Dhairya Gajara, Kutch: પશ્ચિમ કચ્છના એક પોલીસ સ્ટેશનમાં એક એવો વિચિત્ર બનાવ બન્યો કે ત્યાં બેઠેલી પોલીસ પણ જોતી રહી ગઈ. એક યુવક દારૂની થેલીઓ લઈ કચ્છના ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી દારૂની થેલીઓ પોલીસ સ્ટેશન ઓફિસર સામે ઠાલવી હતી. અસલમાં કચ્છના માંડવી તાલુકામાં આવેલાં શેરડી ગામના સરપંચ પુત્ર દ્વારા ગામમાં વેચાતા દારૂ મુદ્દે પોલીસ ઇન્સ્પેકટરને જાણ કર્યા છતાંય પોલીસ સ્થળ પર ન પહોંચતા યુવકે ન છૂટકે જનતા રેડ કરી એક યુવકને દેશી દારૂની થેલીઓ સાથે પકડી તેને પોલીસ સ્ટેશન ઢસડી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશ્યલ મીડિયા પર વારાલ થઈ થયો છે.
બનાવની વિગતો મુજબ આ વીડિયો બનાવનાર રમણીક ગરવા વ્યવસાયે વકીલ છે અને માંડવી તાલુકાની શેરડી ગંગાપર જૂથ ગ્રામ પંચાયતના સરપંચના પુત્ર છે. News18 સાથે વાત કર્યા રમણીક ભાઈએ જણાવ્યું હતું કે ગત વર્ષે ગ્રામ પંચાયતની ચુંટણી પહેલા જ રમણીક ભાઈ દ્વારા તેમના માતા જીતશે તો ગામમાં દારુ બંધ કરાવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. ચૂંટણી જીત્યા બાદ તેમના દ્વારા અનેક વખત આ મુદ્દે પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા છતાંય પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને ખુલ્લેઆમ બૂટલેગરો પાસેથી હપ્તા ઉગરવવામાં આવતા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
ગામમાં વધતા હતા દારૂના દૂષણને જોઈ રમણીકભાઈના માતાએ તેમને દારૂ બંધ કરાવવા અથવા પોતાનું રાજીનામું લખી આપવા કહેતા તેમણે ગઢશીશા પોલીસ મથકના ઇન્સ્પેક્ટરને દારૂ બંધ કરાવવા વિનંતી કરી હતી. મંગળવારે સાંજે નિત્યક્રમ મુજબ દારૂ વેચાતો હોય તેમણે પી.આઇ.ને ફોન પર જાણ કરતા પી.આઇ.એ સરકારી વાહન ન હોવાનો કારણ દર્શાવી સ્થળ પર આવ્યા ન હતા. તો આ સરપંચ પુત્રે પોતે જ જાણતા રેડ પાડી ત્યાંથી દારૂની 12 થી 15 થેલીઓ લઈ જતા એક શ્રમિકને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને સમગ્ર બનાવનો વિડિયો બનાવ્યો હતો.
રમણીક ગરવાએ જણાવ્યું હતું કે આ ઘટનાનો વીડિયો બનાવતા હોવાના કારણે પોલીસ સ્ટેશનમાં તેમનો ફોન ઝુંટવી લેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અને શ્રમિકનું અપહરણ કર્યું હોવાનું દર્શાવી ખોટો ગુનો નોંધવાની ધમકી પણ તેમને આપવામાં આવી હતી.