Dhairya Gajara, Kutch: સંસ્કૃત (Sanskrit Language) એ માત્ર ભારતની નહીં પરંતુ વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંથી એક છે. 'દેવભાષા' (Language of God) તરીકે ઓળખાતી આ ભાષાનો વ્યાપ સદીઓથી ઘટતો આવ્યો છે. પરંતુ હવે આ ભાષાના ચાહકો ધીમે ધીમે જાગૃત થયા છે અને ભાષાને પુનઃ જીવિત કરવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. આજે વિશ્વ સંસ્કૃત દિવસના (World SanskritDay) ઉપક્રમે કચ્છમાં સંસ્કૃત ભારતી (Sanskrit Bharti) સંસ્થા દ્વારા તેની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
સંસ્કૃત ભાષાનો વ્યાપ વધારવા કચ્છમાં 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહોત્સવઃ ઉજવવામાં આવી રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વિવિધ સ્થળોએ આ ઉજવણી અંતર્ગત કાર્યક્રમો યોજી મોટી માત્રામાં બાળકો, યુવાનો અને ભાષાના ચાહકો જોડાઈ રહ્યા છે. તો આ ઉજવણી અંતર્ગત બાળકો માટે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં 1000 વિદ્યાર્થીઓ જોડાયા છે. લુપ્ત થતી ભાષા માટે કચ્છ જેવા નાના પ્રદેશમાંથી આટલી મોટી માત્રામાં વિદ્યાર્થીઓ જોડાય તે એક સારો સંકેત છે.
સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં જિલ્લાભરમાંથી જોડાયેલા બાળકોએ 250 જેટલી કૃતિઓ પ્રસ્તુત કરી હતી. આ કૃતિઓમાં સમૂહ ગીત, સમૂહ નૃત્ય, લઘુ નાટક, એકપાત્ર અભિનય, કથા વાંચન અને અનુવાદિત ગીતોની પ્રસ્તુતિ બાળકોએ કરી હતી. તો સંસ્કૃતમાં અનુવાદ કરેલા ગુજરાતી ગરબા તેમજ બોલીવુડ ગીતોએ મુખ્ય આકર્ષણ જમાવ્યું હતું.
આયોજકોએ જણાવ્યું હતું કે આ ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે લોકો સંસ્કૃત ભાષાના સંપર્કમાં આવે. કોઈ પણ ભાષા શીખવાના ચાર પગથિયાં હોય જેમાં પ્રથમ તેને સંભાળવું છે, જેનો માહોલ આ કાર્યક્રમ થકી ઊભો કરાયો છે. સામાન્યપણે લોકો વિચારે છે કે સંસ્કૃત એક કઠિન ભાષા છે અને તેને બોલવું મુશ્કેલ છે પરંતુ અન્ય કોઈ પણ ભાષાની જેમ પોતાના રોજિંદા જીવનમાં કોઈ અન્ય ભાષાની જેમ સંસ્કૃત બોલવું પણ એટલું જ સરળ છે.