મોટાભાગના બાળકોના માતા પિતા સેનામાં હોતાં તેઓ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે. તેવામાં આ નાના ભૂલકાઓ પોતાના જીવનના અગત્યના વર્ષોમાં તેમને પોતાના દાદા દાદીની ઉણપ રહે છે. આવામાં બાળકો જીવનમાં પોતાના વાલીઓના માતા પિતાની અહેમિયત સમજે તે માટે શાળા દ્વારા આ અનોખું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.
આ વિશેષ દિવસ ઉજવવા માટે શાળા દ્વારા બાળકોના દાદા દાદી અને નાના-નાનીઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ તેમના માટે ખાસ ગીત, સંગીત, અને હાસ્ય મનોરંજનથી ભરપૂર કાર્યક્રમ પીરસી વૃદ્ધવયમાં તેમને આનંદના પળો માણવાનો મોકો આપ્યો હતો. તો અનેક વિદ્યાર્થીઓએ પોતાના દાદા દાદી માટે કવિતા ગાઈ સૌકોઈને ભાવુક કર્યા હતા.
કાર્યક્રમમાં હાજરી આપનાર દરેકના દાદા દાદીએ પણ આ કાર્યક્રમને ખૂબ માણ્યો હતો અને પોતાનો બાળપણ યાદ કર્યો હતો. તો બાળકોએ પોતાના દાદા દાદી માટે રમૂજ ભરી રમતોનું આયોજન કરી બાળપણ અને વૃદ્ધાવસ્થા વચ્ચેનો ભેદ દૂર કર્યો હતો.
News18 સાથે વાત કરતા કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 2 ભુજના પ્રિન્સિપાલ રાજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, \"આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ હતો કે બાળકો પરિવારના સ્તંભ સમાન વડીલોની જીવનમાં જરૂર સમજે. બાળકોમાં ખૂબ ઊર્જા હોય છે તો વડીલોના ખૂબ અનુભવ હોય છે. આ ઊર્જા અને અનુભવના સમન્વયથી જ બાળકોમાં સારા સંસ્કારો સીંચી શકાય છે.\"