Home /News /kutchh /White Rann: સફેદ રણમાં મહેલને ટક્કર મારે તેવા ભુંગા મળશે ભાડે, જાણો તમામ માહિતી!

White Rann: સફેદ રણમાં મહેલને ટક્કર મારે તેવા ભુંગા મળશે ભાડે, જાણો તમામ માહિતી!

ભુંગા આકારના હોમ સ્ટે પ્રવાસીઓમાં હોટ ફેવરિટ

કચ્છના ખાસ પારંપરિક ભુંગા વાળા હોમ સ્ટે પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે ત્યારે લોકો પણ પ્રવાસીઓના મનોરંજન માટે સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે

    Dhairya Gajara, Kutch: રણોત્સવની શરૂઆત થતાં જ કચ્છમાં પ્રવાસન ફરી ધમધમી ઉઠ્યું છે. રણોત્સવના આ ચાર મહિનાઓમાં જ લાખો પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લેશે. તેવામાં હાલ સફેદ રણ આસપાસના બન્ની વિસ્તારના ગામડાઓમાં હોમ સ્ટેનું ચલણ વધ્યું છે. શહેરી વિસ્તારોમાં આવેલી હોટલો કરતા ઓછું ભાડું હોતાં પ્રવાસીઓ પણ હોમ સ્ટેનો લાભ લઇ કચ્છની સંસ્કૃતિને ખૂબ નજીકથી જાણવા લાગ્યા છે.

    છેલ્લા દોઢ દાયકામાં કચ્છમાં પ્રવાસન પૂરઝડપે વિકસ્યું છે. સફેદ રણ વિશ્વવિખ્યાત બનતા હવે દેશ દુનિયામાંથી લોકો આ મીઠાનું રણ જોવા કચ્છ પધારી રહ્યા છે. પ્રવાસન વિકસતા કચ્છમાં અનેક વ્યવસાયો પણ ખીલી ઉઠ્યા છે, જેમાં હોટેલ વ્યવસાયને પણ ખૂબ ફાયદો થયો છે. આ દોઢ દાયકામાં કચ્છના મુખ્ય શહેરો ઉપરાંત પ્રવાસન સ્થળો આસપાસના ગામોમાં પણ હવે હોટેલ અને રિસોર્ટ ઊભા થઈ ગયા છે.



    જો કે આ હોટેલ અને રિસોર્ટની ધમધમાટ વચ્ચે હવે કચ્છમાં હોમ સ્ટે પણ ખીલી રહ્યું છે. લોકો પોતાના ઘરમાં અથવા તો પોતાની માલિકીના ખાલી ઘરમાં આવા પ્રવાસીઓને આવકારી તેમને અનેક સુવિધાઓ પૂરી પાડે છે. શહેરોમાં આવેલા હોટેલ રિસોર્ટ કરતા આ હોમ સ્ટેનું ભાડું ઓછું હોતાં પ્રવાસીઓ પણ હોમ સ્ટેને વધારે પસંદ કરી રહ્યા છે.



    તો સાથે જ આવા હોમ સ્ટેમાં રહી લોકો કચ્છની ગ્રામીણ સંસ્કૃતિ તેમજ કચ્છનું પારંપરિક ભોજન કચ્છી ભાણું પણ માણે છે. તો સાથે જ લોકોના મનોરંજન માટે કચ્છી સંગીત અને અન્ય પારંપરિક પ્રોગ્રામમાં પણ આયોજન કરવામાં આવે છે. આ હોમ સ્ટેનું ભાડું સીઝન મુજબ બદલતું રહે છે અને 6 હજાર સુધી પહોંચે છે.


    ગુજરાત ટુરિઝમમાં રજીસ્ટર થયેલા હોય તેવા 15 હોમ સ્ટે કચ્છમાં ધમધમી રહ્યા છે. ગુજરાતમાં ગીર સોમનાથ બાદ સૌથી વધારે હોમ સ્ટે કચ્છ જિલ્લામાં રજીસ્ટર થયેલા છે. કચ્છના 15 હોમ સ્ટેમાંથી ચાર સફેદ રણ થકી પ્રખ્યાત થયેલા બન્ની વિસ્તારમાં આવેલા છે. આ ચારેય હોમ સ્ટે કચ્છના પરંપરાગત ભુંગા આકારમાં હોતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. તો બન્ની ઉપરાંત કુકમા અને માધાપર ખાતે પણ લોકો ભુંગા બનાવી હોમ સ્ટે ચલાવી રહ્યા છે.


    આ 15 હોમ સ્ટેમાં વિવિધ પ્રકારના રૂમ પ્રવાસીઓને મળે છે તેમજ દરેક હોમ સ્ટેની સુવિધાઓમાં પણ અંતર રહે છે. કચ્છના 15 હોમ સ્ટે ગુજરાત પ્રવાસન મુજબ સિલ્વર તેમજ ગોલ્ડ કેટેગરીમાં આવે છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં આ 15 સિવાય પણ અનેક હોમ સ્ટે ઠેર ઠેર ચાલી રહ્યા છે પરંતુ લોકોએ તેનું રજીસ્ટ્રેશન પ્રવાસન વિભાગમાં કરાવ્યું નથી. તો અનેક લોકો પોતાના હોમ સ્ટેને પ્રવાસન વિભાગ સાથે રજીસ્ટર કરાવ્યા બાદ બીજા વર્ષે રીન્યુ કરતા નથી.


    કચ્છમાં આવેલા હોમ સ્ટેની તમામ માહિતી ગુજરાત પ્રવાસનની વેબસાઈટ https://www.gujarattourism.com/accommodation/homestay.html પર ઉપલબ્ધ છે. લોકો તેના પર દરેક હોમ સ્ટેનું સ્થળ જાણી તેના ફોટા જોઈ, સાથે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકે છે.


    તો કચ્છમાં રહેતા લોકો પણ પોતાનું મકાન હોમ સ્ટે માટે રજીસ્ટર કરવા પ્રવાસન વિભાગની વેબસાઈટ https://tcglhomestay.aparc.org/HomeStayPolicy પર જરૂરી આધાર પુરાવા આપી તેનું ફોર્મ ભરી શકે છે. તો ફોર્મ ભરવામાં કોઈ પણ મુશ્કેલી પડતા 9909907769 અથવા 07948970158 પર સંપર્ક કરી શકે છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Kutch

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन