Home /News /kutchh /Kutch: બંગાળી પરિવાર દ્વારા આ વર્ષે દુર્ગા પુજાનું કરાયું ખાસ આયોજન, શું છે આ વખતની થીમ?

Kutch: બંગાળી પરિવાર દ્વારા આ વર્ષે દુર્ગા પુજાનું કરાયું ખાસ આયોજન, શું છે આ વખતની થીમ?

કચ્છમાં બંગાળી પરિવાર દ્વારા દુર્ગાપુજાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે

ગાંધીધામ બંગાળી એસોસિયેશન દ્વારા દુર્ગા પૂજા માટે હર વર્ષે એક નવા સ્થાની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે કચ્છના પ્રવાસન સ્થળોમાં શિરમોર એવા વિજય વિલાસ પેલેસની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે

    Dhairya Gajara, Kutch:  નવરાત્રીમાં જે રીતે કચ્છમાં લોકો માં આશાપુરાની આરાધના કરે છે તે જ રીતે દેશના સામે ખૂણે પશ્ચિમ બંગાળમાં માં દુર્ગાની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. પશ્ચિમ બંગાળના અનેક પરિવારો દાયકાઓથી કચ્છમાં વસેલા છે ત્યારે ભુજ અને ગાંધીધામમાં ભવ્ય દુર્ગા પૂજા યોજવામાં આવે છે. તેમાં પણ આ વર્ષે તો ગાંધીધામ બંગાળી એસોસિયેશન દ્વારા વિશ્વવિખ્યાત માંડવીના વિજય વિલાસ પેલેસ ની પ્રતિકૃતિ વાળું પંડાલ તૈયાર કર્યું છે.


    ગુજરાતમાં નવરાત્રી સમયે ગરબાનું જે મહત્વ છે એટલું જ મહત્વ પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું છે. પશ્ચિમ બંગાળમાં એક થી બે મહિના અગાઉથી જ દુર્ગા પૂજા માટે વિશાળ પંડાલ બનાવવાની શરૂઆત થાય છે અને દરેક સ્થળે પંડાલને વિશેષ બનાવવા જાણીતા સ્થળોની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પૂર્વ કચ્છના મુખ્ય મતાહક ગાંધીધામમાં બંગાળી એસોસિયેશન દ્વારા માંડવીના પ્રખ્યાત એવા વિજય વિલાસ પેલેસની પ્રતિકૃતિ ધરાવતું પંડાલ ઊભું કરાયું છે. મૂળ પશ્ચિમ બંગાળ અને કચ્છમાં આવીને વસેલા પરિવારો છેલ્લા 48 વર્ષથી ગાંધીધામમાં દુર્ગા પૂજા મનાવે છે. અગાઉ શહેરના સરદાર પટેલ ટાઉન હોલ બાદ બંગાળી એસોસિયેશન દ્વારા ગાયત્રી મંદિર પાસે પોતાની સમાજવાડી બનાવવામાં આવતા છેલ્લા 35 વર્ષથી દુર્ગા પૂજાની ઉજવણી તેમની દુર્ગા વાડીમાં કરવામાં આવે છે.



    બંગાળી એસોસિયેશન કચ્છ ગાંધીધામના પૂર્વ પ્રમુખ અને પંડાલના આર્કિટેક્ટ અશોક કુમાર રક્ષિતે News18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે, \"48 વર્ષથી ચાલી આવતી આ પરંપરામાં અમે હર વર્ષે કંઇક નવું કરીએ છીએ. પરંતુ આજ સુધી કચ્છના કોઈ સ્થળની પ્રતિકૃતિ બનાવી ન હતી. તે માટે અમને વિચાર આવ્યું કે આ વર્ષે કચ્છના કોઈ પ્રસિદ્ધ સ્થળની પ્રતિકૃતિ બનાવીએ અને તેમાં માંડવીના વિજય વિલાસ પેલેસનું નામ નક્કી થયું. ઉલ્લેખનીય છે કે ગાંધીધામ ખાતે એસોસિયેશન દ્વારા હર વર્ષે એસોસિયેશન નવી નવી જગ્યાઓની પ્રતિકૃતિ બનાવી પંડાલ ઉભુ કરે છે. આ પહેલા જગન્નાથ પૂરી મંદિર, બેલુર મઠ, અમદાવાદ સ્વામીનારાયણ મંદિર ઉપરાંત 2019માં અયોધ્યાના રામમંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી, જેના 45 દિવસ બાદ જ રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.


    આ પ્રકારના પંડાલ બનાવવા માટે ખાસ કોલકાતાથી કારીગરો અને મજૂરોને લઈ આવવામાં આવે છે અને 40 દિવસની મહેનત બાદ આ પંડાલ તૈયાર થાય છે. તો વળી તેના માટેની શણગાર અને લાઈટ સામગ્રી પણ ખાસ કોલકાતાથી મંગાવે છે. આ ભવ્ય પંડાલમાં ઉત્સાહભેર સ્થાપિત કરવામાં આવતી માં દુર્ગાની મૂર્તિ બનાવવા ખાસ કોલકાતાથી કારીગર આવે છે જે રાજકોટમાં મૂર્તિ બનાવે છે. પાંચમના શરૂ થયેલા આ મહોત્સવમાં આજે આઠમના દુર્ગા પૂજા કરવામાં આવી હતી અને દશેરાના પૂજા બાદ પારંપરિક સિંદૂર ખેલા ઉત્સવ મનાવવામાં આવે છે જેમાં માતાજીને સિંદૂર લગાડી શણગાર કર્યા બાદ સૌ કોઈ એકબીજાને સિંદૂર લગાડે છે અને માતાજીને વિદાય આપી કંડલા ક્રીક ખાતે મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. ગાંધીધામની દુર્ગા પૂજા અને પંડાલ જોવા લોકો કચ્છભરમાંથી પધારે છે.
    First published:

    Tags: Durga puja, Kutch

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन