Dhairya Gajara, Kutch: રાજ્યમાં દોડતી એસ.ટી. બસોમાં વિવિધ પ્રકારના લોકો માટે સીટો આરક્ષિત કરવામાં આવે છે. વિકલાંગ તેમજ મહિલાઓ માટે પણ ખાસ સીટો ફાળવવામાં આવતી હોય છે. ત્યારે દરેક બસમાં એક સીટ ધારાસભ્ય માટે પણ રિઝર્વ રાખવામાં આવે છે. જો કે, તેને જોઈને દરેકને મનમાં એક જ સવાલ આવે કે ધારાસભ્ય જેવું પદ ધરાવતી વ્યક્તિ બસમાં બેસતા ન હોઈ આ આરક્ષણ ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે. પરંતુ હાલમાં જ ચુંટાયેલા નવા ધારાસભ્યોમાંથી એક ધારાસભ્ય એવા છે જે આ સીટનો ઉપયોગ કરી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને અનેક નવા ઉમેદવારો આ વખતે ધારાસભ્ય બન્યા છે. દરેક ધારાસભ્યની પોતાની એક આગવી છાપ અને ઓળખ હોય છે. અનેક ધારાસભ્યો ફોજદારી ગુનાઓમાં સંડોવાયેલા છે તો સામે અનેક નેતાઓ પ્રમાણિક હોવાની છાપ ધરાવે છે. ગુજરાત વિધાનસભાની ચોથા ક્રમાંકની અંજાર બેઠક પર ચુંટાયેલા ધારાસભ્ય ત્રિકમ છાંગા પણ પોતાની સાદી રહેણી કરણી અને પ્રામાણિકતા માટે જાણીતા છે.
ત્રિકમ છાંગાની કારકિર્દીની વાત કરીએ તો મૂળ તેઓ એક શિક્ષક છે અને પોતાની 34 વર્ષની કારકિર્દીમાં આચાર્ય સુધીની સફર ખેડી હતી જે કારણે તેઓ ત્રિકમ માસ્તર તરીકે જાણીતા થયા. તો 2000માં તાલુકા પંચાયતમાં ચુંટાઈ 10 વર્ષ સુધી વિપક્ષી નેતા રહ્યા અને 2010માં જિલ્લા પંચાયતમાં વિજયી થતા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખના કાર્યકાળ દરમિયાન તેમની એક રસપ્રદ વાત પર ધ્યાન આપીએ તો જિલ્લાના પ્રથમ નાગરિક બન્યા બાદ પણ તેમની રહેણી કરણી સામાન્ય જ રહી હતી. જિલ્લા પંચાયત પ્રમુખને પોતાના માટે એક સેવન સીટર સરકારી ગાડી આપવામાં આવે છે પરંતુ તેમણે મોટેભાગે તે વાહન વાપરવાનું ટાળ્યું હતું. પોતાના રહેઠાણ રતનાલથી રોજ એસ.ટી. બસ વડે ભુજ આવજાવ કરતા તો વળી બસ સ્ટેશનથી જિલ્લા પંચાયત સુધી પણ પગપાળા જ આવજાવ કરતા. તેમની આ આદતના કારણે હવે કહી શકાય કે ધારાસભ્ય બન્યા બાદ તેઓ એસ.ટી.માં ધારાસભ્ય માટેની આરક્ષિત સીટનો વપરાશ કરે તેવું લાગે છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી માટે તેમણે જાહેર કરેલી પોતાની મિલકતમાં પણ હાથ પરની રોકડ, બેંકની એફ.ડી., એક ગાડી અને દાગીના સહિત તેમની કુલ મિલકત રૂ. 67.95 લાખ છે અને તેમના પત્નીની રૂ. 4.42 લાખ છે.