Home /News /kutchh /Kutch: એવું તે શું કારણ છે કે આ જિલ્લામાં વધી રહી છે એમ્બ્યુલન્સ ડિલિવરી?

Kutch: એવું તે શું કારણ છે કે આ જિલ્લામાં વધી રહી છે એમ્બ્યુલન્સ ડિલિવરી?

એમ્બ્યુલન્સના કુશળ સ્ટાફ થકી મોટાભાગની ડિલિવરી સુરક્ષિત

વિશાળ વિસ્તારમાં પથરાયેલા કચ્છ જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોના અભાવે મહિલાઓને ગર્ભાવસ્થામાં લાંબા અંતર સુધીની મુસાફરી કરવી પડે છે જે કારણે એમ્બ્યુલન્સમાં ડિલિવરી સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે

    Dhairya Gajara, Kutch: કચ્છ પાસે ભારતનો સૌથી મોટો જિલ્લો હોવાનો તો બિરૂદ છે પરંતુ આ બિરૂદ સાથે અનેક મુશ્કેલીઓનો સામનો આ જિલ્લાને કરવું પડે છે. 45 હજાર ચોરસ કિલોમીટરના આ વિશાળ જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ સરવાળે ખૂબ ઓછી હોતાં અનેક છેવાડાના ગામોમાંથી લોકોને આરોગ્ય સેવા મેળવવા જિલ્લામથક અથવા આસપાસના મુખ્ય મથક સુધી જવું પડે છે. આ કારણે ગર્ભાવસ્થામાં પ્રસુતિની પીડા ઉપડતાં પણ અનેક વખત મહિલાઓને હોસ્પિટલ સુધી લઈ જતી વેળાએ તેમની ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરવી પડતી હોય છે.

    ભૌગોલિક રીતે દુર્ગમ એવા કચ્છ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય છે. જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલથી લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી તબીબો અને સરકારી કર્મચારીઓની અછત છે. તો અનેક ગામોથી સરકારી દવાખાના પણ ખૂબ દૂર હોતાં દર્દીઓને જટિલ પરિસ્થિતિમાં પણ લાંબુ અંતર એમ્બ્યુલન્સમાં કાપવું પડે છે. તો અનેક વખત ગર્ભાવસ્થામાં મહિલાઓને પણ દવાખાના સુધી જતા સમયે રસ્તામાં જ તેમની ડિલિવરી કરવાની ફરજ પડતી હોય છે.



    108 તરફથી મળતી વિગતો મુજબ વર્ષ 2022માં ગુજરાતભરમાં 4,42,140 પ્રેગનેન્સી રિલેટેડ કેસને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા, જેમાંથી 10 હજાર મહિલાઓની એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી થઈ હતી. કચ્છના કુલ 26,745 પ્રેગનેન્સી કેસમાંથી 614 મહિલાઓની ડિલિવરી 108 એમ્બ્યુલન્સમાં કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021-22માં કચ્છમાં 50,184 ડિલિવરી થઈ હતી, જેમાંથી 614 ડિલિવરી એમ્બ્યુલન્સમાં થતાં 1.22 ટકા બાળકોનું જન્મ એમ્બ્યુલન્સમાં થયો હતો.

    પહેલાના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2019-20માં કચ્છમાં કુલ 45,729 ડિલિવરી થઈ હતી, જેમાંથી 521, એટલે કે 1.13 ટકા ડિલિવરી એમ્બ્યુલન્સમાં થઈ હતી. તો વર્ષ 2020-21માં કચ્છમાં થયેલી 46,054 ડિલિવરીમાંથી 1.30 ટકા એટલે કે 599 ડિલિવરી એમ્બ્યુલન્સમાં થઈ હતી. 108ના કચ્છ જિલ્લાના અધિકારી વિશ્રુત જોશીએ News18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે, \"આ પ્રકારના મોટાભાગના કેસ લખપત તાલુકામાં અને ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાંથી આવતા હોય છે.\"

    ઉલ્લેખનીય છે કે ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓને પ્રસુતિ પીડા ઉપડતા દરેક સ્થળે તેમના માટે 24 કલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લા હોતાં નથી. કચ્છના 67 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી માત્ર 20 PHC જ ડિલિવરી 24×7 કાર્યરત રહે છે. આ PHC ખાતે ત્રણ સ્ટાફ નર્સ હોવી જરૂરી છે જેઓ આઠ-આઠ કલાકની શિફ્ટમાં PHCને 24 કલાક કાર્યરત રાખે છે. આ સ્ટાફ નર્સની અછતના કારણે એમ્બ્યુલન્સ માં ડિલિવરીની સંખ્યા સતત વધી રહી છે. તો સાથે જ દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડીસ્ટ્રિક્ત હોસ્પિટલ અને જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટની જગ્યા હોવા છતાંય મોટાભાગની જગ્યાઓ હાલ ખાલી છે.
    First published:

    Tags: Kutch, Local 18, ડોક્ટર, હોસ્પિટલ

    विज्ञापन