Dhairya Gajara, Kutch: સમગ્ર વિશ્વમાં નવા વર્ષનું સ્વાગત ધામધૂમથી ઉજવણી કરીને કરવામાં આવે છે. ત્યારે વિશ્વભરમાં પ્રખ્યાત થયેલા કચ્છના સફેદ રણમાં પણ પ્રવાસીઓ આવનારા વર્ષ 2023નું ધમાકેદાર સ્વાગત કરી શકે તે માટે રણોત્સવની ટેન્ટ સિટીમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રવાસીઓ ચંદ્રની સપાટી સમા સફેદ રણમાં ચંદ્રના અજવાસમાં બેન્ડ અને ડીજેના તાલ પર મન મૂકીને નાચી નવા વર્ષનું સ્વાગત કરશે.
છેલ્લા બે દાયકામાં કચ્છનું સફેદ રણે વિશ્વભરમાં લોકોના પ્રવાસન બકેટ લીસ્ટમાં એક મહત્વનું સ્થળ બન્યું છે. હર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીના ચાર મહિનાના રણોત્સવમાં જ લાખો પ્રવાસીઓ આ સફેદ રણની મુલાકાત લઈ કચ્છની ભૌગોલિક અને સાંસ્કૃતિક સુંદરતાના સાક્ષી બને છે. તો આ ચાર મહિના દરમિયાન આવતા અનેક તહેવારો માટે પણ આ રણોત્સવની ટેન્ટ સિટીમાં વિશેષ આયોજન કરવામાં આવે છે.
આ ચાર મહિનામાં પ્રવાસીઓનો સૌથી વધારે ધસારો નાતાલના વેકેશનમાં હોય છે. આ વર્ષે પણ નાતાલ, ન્યુ યર અને ત્યારબાદ આવતા ઉત્તરાયણ માટે ટેન્ટ સિટીમાં બુકિંગ ફૂલ થયું છે. તો તેની વચ્ચે આવતી ફૂલ મૂન નાઈટના ત્રણ દિવસોમાં પણ બુકિંગ ફૂલ થયું છે. ત્યારે રણોત્સવની ટેન્ટ સિટીમાં આ પ્રવાસીઓના ધસારાને મનોરંજન પૂરું પાડવા પણ વિશેષ આયોજન કરવામાં આવે છે.
નવા વર્ષનું સ્વાગત કરવા ટેન્ટ સિટીમાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ ખાસ બેન્ડ બોલાવવામાં આવી છે. ટેન્ટ સિટીમાં રોકાયેલા પ્રવાસીઓ મધરાતે સંગીતના તાલે નવા વર્ષનું સ્વાગત કરશે. તો દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓએ પણ કચ્છની મુલાકાત લઈ અહીંની સંસ્કૃતિ, પ્રકૃતિ અને હસ્તકળા કારીગરી નિહાળી પોતનું અનુભવ વર્ણવ્યું હતું. સાથે જ થર્ટી ફર્સ્ટ નાઈટ માટેના વિશેષ આયોજન જાણી ઉત્સુકતા દર્શાવી હતી.