Dhairya Gajara, Kutch: ધનિક લોકોને પોતાનો જન્મદિવસ અથવા કોઈ પણ પ્રસંગ ભવ્યતાથી ઉજવતા તો આપણે સૌકોઈએ જોયું હશે. પણ શું એક પૈસાની ગરીબ પણ મનની અમીર વ્યક્તિને ભવ્ય રીતે જન્મદિવસ ઉજવતા જોયું છે? ભુજમાં વર્ષોથી હાથગાડી પર જાહેરાત કરતા સુરેશભાઈએ રસ્તે જતા સૌકોઇને એક અનોખું મસાલા પતંગ નાસ્તો કરાવી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આમ તો સુરેશભાઈ પોતે શ્રમજીવી છે પણ પાંડવો અને કૌરવોની મદદથી આવી સેવાકીય પ્રવૃત્તિ કરતાં હોવાનું જણાવે છે.
છેલ્લા અનેક વર્ષોથી ભુજના હમીરસર તળાવ પાસે આવેલા હનુમાનજીના મંદિરમાં રહેતા સુરેશ સાધુ હાથગાડી પર વ્યવસાયોની જાહેરાત કરી પોતાની રોજીરોટી કમાવે છે. ભુજના રસ્તાઓ પર ગીત વગાડતી હાથગાડી લઈને રંગબેરંગી વાળ દાઢી વાળા સુરેશભાઈને હવે લોકો જોકરના નામે ઓળખતા થયા છે. આ વ્યક્તિ માત્ર પોતાના વેશ માટે જ નહીં પરંતુ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ પ્રખ્યાત છે. પોતે જાહેરાત કરવા સમગ્ર શહેર ફરી ઊભી કરતા આવકને વિવિધ રીતે લોકોની સેવામાં ખર્ચ કરે છે.
પોતાના જન્મદિવસે પણ લોકોની સેવા કરી એક અનોખી રીતે ઉજવણી કરવાના ઉદ્દેશ્યથી સુરેશભાઈએ હમીરસર તળાવના કિનારે પૂરો દિવસ લોકોને એક વિશેષ નાસ્તો કરાવ્યો હતો. 22 પ્રકારના લોટથી બનાવાયેલા મસાલા પતંગ અને પિત્ઝા સુરેશભાઈએ પોતે બનાવી સમગ્ર દિવસ દરમિયાન રસ્તે જતા સૌકોઇને ખવડાવી અનોખી ઉજવણી કરી હતી. હમીરસર તળાવ આસપાસ ફરતા અને ત્યાં જ રહેતા અનેક ગરીબ પરિવારોએ નાસ્તાની મોજ માણી સુરેશભાઈનો જન્મદિવસ ઉજવ્યો હતો.
સુરેશભાઈ પોતે તો નિર્ધન છે પરંતુ પાંચ પાંડવો અને સો કૌરવોની મદદથી તેઓ સેવાકાર્યો કરે છે તેવું તે જણાવે છે. પાંચ પાંડવો એટલે કે ભુજ, માધાપર, મિરઝાપર, સુખપર અને માનકુવા ગામોના વેપારીઓ અને અન્ય લોકો તેમને વખતે ને વખતે દાન આપતા રહે છે. તો 100 કૌરવો એટલે કે બીજા અન્ય લોકો પણ છે જેમના દાનથી સુરેશભાઈ આ સેવાકીય પ્રવૃતિઓ કરે છે. પોતાના જન્મદિવસે તેમણે હમીરસર તળાવ સામે પેન્શનર્સ ઓટલા પર વાવેલા ઝાડને પણ આ પાંચ પાંડવોના નામ આપ્યા હતા. તો હવે સુરેશભાઈની ઈચ્છા છે કે તેમને છઠ્ઠો પાંડવ એટલે કે કર્ણ મળે અને ગરીબોને ચાંદીના કપમાં ચા પીવડાવવાની તેમની ઈચ્છા પૂરી થાય.