એક મહિના પહેલા જ્યારે કચ્છમાં લમ્પી સ્કિન ડીસીઝના કારણે ગાયોના મોતમુદ્દે ગુજરાતભરનાં રાજકારણ ગરમાયું હતું ત્યારે હાલ છેલ્લા બે અઠવાડીયાથી જિલ્લામાં કોઈ નવો કેસ નોંધાયો નથી
Dhairya Gajara, Kutch: કોરોના મહામારીએ વિશ્વભરમાં જેવો હાહાકાર મચાવ્યો હતો તેવી જ પરિસ્થિતિ કચ્છમાં લમ્પી સ્કિન ડીસીઝના કારણે ગાયોમાં ઉભી થઇ હતી. આ ચેપી રોગથી જિલ્લાભરમાં હજારો ગાયો પર અસર પડી હતી તો હજારો ગાયોને આ રોગ ભરખી જતા મલધરીઓ માથે આભ તૂટી પડ્યો હતો. જો કે હવે પરિસ્થિતિ બદલાતા માલધારીઓ રાહતનો શ્વાસ લઈ શકે છે. જિલ્લા પશુપાલન વિભાગ મુજબ છેલ્લા બે અઠવાડિયાથી જિલ્લામાં લમ્પીનો કોઈ નવો કેસ નોંધાયો નથી. તો સાથે ગાયોમાં રસીકરણની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
ગત એપ્રિલ મહિનાના અંતમાં માલધારીઓના ગામ એવા કચ્છના છેવાડાના લખપત તાલુકાના કૈયારી ખાતે ગાયો બીમાર પડતા અને તેમના શરીર પર ગાંઠો ઉપસી આવતા માલધારીઓમાં ચિંતા પ્રસરી હતી. ખાસ કરીને સંપૂર્ણપણે પશુપાલન પર પોતાનો સંપૂર્ણ જીવન નિર્ભર હોય તેવા લાલ પાઘડી રબારી સમાજના પરિવારોની અનેક ગાયો આ રોગની ચપેટમાં આવવા લાગી હતી. લખપત બાદ આ રોગ ધીમે ધીમે અબડાસા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા ભુજ અને ત્યારબાદ પૂર્વ કચ્છમાં પણ ફેલાયો હતો.
ચાર મહિનામાં અને ખાસ કરીને વરસાદ શરૂ થયા બાદ આ રોગે એવો ભરડો લીધો કે ટપોટપ ગાયોની મોત થવા લાગી. અનેક માલધારીઓ પોતાની બધી ગાયો ગુમાવી બેઠા. એક તરફ અખિલ પાંજરાપોળ કચ્છ સમિતિ દ્વારા દાવો કરાયો હતો કે જિલ્લામાં 50 હજાર કરતાં વધારે ગાયોની મોત થઈ છે તો બીજી તરફ સરકારી આંકડા મુજબ 39,305 પશુઓ આ રોગથી અસરગ્રસ્ત થયા હતા અને 2,186 પશુઓનું મોત નિપજ્યું હતું.
જો કે, લમ્પી સ્કિન ડીસીઝ મદદ રાજકારણ ગરમાતા રાજ્ય સરકાર પણ જાગી હતી અને મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ સત્તાધીશોએ કચ્છ દોડી આવી જરૂરી પગલાં લેવા સૂચન કર્યું હતું. આ વચ્ચે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પણ અથાક પ્રયત્નોથી જિલ્લાભરમાં રસીકરણની કામગીરી હાથ ધરાઈ રહી હતી. જિલ્લામાં આવેલું કુલ ગૌધન 5.74 લાખ હતું જેની સામે અસરગ્રસ્ત ન થાય હોય, કે પછી જે ગાયો ગર્ભાવસ્થામાં ન હોય તેવી 4.30 લાખ ગાયોને રસી આપવાની કામગીરી જિલ્લા પશુપાલન તંત્રએ પૂર્ણ કરી છે.
જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે અઠવાડિયાથી કચ્છમાં લમ્પીનો કોઈ નવો કેસ નોંધાયો નથી. તો રોગગ્રસ્ત પશુઓની સઘન સારવારથી પણ રોજ સારી માત્રામાં પશુઓ રિકવર થાય છે.