પહેલા કૂવાના પાણીથી પીપડા ભરે અને બળદગાડા પર સમગ્ર શહેરમાં ફરી લોકોના ઘરો સુધી પાણી પહોંચાડતા હતા. આજે પણ આ પરંપરા જીવંત છે, પરંતુ મિનરલ વોટરના જમાનામાં આજે માત્ર બે જ લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે, જેમાંથી એક છે અશોકભાઈ જોશી...
કચ્છ: આજે સૌ કોઈ પોતાના ઘરે, ઓફિસે અને દુકાને પાણી માટે આર.ઓ. સિસ્ટમ વસાવી લેતા હોય છે અથવા તો મિનરલ પાણીની બોટલ મંગાવતા હોય છે, પરંતુ રાજાશાહી સમયમાં જ્યારે ન તો આ સુવિધા ઉપલબ્ધ હતી અને ન લોકોના ઘરોમાં નળ હતા, ત્યારે અનેક લોકો બળદ ગાડા પર કૂવાનું પાણી ઘેર ઘેર પહોંચાડવાનું કામ કરતા હતા. ઐતિહાસિક શહેર ભુજમાં આજે પણ આ પરંપરા લુપ્ત થઈ નથી અને ઘણા લોકો આજે પણ બળદ ગાડા પર આવતું પાણી ખરીદીને જ પીવે છે.
રાજાશાહી સમયમાં ભુજ શહેરમાં 22થી પણ વધારે કૂવા હતા, જેનો ઉપયોગ પીવાના પાણી માટે થતો હતો. અનેક પરિવારની મહિલાઓ પોતે કુવા પર પાણી ભરવા જતી તો બીજા પરિવારો ઘરે પાણી મંગાવતા હતા. લોકોના ઘર સુધી પાણી પહોંચાડવાનું કામ કરતા લોકોની સંખ્યા પણ ઘણી હતી, જે કૂવાના પાણીથી પીપડા ભરે અને બળદગાડા પર સમગ્ર શહેરમાં ફરી લોકોના ઘરો સુધી પાણી પહોંચાડતા હતા. આજે પણ આ પરંપરા જીવંત છે, પરંતુ મિનરલ વોટરના જમાનામાં આજે માત્ર બે જ લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે, જેમાંથી એક છે અશોકભાઈ જોશી.
પોતાના દાદાજીના સમયની વાતો યાદ કરતા અશોકભાઇએ જણાવ્યું હતું કે, તે સમયે 250થી વધારે લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા હતા પણ આજે માત્ર બે લોકો છે. તેમણે વધુમાં કહ્યું કે, મિનરલ પાણી કરતા આ પાણી ફાયદાકારક હોય છે એટલે જ અમારા ઘણા ગ્રાહકો ડોકટરની સલાહ લઈ અમારી પાસેથી પાણી મંગાવે છે. અનેક ધાર્મિક સ્થાનોમાં પણ પૂજાવિધિ માટે મિનરલ પાણી નહીં, આ બોરનું સાદું પાણી જ વપરાય છે.
અશોકભાઈ આજે પોતે 60 વર્ષના છે અને તેમના દાદાએ પોતાના સમયમાં બળદ ગાડા પર ઘરોઘર પાણી વેંચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેમના દાદાજીના સમયમાં 250થી વધારે બળદ ગાડીઓ ભુજ શહેરમાં પીવાનું પાણી પહોંચાડતી હતી, પરંતુ આજે શહેરમાં માત્ર બે જ ગાડી આ કામ કરે છે. ભૂતકાળમાં આ લોકો કૂવાનું પાણી લોકોને આપતા હતા, પરંતુ આજે પાણીના કૂવા પણ નામશેષ થઈ જતાં હવે તેમને બોરમાંથી પાણી કાઢી આ કામ ચલાવવું પડે છે.
અશોકભાઈ રોજ સવારે 10 વાગ્યે પોતાના બળદને ગાડી સાથે બાંધી તેના પર 200 લીટરના બે પીપડા મૂકી બોર પર પાણી ભરવા જાય છે. 400 લીટર પાણી લઈ અશોકભાઈ તેમના બાંધેલા ગ્રાહકોના ઘરે, દુકાને અથવા ઓફિસે પહોંચાડે છે. આજે પણ મિનરલ પાણીના જમાનામાં અનેક લોકો આ પ્રાકૃતિક પાણી પીવાનું પસંદ કરે છે અને તે કારણે જ અશોકભાઈ રોજ બોર પરથી ત્રણ વખત ફેરા કરે છે.
અશોકભાઈ પોતે હવે નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ તેમના યુવાન પુત્ર હરીઓમે આ પરંપરાને જીવંત રાખ્યો છે. તેમના પરદાદાને પાણી ભરેલા એક આખા પીપળાના 15 પૈસા મળતા હતા અને આજે માત્ર 15 લિટરના ત્રણ રૂપિયા થઈ ગયા છે. પાણી પહોંચાડવાનું કામ કરતી આ ચોથી પેઢી છે પરંતુ હવે તેમને આશા નથી કે આવનારી પેઢી પણ આ પારંપરિક વ્યવસાયમાં જોડાશે કે નહીં.
હરિઓમભાઈએ જણાવ્યું હતું કે, મારા દાદાજીના સમયમાં આ કામ સારો ચાલતો હતો પરંતુ આજે આ પાણી પીવા વાળા લોકો ખૂબ ઓછા છે. પહેલા 200 લિટરનો પીપળો 15 પૈસામાં વેચાતો અને આજે એક ડબ્બાના 3 રૂપિયા છે છતાંય ખૂબ મુશ્કેલીથી રોજ 200 રૂપિયા કમાઈ શકાય છે.