Dhairya Gajara, Kutch: આમ તો કચ્છ મોટે ભાગે ગ્રામીણપ્રદેશ હોવાથી મોટા શહેરો જેવી આધુનિકતા અહીં જોવા નથી મળતી પણ છતાંય અહીંના લોકોએ દરેક ક્ષેત્રે તરક્કી કરી છે. આજે કચ્છીઓ ધરતી પરના દરેક ક્ષેત્રે આગળ છે તો તેમણે અવકાશને (Astronomy) પણ મૂક્યું નથી. કચ્છમાં ધીમે ધીમે ખગોળવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકોની (Astronomers) સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને તેનો શ્રેય જાય છે કચ્છની સ્ટારગેઝિંગ સંસ્થાને (Stargazing India). કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોર (Narendra Gor) દ્વારા સ્થપાયેલી આ સંસ્થા દ્વારા લોકોને અંતરિક્ષ મુદ્દે માહિતગાર કરવામાં આવે છે અને વિવિધ કેમ્પ યોજી આકાશ દર્શન (Star Gazing) જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
1991માં કચ્છમાં એમેચ્યોર એસ્ટ્રોનોમી ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. આ ક્લબ દ્વારા આકાશ દર્શન કરી ખગોળ પ્રવૃત્તિઓ પર ચર્ચા કરી તેનું જ્ઞાન મેળવવામાં આવતું હતું. આગળ જઈ આ કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમી ક્લબનું નામ બદલાવી તેને સ્ટારગેઝિંગ ઇન્ડિયા બનાવવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા સક્રિયપણે ખગોળ અને અવકાશ પ્રવૃત્તિઓ મુદ્દે સંશોધન અને લોકોને માહિતગાર કરવાની શરૂઆત કરી હતી.
સંસ્થાના સ્થાપક દ્વારા News18 સાથેની ખાસ વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે પહેલાના સમયમાં લોકો અવકાશ મુદ્દે ખૂબ માહિતી ધરાવતા હતા કારણ કે તેઓ માત્ર આકાશને નિહાળતા નહીં પરંતુ તેને સમજતા પણ. આજે લોકો માત્ર રોમાંચ માટે આકાશ દર્શન કરે છે જ્યારે કે તેને સમજવાનું પ્રયત્ન કરીએ તો પ્રકૃતિ વિશે અનેક રોચક તથ્યો જાણી શકાય છે.
સ્ટારગેઝિંગ દ્વારા ખગોળવિજ્ઞાન ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે શાળા કોલેજોમાં બાળકોને આકાશ દર્શન કરાવવું અને વિવિધ ખગોળ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવે છે. હર વર્ષે ઝીરો શેડો ડે એટલે કે શૂન્ય પડછાયા દિવસ નિમિતે શાળાઓમાં બાળકોને આ ઘટનાથી સાક્ષાત કરાવવામાં આવે છે.
તો શાળા કોલેજો ઉપરાંત, સંસ્થા દ્વારા સોસાયટીઓ, અને મોટા સમૂહો માટે પણ આકાશ દર્શનના કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ આકાશ દર્શન કરાવી તેના મુદ્દે માહિતી આપવામાં આવે છે. તો હર વર્ષે કચ્છના સફેદ રણ ખાતે યોજાતા રણોત્સવમાં પણ કેમ્પ યોજી દેશ વિદેશના પ્રવાસીઓને આકાશ દર્શન કરાવવામાં આવે છે.