Dhairya Gajara, Kutch: કચ્છના સફેદ રણમાં રણોત્સવ શરૂ થતાં જ કુત્વમાં પ્રવાસીઓનો ધસારો શરૂ થયો છે. તેવામાં સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં પણ ફરવા લાયક સ્થળોની મુલાકાત લે છે. રાજાશાહીમાં કચ્છ રાજ્યની રાજધાની ભુજના રાજમહેલો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે. તેવામાં અહીંનું પ્રથમ રાજમહેલ એટલે કે પ્રાગમહેલ માત્ર પ્રવાસીઓને નહીં પરંતુ ફિલ્મ નિર્માતાઓને પણ આકર્ષે છે.
કચ્છનો રાજવંશ જાડેજા કુળનું હતું અને આ રાજવંશ સિંધથી અહીં આવ્યું હતું. 1510 થી લઈને 1948 સુધી જાડેજા રાજવંશે કચ્છ પર શાસન કર્યું હતું. અગાઉ કચ્છની રાજધાની લાખીયારવિરા હતી જેને ભુજ ખસેડવામાં આવતા અહીં દરબાર ગઢની સ્થાપના કરવામાં આવી હતી. દરબાર ગઢ એટલે એક એવી જગ્યા જ્યાં રાજપરિવારનું નિવાસ સ્થાન હતું અને સાથે જ રાજપાઠના કામ પણ ચાલતા.
1865માં મહારાવ પ્રાગમલજી બીજાએ આ દરબાર ગઢમાં પ્રાગ મહેલની સ્થાપના કરી. આ રાજમહેલ ની બનાવટ ઇટાલિયન ગોથિક સ્ટાઈલમાં હોવાના કારણે માત્ર પ્રવાસીઓ જ નહીં પરંતુ તેનું આર્કિટેક્ચર જોવા દેશ વિદેશથી આર્કિટેક્ટ્સ અને આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ પણ આની મુલાકાત લે છે. વિલ્કીન્સ નામના અંગ્રેજ ઇજનેરે આ ત્રણ માળનું મહેલ બનાવ્યું હતું જેમાં નીચેના ભાગે રાજ કચેરી હતી, બીજા માળ પર દરબાર હોલ અને ત્રીજા માળ પર રાજપરિવારનું નિવાસ સ્થાન હતું.
આ પ્રાગ મહેલ રાજાશાહી સમયે અનેકગણું મહત્વ ધરાવતું હતું. રાજપરિવારનું નિવાસ પણ અહીં હતું, રાજપાઠ માટે દરબાર હોલ પણ અહીં હતું અને સાથે જ રાજપરિવારના કુળદેવી મહામાયા માતાજીનો મંદિર પણ અહીં પ્રાગ મહેલ ખાતે આવેલા ટીલામેડી મધ્યે આવેલું છે. નવરાત્રી સમયે માતાના મઢ મંદિરમાં થતી પત્રી વિધિ માટેની ચામર પૂજા આ ટીલા મેડી ખાતે કરવાની પ્રથા છે, તો નાગ પાંચમના દિવસે અહીંથી ભુજીયા ડુંગર સુધી યાત્રા નીકળતી જેને જોવા સમગ્ર શહેર જોડાતું.
હાલ આ મહેલના બીજા અને ત્રીજા માળને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મહેલના બીજા માળ પર દરબાર હોલમાં રાજાશાહી સમયની રાજા અને તેના દરબારની બેઠક વ્યવસ્થા હજુ પણ તે જ રીતે ગોઠવવામાં આવી છે. તો સાથે જ તે સમય રાજપરિવાર દ્વારા વપરાતી વિવિધ વસ્તુઓ, રાજપરિવારની તસવીરો, ગાડાઓ વગેરે અહીં પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.
તો ત્રીજા માળ પર એક ખુલ્લી અગાશી ઉપર લોકો જઈ શકે છે જ્યાંથી સમગ્ર ભુજનો નજારો માણી શકાય. અહીં જ રાજાશાહી સમયનું એક મોટું જર્મનીમાં બનેલું ઘડિયાળ પણ આવેલું છે જેનો ડંકો આખા શહેરમાં સંભળાતું. પરંતુ આ ઘડિયાળ બંધ થયા બાદ છેક જર્મનીથી કારીગરો બોલાવ્યા છતાં પણ ચાલુ થયું ન હોતાં હજુ બંધ હાલતમાં છે.
આ પ્રાગ મહેલ માત્ર પ્રવાસીઓ જ નહીં પરંતુ ફિલ્મ નિર્માતાઓ માટે પણ એક પસંદીદા સ્થળ છે. ઢગલાબંધ ગુજરાતી ફિલ્મો ઉપરાંત લગાન અને હમ દિલ દે ચૂકે સનમ જેવી બોલીવુડ ફિલ્મોનું પણ અહીં શૂટિંગ કરવામાં આવ્યું છે.