Mumbai Lady Provided Employment: લોકડાઉન સમયે વ્યવસાય ઠપ થયેલ કચ્છી હસ્તકળાના કારીગરોને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મુંબઈના હેતલ પારેખે રોજગાર અપાવ્યું હતું
કોરોનાની વૈશ્વિક (Corona Virus) મહામારીના કારણે દેશમાં લાદેલા લોકડાઉનથી (LockDown) અનેક ઉદ્યોગો અને વ્યવસાયો ઠપ થયા હતા. દેશના પશ્ચિમી ખૂણે આવેલો કચ્છ જિલ્લો પણ (Kutch ) આ મહામારીના ઘાથી પીડાતો હતો. વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રો સહિત કચ્છની એક આગવી ઓળખ એવી કચ્છી હસ્તકળાની આર્થિક ગતિવિધિ પણ ધીમી પડી હતી.
લોકડાઉન સમયે કચ્છી ભરતકામ, ચર્મકામ, મોતિકામ સહિત અનેક હસ્તકળા કારીગરોને આર્થિક ફટકો પડ્યો હતો. હસ્તકળાથી સંકળાયેલા મોટા ધંધાકીય એકમો ઓનલાઇન વેંચાણ કરી રોજગાર મેળવી રહ્યા હતા પણ કચ્છના ગામડાઓમાં પ્રાચીન પદ્ધતિથી અવનવી વસ્તુઓ બનાવતા કારીગરોને રોજીરોટીની પણ ખેંચ પડતી હતી.
આ વચ્ચે મૂળ કચ્છના વાગડ વિસ્તારના વતની અને હાલ મુંબઈના દાદરમાં રહેતા જૈન મહિલા હેતલ પારેખ દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી કચ્છી હસ્તકળાના કારીગરોને રોજગાર અપાવવાની પહેલ કરી. પોતે કચ્છી હસ્તકળાના પોશાક ના શોખીન હોતા હેતલબેને પોતાના પરિચિત એક કારીગર સાથે વાત કરી તેમના માધ્યમથી વધુ કારીગરો સાથે જોડાયા અને તે સર્વેના ઉત્પાદનો ઈન્સ્ટાગ્રામ પર વેંચાણ અર્થે મૂક્યા હતા.
News18 સાથે ખાસ વાતચિતમાં હેતલબેને જણાવ્યું કે લોકડાઉનમાં સમયની ઉપલબ્ધતા હોતાં કંઇક નવું કરવાનું વિચાર આવ્યું અને જ્યારે પોતાના પરિચિત કચ્છી કારીગર સાથે વાત કરી ત્યાર બાદ નક્કી કર્યું કે આ ક્ષેત્ર સાથે જોડાઈ લોકડાઉનની માર ખાઈ રહ્યા કારીગરો સાથે પોતા માટે પણ આવક ઊભી કરવી.
હેતલબેનના પુત્રએ તેમને ઈન્સ્ટાગ્રામ પર કચ્છી હેન્ડિક્રાફટ નામનું પેજ શરૂ કરી અપાયું અને બે વર્ષમાં અત્યારે 25 હજારથી વધુ લોકો આ પેજને ફોલો કરે છે. દેશના વિવિધ રાજ્યો ઉપરાંત અમેરિકા, બ્રિટન અને દુબઈ જેવા દેશોમાંથી પણ લોકોએ તેમના પેજના માધ્યમથી કચ્છી હસ્તકળા વડે બનેલા કપડાં, પર્સ, તોરણ જેવી અનેક વસ્તુની ખરીદી કરી હતી. અત્યારે કચ્છના રાપર, અંજાર અને ભુજ તાલુકાના ૪૦ જેટલા કારીગરો હેતલબેનના ઈન્સ્ટાગ્રામ પેજ વડે પોતાની કારીગરીનું વેંચાણ કરી રહ્યા છે.
"લોકડાઉન સમયે મેં જ્યારે મારા મોસાળ ભુજના એક કારીગર સાથે વાત કરી ત્યારે તેમણે મને જણાવ્યું કે તેમના માલનો વેંચાણ થતો ન હતો. મને પણ મારા વતની આવી ઉત્કૃષ્ટ કળાને આગળ વધારવાનો મોકો મળ્યો અને મે મારું યોગદાન આપ્યું," હેતલબેને કહ્યું.