કચ્છના રણમાં આવેલા આ માડક બેટ પર આકાર આપવામાં આવેલા અકીકના પથ્થરો આજે પણ જોવા મળે છે. ભૂસ્તરશાસ્ત્રીય કહે છે કે પાંચ હજાર વર્ષ પહેલાં ધોળાવીરાના લોકો આ પથ્થરને આકાર આપતા હતા.
Dhairya Gajara, Kutch: હાલમાં જ G20 સમીટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુલ મેક્રોન, સિંગાપોરના વડાપ્રધાન લી સીન લુંગ અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલઝને અકીકના પથ્થરથી બનેલી કટોરી ભેટમાં આપી છે. ખૂબ ઓછા લોકોને જાણ છે કે અકીક નામનું આ સેમી પ્રેશિયસ પદાર્થ કચ્છના વિવિધ વિસ્તારોમાં મોટી માત્રામાં મળી આવે છે. તો તેનો સંબંધ પાંચ હજાર વર્ષ પહેલાંની હડપ્પન સંસ્કૃતિ સાથે પણ છે.
અકીક નામનું આ પદાર્થ વોલકેનિક પત્થરમાંથી બને છે. વોલ્કેનો જ્યારે બહાર નીકળીને ઠંડું પડે છે ત્યારે તેની અંદરના વોલેટાઇલસ, એટલે કે સિલિકાનું પાણી અથવા તો ફ્લોરાઈડનું પાણી, અને ગેસ જામી જાય છે અને તે અકીકમાં રૂપાંતર થાય છે. કચ્છના અનેક વિસ્તારોમાંથી અકીક મળી આવે છે. ભુવડ, આંતરજાળ, ખેડોઈ, ડગાળા જેવી સાઇટ ઉપરથી અકીક મળી આવ્યું છે. તો કચ્છના નાના રણમાં ખડીર પાસે આવેલા 12 કિલોમીટર લાંબા અને 1.5 કિલોમીટર પહોળા બેટ આસપાસ આજે પણ મોટા મોટા અકીકના પથ્થર સપાટી પર તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળે છે.
કચ્છના રણમાં આવેલા આ માડક બેટ પર આકાર આપવામાં આવેલા અકીકના પથ્થરો આજે પણ જોવા મળે છે. ભૂસ્તરશાસ્ત્રીય કહે છે કે પાંચ હજાર વર્ષ પહેલાં ધોળાવીરાના લોકો આ પથ્થરને આકાર આપતા હતા. તે સમયે અહીં 4 થી 5 જેટલી ફેકટરીઓમાં અકીકનું પ્રોસેસિંગ પણ થતું હતું. અકીકના પથ્થરો પર જુદી જુદી પ્રોસેસ કરીને તેનામાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવતી હતી.
અકીક માત્ર કચ્છ પૂરતું જ સીમિત નથી. પરંતુ હડપ્પન સંસ્કૃતિના સમયગાળા દરમિયાન સિંઘ પ્રાંત, પંજાબ પ્રાંત, હરિયાણામાં પણ અહીંનું અકીક ત્યાં મળી આવ્યું છે, જે સૂચવે છે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં પણ અકીકનું માઈનિંગ થતું હતું અને તેનો નિકાસ કરવામાં આવતો જતો. આજે પણ ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણમાં રતનપર, અમરેલી, ભાવનગરના આસપાસના વિસ્તારમાં આ અકીકના પથ્થરો જોવા મળે છે.
તો હડપ્પન સંસ્કૃતિના એક મોટા બંદરીય નગર લોથલમાં પણ અકીકનું માઈનિંગ કરવામાં આવતું હોવાના પુરાવાઓ મળી આવ્યા છે. પાંચ હજાર વર્ષ પહેલાં લોથલમાં પણ જે રીતે અકીક નું પ્રોસેસિંગ થતું એ જ રીતે આજે પણ અહીં પ્રોસેસિંગ કરવામાં આવે છે. પરંતુ હવે ગુજરાત મહારાષ્ટ્રમાંથી મળતી અકીક પૂરતી માત્રામાં ન હોતાં ધંધાર્થીઓ હવે વિદેશથી અકીક આયાત કરી તેની પ્રોસેસિંગ કરે છે.