Home /News /kutchh /કચ્છ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ લોકાર્પણ : કોઈને આ હોસ્પિટલમાં આવવું જ ન પડે તેવી PM મોદીએ ઈચ્છા દર્શાવી
કચ્છ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ લોકાર્પણ : કોઈને આ હોસ્પિટલમાં આવવું જ ન પડે તેવી PM મોદીએ ઈચ્છા દર્શાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતેથી હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કર્યું હતું
કચ્છની સર્વપ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યૂલી થયું હતું જ્યારે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ભુજ ખાતે હાજર રહ્યા હતા.
Kutch: શુક્રવારે કચ્છની સર્વપ્રથમ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલનું (Kutch Super Speciality Hospital) ઇ-લોકાર્પણ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે આ હોસ્પિટલમાં કોઈ આવે જ નહીં અને આ હોસ્પિટલ હંમેશા ખાલી જ રહે. કચ્છી લેવા પટેલ સમાજ (Kutchi Leva Patel Community) દ્વારા બનાવાયેલી આ અદ્યતન હોસ્પિટલના લોકાર્પણ સમારોહ દરમ્યાન વડાપ્રધાને લોકોને સ્વાસ્થ્ય જાળવવા આહવાન કર્યા હતા જેથી લોકોને હોસ્પિટલ જવું પડે નહીં.
કચ્છમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના અભાવે લોકોને અવાર નવાર અમદાવાદ અને રાજકોટ સુધી લાંબુ થવું પડતું હતું. ત્યારે કચ્છી લેવા પટેલ સમાજે આ બીડું ઉઠાવ્યું હતું. અને બે વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું. બે વર્ષની અંદર દેશ વિદેશમાં વસી રહેલા કચ્છી લેવા પટેલ સમાજના હજારો લોકોએ દાન આપી રૂ. 150 કરોડના ખર્ચે અત્યાધુનિક હોસ્પિટલ ઊભી કરી હતી.
ઓનકૉલોજી, યૂરોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયાક તેમજ ટ્રોમા સેન્ટરની સુવિધાઓ આપતી આ હોસ્પિટલનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચયુલી જોડાયા હતા. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે વડાપ્રધાને કચ્છના 2001ના વિનાશકારી ભૂકંપને યાદ કરતા કહ્યું હતું કે હવે કચ્છ ભૂકંપના વિનાશને પાછળ મૂકી પોતાનું ભાગ્ય લખી રહ્યું છે. તો આ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના કારણે અનેક ગરીબ લોકોને સારવાર માટે ખર્ચની ચિંતાથી મુક્તિ મળશે. તો સાથે જ લેવા પટેલ સમાજના આ કાર્યની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું હતું કે સમાજ પ્રત્યે નિષ્ઠા ભાવ અને સંવેદના થકી આજે કચ્છનો "ક" કર્તુત્વનો "ક" બન્યો છે.
તો વડાપ્રધાને ઈચ્છા દર્શાવી હતી કે દેશના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજનું નિર્માણ થાય જે થકી આવનારા દિવસોમાં રેકોર્ડ નંબરમાં ડોકટર મળી રહે. સરકારની કામગીરી મુદ્દે પણ વાત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે બે દાયકા પહેલાં કચ્છમાં માત્ર નવ મેડિકલ કોલેજોમાં 1100 સાઈટ હતી જ્યારે કે અત્યારે રાજ્યમાં બે ડઝનથી વધારે મેડિકલ કોલેજો આવેલી છે અને દર વર્ષે છ હજાર ડોકટરો મળે છે.
તો કે. કે. પટેલ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ મુદ્દે વાત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે આ હોસ્પિટલ કચ્છના લોકોને ઉત્તમ સારવાર પૂરી પાડશે. પણ સાથે જ ઈચ્છા દર્શાવી હતી કે જો લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તો લોકોને હોસ્પિટલ જવું જ ન પડે. આ માટે યોગ કરવાની સલાહ પણ વડાપ્રધાને લોકોને આપી હતી.