Home /News /kutchh /Kutch: પહેલીવાર કચ્છના રાજપરિવારના મહારાણી પર લખાયું પુસ્તક, કોણે લખ્યું અને કેવું હશે જાણો!
Kutch: પહેલીવાર કચ્છના રાજપરિવારના મહારાણી પર લખાયું પુસ્તક, કોણે લખ્યું અને કેવું હશે જાણો!
કચ્છ મહારાણી પર પુસ્તક લખવામાં આવ્યું
મૂળ અબડાસા તાલુકાના વતની અને મુંબઈ યુનિવર્સિટી ખાતે પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ યામિની દંડ શાહ કચ્છ પર પોતાનું બીજું પુસ્તક લખી રહ્યા છે અને આ વખતે તેમનું પુસ્તક છે કચ્છ રાજપરિવારના મહારાણી પ્રીતિ દેવીના જીવન પર
Dhairya Gajara, Kutch: ઈતિહાસમાં અમર થઈ ગયેલા મહારાજા અને મહરણીઓની વાર્તાઓ તો સૌ કોઈએ વાંચી હશે પણ ક્યારે તમે હયાત મહારાણી પર લખાયેલી પુસ્તક વાંચી છે? મુંબઈના એક લેખક હાલ કચ્છ રાજપરિવારના મહારાણી પ્રીતિ દેવીના જીવન પર પુસ્તક લખી રહ્યા છે. મુંબઈના ડૉ. યામિની દંડ શાહ મહારાણી પ્રીતિ દેવીના જીવન પર બાળકો માટેની એક પુસ્તક લખી રહ્યા છે. કચ્છના ઇતિહાસમાં સામાન્યપણે રાજાઓ પર જ પુસ્તકો લખાયેલી છે પરંતુ મહારાણી પરની આ પુસ્તક બાળકોને તેમજ મોટેરાઓને પણ કચ્છ રાજપરિવાર વિશે સમજવા અને જાણવા એક નવો નજરિયો આપશે.
મૂળ કચ્છના અબડાસા તાલુકાના લાલા ગામના વતની અને યુનિવર્સિટી ઓફ મુંબઈમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. યામિની દંડ શાહ છેલ્લા લાંબા સમયથી કચ્છના વિવિધ પાસાઓને ઉજાગર કરવા સંશોધન અને લખાણ હાથ ધરી રહ્યા છે. તેમની પુસ્તક 'એબસ્ટ્રેક્ટ ઓરલિઝમ' કચ્છ પર લખાયેલી કવિતાઓનું સંગ્રહ છે. કચ્છ સંબંધિત પોતાની બીજી પુસ્તક લખવા ડૉ. શાહે કચ્છ રાજપરિવારના મહારાણી પ્રીતિ દેવીના જીવન વિશે નવી પેઢીને માહિતગાર કરવાનું નક્કી કર્યું છે.
News18 સાથે વાત કરતા ડૉ. શાહે જણાવ્યું હતું કે, \"એબસ્ટ્રેક્ટ ઓરલિઝમ પ્રકાશિત થયા બાદ મારી મહારાણી પ્રીતિ દેવી સાથે પહેલી મુલાકાત થઈ હતી જ્યારે તેમણે મને ચોપડા પૂજન માટે આમંત્રિત કર્યા હતા. એ સમયે તેમના જીવન પર એક પુસ્તક લખવાનો વિચાર મેં એમની સામે મૂકતા તેમણે હસીને કહ્યું કે તેઓ સૌથી બોરિંગ વ્યક્તિ છે અને પૂછ્યું કે તેમના વિશે હું શું લખીશ. રાજપરિવારના મહારાણી પાસેથી આ વાક્ય સાંભળીને મને તેમના વિશે વધારે જાણવાની ઈચ્છા જાગી હતી.\"
ત્રિપુરાના રાજકુમારી અને કચ્છના મહારાણી પ્રીતિ દેવીનું જીવન ભારતના પૂર્વથી પશ્ચિમ છેડે સુધી પસાર થયું છે ત્યારે તેમના જીવનમાં વિવિધ સંસ્કૃતિના સંગમ વિશે જાણી તેને આ પુસ્તકમાં સ્થાન આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સામાન્યપણે બાળકોને સંભળાવવામાં આવતી મહારાજા અને મહારાણીઓની વાર્તાઓ સદીઓ જૂની હોય છે જેને સમજવામાં બાળકોને મુશ્કેલી પડે છે પરંતુ આજના જમાનાના આ મહારાણી કેવા હશે, તેઓ કઈ રીતે રહેતા હશે તે જાણી બાળકોને આનંદ થશે. \"મારી મહારાણી પ્રીતિ દેવી સાથે ત્રણ વખત મુલાકાત થઈ છે અને તેઓ સરળ અને નમ્ર સાથે સત્યવાદી અને બોલ્ડ વ્યક્તિત્વ ધરાવે છે,\" તેવું ડૉ. શાહે જણાવ્યું હતું.
મહિલાઓને પગભર કરવા મહારાણી પ્રીતિ દેવીના વિવિધ કાર્યોનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી કચ્છના માતાનો મઢ ખાતે નવરાત્રીની પત્રી વિધિ પ્રીતિ દેવી દ્વારા કરવામાં આવે છે. કચ્છના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મહિલા દ્વારા આ પૂજા વિધિ કરવામાં આવી હતું તે પ્રસંગને અને તેના માટેની લડતને પણ આ પુસ્તકમાં વિશેષ સ્થાન આપવામાં આવશે.
ડૉ. યામિની દંડ શાહની કચ્છ પર આ બીજી પુસ્તક હશે. મુંબઈમાં રહેતા હોવા છતાંય તેઓ પોતાના વતન પ્રત્યેનો પ્રેમ સતત પોતાના લખાણ વડે વ્યક્ત કરતા આવ્યા છે. તેમણે કચ્છની મહિલાઓ અને તેમની કળા મુદ્દે લિટરરી થિયરી પણ તૈયાર કરેલી છે. તેમણે જણાવ્યું હતું કે કચ્છ તેમના હૃદયથી ખૂબ નજીક છે અને પોતાનો સમગ્ર જીવન કચ્છ વિશે સંશોધન કરતા રહેશે.