Dhairya Gajara, Kutch: કચ્છ ભૌગોલિક વૈવિધ્યતાનો ઉત્તમ ખજાનો સંગ્રહી બેઠો છે. અહીંના સફેદ રણથી તો હવે સૌકોઇ વાકેફ છે પરંતુ સફેદ રણથી નજીક આવેલો એક રસ્તો હવે એક પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યો છે. ખાવડાથી ધોળાવીરા સુધી બની રહેલો રસ્તો રણની વચ્ચેથી પસાર થાય છે. આ રસ્તાની બંને બાજુ અફાટ રણની વચ્ચેથી પસાર થઈ લોકો એક અનોખી અનુભૂતિ મેળવી રહ્યા છે અને આ રસ્તાને રોડ ટુ હેવન કહીને સંબોધી રહ્યા છે.
કચ્છના લખપત તાલુકાના ઘડુલીથી પાટણના સાંતલપુર તાલુકા સુધી 278 કિલોમીટરનો એક નેશનલ હાઇવે બની રહ્યો છે. આ ધોરીમાર્ગ કચ્છની ટુરિઝમ સર્કિટ અને છેવાડાના વિસ્તારોના વિકાસ માટે તો એક મહત્વપૂર્ણ માર્ગ સાબિત થશે જ પરંતુ છેલ્લા થોડા સમયથી આ રસ્તો ખુદ એક પ્રવાસન સ્થળ બન્યો છે. દેશ વિદેશથી આવતા લોકો ખાસ આ રસ્તો જોવા ભુજથી અંદાજે 96 કિલોમીટર દૂર આવેલા આ રસ્તાની સફર ખેડે છે.
ભુજ તાલુકાના ખાવડા ગામથી થઈને કાઢવાંઢ બાદ આ રસ્તો રણની વચ્ચેથી પસાર થાય છે. અફાટ રણ વચ્ચેથી પસાર થતો આ સીધો સળંગ રસ્તો જાણે રણ ચીરીને નીકળતું હોય તેવો આભાસ કરાવે છે. ચોમાસાના વરસાદ અને કચ્છની ઉત્તરી દરિયાઈ સીમમાંથી અંદર આવતા પાણીના વહેણના કારણે આ રણ પાણીથી ભરાઈ જાય છે. દૂર દૂર સુધી પાણીથી ભરાયેલા આ રણ વચ્ચે પસાર થતા પ્રવાસીઓ માટે રણ અને દરિયાનો ભેદ આ રસ્તો ભુલાવી દે છે. તો વળી જેમ જેમ શિયાળો આગળ ધપે અને રણમાં પાણી સુકવાનું શરૂ થાય તેમ અહીં મીઠાનો સ્તર જામી જાય છે.
રસ્તાની બંને બાજુ મીઠાનું શ્વેત રણ જોઈ કોઈ પણ વ્યક્તિ અહીં પોતાનો વાહન થોભી આ પ્રાકૃતિક સુંદરતા નિહાળવા બે ઘડી ઊભો રહી જ જાય છે. દૂર દૂર સુધી ફેલાયેલા આ શ્વેત રણને જોઈને સૌની આંખોને ટાઢક વળે છે અને આ પ્રાકૃતિક દૃષ્ટિ નિહાળવાથી મળતાં આનંદના કારણે જ લોકો આ રસ્તાને રોડ ટુ હેવન, એટલે કે સ્વર્ગનો રસ્તો કહેવા લાગ્યા છે.
હાલ આ રસ્તાનું કામ ચાલુ હોવાના કારણે આ રસ્તો જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે. પરંતુ એક વખત આ કામ શરૂ થઈ જાય ત્યાર બાદ ફરીથી પ્રવાસીઓ રોડ ટુ હેવન પહોંચી ધરતી પર સ્વર્ગની અનુભૂતિ કરી શકશે.