Dhairya Gajara, Kutch: ચુંટણી જાહેર થાય એટલે કોઈ પણ જગ્યાએ માહોલ જ બદલાઈ જાય. રાજકીય પક્ષો પોતાના પ્રચાર માટે દિવસ રાત એક કરી પ્રચારમાં લાગી જતાં હોય છે. ફરી એકવખત દિવાળી આવી ગઈ હોય તેવી રોનક હરેક કોર પ્રસરી જાય છે. આ પક્ષ બીજું પક્ષ કે અપક્ષ બધા જ જનતાને પોતાની તરફ ખેંચતા અનેક વાયદાઓ કરતા હોય છે. તો તેમાં બેરોજગારી જેવી સમસ્યાને નિવારવા લાખો લોકોને રોજગાર આપવાની વાતો પણ થતી હોય છે. શાસનમાં આવ્યા બાદ રાજકારણીઓ પાંચ વર્ષમાં રોજગાર અપાવી શકે કે ન આપવી શકે પરંતુ ચુંટણી આવે એટલે અનેક નાના નાના રોજગારો ઊભા થઈ જતાં હોય છે.
ચુંટણી જાહેર થયા બાદ અને મતદાન થાય તે વચ્ચે આચારસંહિતાનો જે સમયગાળો છે એ સર્વે માટે ખૂબ અગત્યનું છે. પ્રજા પોતાના આવનારા પાંચ વર્ષ માટેનો અગત્યનો નિશ્ચય આ ગાળા દરમિયાન કરે છે તો ઉમેદવારો પોતાના પાંચ વર્ષની સાથે સમગ્ર કારકિર્દી માટેનો પરિશ્રમ પણ આ આચારસંહિતાના સમયગાળા દરમિયાન કરે છે. પરંતુ એક વર્ગ એવો પણ છે જે આ આચારસંહિતામાં જ રોજગાર શોધી લે છે.
ચુંટણીના કારણે અનેક પ્રકારના રોજગાર ઊભા થતા હોય છે. સૌપ્રથમ તો દરેક ઉમેદવાર પોતાનો જનસંપર્ક કાર્યાલય બનાવે છે. જેથી મંડપ ડેકોરેશનના ધંધાર્થીઓને રોજગાર મળે, તેની સાથે લાઈટ અને સાઉન્ડના ધંધાર્થીઓને પણ ઓર્ડર આવવાના શરૂ થાય છે. તો કાર્યાલય પર ચાય નાસ્તો બનાવવા પણ એક બે લોકોને રાખવામાં આવે છે. વળી ઉમેદવારોના પ્રચાર માટે પક્ષના મોટા નેતાઓ આવે એટલે સભા યોજવા મોટા સ્ટેજ પણ બંધાવવામાં આવે છે.
તો બીજી તરફ ગામડે ગામડે અને શહેરની શેરીએ શેરીએ રિક્ષા, હાથગાડી અને સાઇકલ વડે પણ બેનર અને સ્પીકરથી પ્રચાર કરતા લોકો પણ આપણને જોવા મળે છે. આ શ્રમજીવીઓ આખો શહેર ખૂંદી મહેનતથી દિવસના 500 રૂપિયા કમાય છે. જો કે, ચૂંટણી બાદના પાંચ વર્ષ કોઈ પણ પક્ષ કે નેતાઓ આમને યાદ કરે તેવું સામાન્યપણે બનતું નથી. માટે જ રાજકારણીઓના વાયદાનું રોજગાર લોકોને મળે કે નહીં પરંતુ સંવિધાનના હર પાંચ વર્ષે ચુંટણી યોજવાના વાયદાથી તેમને રોજગાર જરૂર મળી રહે છે.