Dhairya Gajara, Kutch: કચ્છનું નિર્જન રણ રણોત્સવ થકી છેલ્લા દોઢ દાયકામાં પ્રવાસનના શ્રેષ્ઠ નમૂના તરીકે વિકસ્યો છે. ફક્ત ત્રણ દિવસના આયોજનથી શરૂ થયેલો રણોત્સવ હવે ચાર મહિના સુધી યોજાય છે અને દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ આ રણ ઉત્સવ દરમિયાન સફેદ રણનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા આવે છે.
કોરોના મહામારીના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધો દૂર કરાયા બાદ ગત વર્ષે પણ પ્રવાસીઓનો ધસારો થોડો ઓછો રહ્યો હતો પરંતુ આ વર્ષે રણોત્સવમાં તેની અસલ રોનક દેખાઈ હતી. સમગ્ર સીઝન દરમિયાન બે લાખ જેટલા પ્રવાસીઓએ આ સફેદ રણની મુલાકાત લીધી હતી.
નવેમ્બર મહિનાથી શરૂ થયેલા રણોત્સવમાં આ વર્ષે શરૂઆતથી જ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. વિવિધ તહેવારો ઉપરાંત ન્યુ યર અને હર મહિને ફૂલ મૂન નાઈટ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓએ સફેદ રણ અને ટેન્ટ સિટીની મુલાકાત લીધી હતી. ભુજ ગ્રામ્ય મામલતદાર કચેરી દ્વારા ઈશ્યુ કરવામાં આવતી સફેદ રણની પરમીટ મુજબ આ ચાર મહિના દરમિયાન કુલ 1,94,663 પ્રવાસીઓએ આ સફેદ રણની મુલાકાત લીધી હતી. 1.94 લાખ પ્રવાસીઓ ઉપરાંત 34,976 ગાડીઓના પાસ પણ ઈશ્યુ થતાં તંત્રની રૂ. 2 કરોડથી વધારેની આવક થઈ હતી.
આ વર્ષ રણોત્સવ માટે પણ એક સુવર્ણ વર્ષ હતો. પ્રવાસીઓની અસલ રોનક પછી આવવા સાથે આંતરાષ્ટ્રીય G20 સમીટનું પણ આ સફેદ રણમાં આવ્યોજન થયું હતું. વિશ્વના વિવિધ દેશોના પ્રતનિધીઓને આ સફેદ રણે પોતાની સુંદરતાથી મોહી લીધા હતા. તો આરબીઆઈ ગવર્નર અને દેશના ઉપરાષ્ટ્રપતિએ પણ આ વર્ષે સફેદ રણની મુલાકાત લીધી હતી.